ભાગ ૯૫: શ્રોતા એ વક્તાગુરુનો ભક્ત હોવો જોઈએ
આગળના ભાગમાં આપણે જોયું કે જે અંદર અશાંત હોય તેને બહાર ભુલો થાય છે પણ જિનવાણી સાંભળવાથી આત્મા શાંત બનતો જાય છે અને જિનવાણીનું મહત્વ જાણ્યું…
હવે આગળ,
આજ્ઞા
જિનવાણી માટે સારા ઘર્મશ્રોતાના ગુણો
-
શાસ્ત્રોનું શ્રવણ સાંસારિક ધોરણે ન કરાય, કેમકે ધર્મશ્રવણ એ સમ્યગબોધ મેળવી આત્માની અજ્ઞાનદશા ઓછી કરવા માટે છે, અને એથી શક્ય ધર્મસાધના, ગુણવિકાસ અને દોષત્યાગ કરવા છે.
-
તેથી શાસ્ત્રનું શ્રવણ વ્યવસ્થિત જોઈએ માટે શાસ્ત્રમાં શ્રોતાના આ ગુણો બતાવ્યા છે
(૧) શ્રોતા એ વક્તાગુરુનો ભક્ત હોવો જોઈએ પણ ઈર્ષ્યાળુ છિદ્રાન્વેષી વગેરે નહિ.
- જેની પાસે ધર્મ સાંભળવો છે, એના પર ભક્તિભાવ જોઈએ. ભક્તિભાવ ન હોય, ઈર્ષ્યા હોય, છિદ્રાન્વેષણ હોય, તો સાંભળતો જાય ને મનમાં લોચા વાળતો જાય કે
આ શું નવું કહે છે ?
આ તો અમને ખબર છે!.
અહીં મહારાજ ભૂલ્યા…
મહારાજ આવેશી છે. મહારાજથી બોલવામાં આવેશ લવાય ?
-
મનમાં આવા લોચા વળે ત્યાં વક્તા ગમે તેટલી ઊંચી વાતો અને ઊંચા તત્ત્વો કહે, શાસ્ત્રના ગુપ્ત રહસ્યો સમજાવે, છતાં એ આ ઈર્ષ્યાળુને મામુલી લાગે, નકામું લાગે !
-
ત્યારે જો વક્તા પ્રત્યે ભક્તિભાવ હોય તો એમની વાણી બહુ પ્રેમથી ઝીલે, ને સાંભળતાં સાંભળતાં કેટલાય કર્મોનો ભુક્કો બોલાવે, અને કહેવાતી વસ્તુ પર શ્રદ્ધા થાય, તેમજ એ સાંભળેલું હદયમાં ઉતારી એમાંથી શક્ય હોય તો અમલમાં ઉતારે,
(૨) અગર્વીપણું જોઈએ.
-
શ્રોતા જો ગર્વથી પીડાતો હોય, તો
- શ્રવણ વખતે શંકા પડે એનું સમાધાન પુછશે નહિ.
હું આવું પૂછીને અબુઝમાં ખપું (એમ એને અહંત્વ ઘવાતું લાગશે.)
-
વળી ગર્વિષ્ટ શ્રોતા વિનયભાવે અને વાચનાની મુદ્રા એક પગે ઉભડક બેસી બે હાથ જોડીને, નહિ બેસે.
- ગર્વમાં ને ગર્વમાં આખું વ્યાખ્યાન પોતાને લાગું નહિ કરે, બધું બીજાને લાગું કરશે!
(૩) શ્રવણની રુચિ જોઈએ.
- શ્રવણની જો રુચિ જ મૂળ પાયામાં નહિ હોય, તો વક્તાનું કહેલું બધું બહેરા કાન પર પડવાનું !
- વાણી કશી ઝીલાવાની નહિ ! ઉલટું, એના પર કંટાળો લાવશે !
- વક્તા હિતૈષી ગુરુસ્થાને છે એમના દ્વારા હિત ભાવનાથી કહેવાતા તત્ત્વ પર કંટાળો, અરુચિ એ કેટલો મોટો દોષ ? જરૂર પડ્યે દુર્લભબોધી બનાવે !
(૪) શ્રવણમાં સ્થિરતા જોઈએ, ચંચળતા નહિ.
- કોણ આવ્યું ?…
- કોણ ગયું ?…
- ઉપાશ્રયને બારીઓ કેમ ઓછી છે ?…
- વ્યાખ્યાન ક્યારે પૂરું થશે ?…વગેરે.
- નહિતર શ્રવણ વખતે ચંચળ મન વચમાં વચમાં બીજે-ત્રીજે ભટકવા જશે !
- તેથી કહેવાયેલું ધ્યાનમાં નહિ લેવાય, એળે જશે, એટલો એનો અને વક્તાનો સમય બરબાદ જશે,
(૫) સમજ-શક્તિ જોઈએ.
-
જો શ્રોતામાં વક્તાએ કહેલું સમજવાની શક્તિ નહિ હોય તો પણ સાંભળેલું એળે જવાનું
-
ધર્મ કરીને અને પુણ્ય બંધાય એ સામન્ય પરભવે ફળે છે, પરભવે ઉદયમાં આવે છે, પરંતુ તેવા પ્રકારનો ધર્મ કરીએ અને એથી જ્ઞાનાવરણીય કર્મનો, મોહનીયનો, અંતરાયકર્મનો ક્ષયોપશમ થાય એ સામાન્ય રીતે આ ભવમાં ય ફળે છે,
- તો સમજશક્તિ માટે જ્ઞાનની ભક્તિ, જ્ઞાનીની ભક્તિ સાધુસેવા, તપસ્યા.. વગેરે તથા જ્ઞાન ભણવાની એકાગ્ર અને ભાવભર્યા ચિતે મહેનત કરવાથી, જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય કે જે અહીં ફળે છે !
-
અહીં જ્ઞાનશક્તિ, સમજવાની શક્તિ વિકસ્વર કરે છે, ને જ્ઞાનસંપત્તિ વધે છે.
- વરદત્ત ગુણમંજરીમાં જ્ઞાનશક્તિ નહોતી, ગાઢ જ્ઞાનાવરણીય કર્મ હતા, પરંતુ ગુરુવચનથી જ્ઞાનપંચમીની અને જ્ઞાનની આરાધના કરી, તો સુંદર ક્ષયોપશમ પ્રગટી જ્ઞાન-સંપત્તિ પામ્યા,
- એટલે મારામાં સમજશક્તિ નથી, એમ કરી માત્ર બેસી રહેવું નહીં, ને શ્રવણ બંધ ન કરવું, પરંતુ સાથોસાથ સમજશક્તિ પ્રગટાવનારા ઉપાય પણ આદરવા જોઇએ.
ગુરુવિનય-બહુમાનથી સમજશક્તિ વધે એ અંગેનુ દ્રષ્ટાંત હવે પછીના ભાગમાં જોઇએ…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶