🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૯૬: ગુરુવિનય-બહુમાનથી સમજશક્તિ વધે એ અંગેનું બ્રાહ્મણ વિધાર્થીનું દ્રષ્ટાંત

આપણે આગળના ભાગમાં જિન​વાણી માટે સારા ઘર્મશ્રોતાના ગુણો વિશે જોઇ રહ્યા હતા…

હ​વે આગળ,

આજ્ઞા


ગુરુવિનય-બહુમાનથી સમજશક્તિ વધે એ અંગેનું બ્રાહ્મણ વિધાર્થીનું દ્રષ્ટાંત:

 • ગુરુનો વિનય, ને તે પણ ગુરુ પર અથાગ શ્રદ્ધા અને અથાગ બહુમાન સાથેનો, એનામાં આ ક્ષયોપશમ કરવાની જબ્બર તાકાત છે.
 • ગુરૂ બે બ્રાહ્મણ વિદ્યાર્થીઓને સરખું ભણાવતા હતા.
 • પરંતુ એ બે વિદ્યાર્થીઓમાં એક ઉદ્ધત અવિનીત હતો, તો બુદ્ધુ જેવો રહ્યો, એની સમજશક્તિ કશી ખીલી નહિ
 • ત્યારે બીજો એવા ગુરુ-વિનય, ગુરુ-શ્રદ્ધા, ગુરુ-બહુમાનવાળો હતો કે એની બુદ્ધિ-શક્તિ વિકસ્વર થઈ ગઈ.

આ બે વિદ્યાર્થીઓ એક વાર જંગલમાંથી પસાર થતાં, એક ઠેકાણે પોરો ખાવા બેઠા.

પછી વિનયી વિદ્યાર્થીએ કહ્યું,

ચાલ, ચાલ જલ્દી, આગળ પર કાણા હાથી પર ગયેલી રાજાની રાણીએ પુત્રને જન્મ આપ્યો છે, ને દક્ષિણા વહેંચાતી હશે !
તો આપણે સમયસર પહોંચી જઈએ તો આપણને પણ એ મળે…

 • પહોચી ગયા, ને બરાબર એ પ્રમાણે બનેલું, તે દક્ષિણા મળી!

 • વળી આગળ જતાં નદી-કિનારે પાણીનો ઘડો ફૂટી જવાથી બાઇ રોતી હતી,

આ બંને પૂછે છે,

મા ! આટલો બે પૈસાનો ઘડો ફૂટ્યો છે, શું રોવા બેઠી છે ?

ત્યારે બાઇ કહે છે,

છ વરસથી મારો છોકરો પરદેશ ગયેલો. એના કશા સમાચાર નથી કે ક્યાં છે?
જીવતો છે કે મરી ગયો છે?
કમાનાર કોઈ નથી.
એમાં વળી આ ઘડો ફૂટી ગયો!
માટે રોઉં છું

પેલો અવિનીત વિદ્યાર્થી એને કહે,

તો મા ! હવે નહાઈ નાખ. આ ઘડો ફૂટ્યો એ દેખાડે છે કે તારો દીકરો મરી ગયો.

પણ બીજો વિનીત વિદ્યાર્થી કહે,

ઉતાવળો ન થા, અને ડોશીને કહે જા ઘરે, તારો દીકરો આવેલો મળશે !

 • ડોશી રાજીની રેડ થઈ ગઈ, ઘરે ગઈ તો દીકરો આવી મળ્યો!

એટલે એ વધામણી-દાન લઈ ગઈ ગુરૂ પાસે, કહે છે,

લ્યો આ તમારા વિદ્યાર્થીને વધામણી-દાન. એણે કહ્યા પ્રમાણે દીકરો પરદેશથી આવેલો મળી ગયો !

આ બે પ્રસંગ પર ઉદ્ધત વિદ્યાર્થી ગુરુને ઠપકારવા મંડ્યો કે,

તમે પક્ષપાત કરી આ વિદ્યાર્થીને ખાનગી ખાનગી મહાન વિદ્યાઓ આપી દીધી…

ગુરુએ બીજાને પૂછતાં એ કહે છે,

 • ગુરુજી ! આપે અમને બંનેને સાથે જ સરખું ભ​ણાવ્યું છે, મને એક વખત પણ ખાનગી કશું ભણાવ્યું નથી.
 • પરંતુ ગુરુજી ! આપની પર અથાગ પ્રેમશ્રદ્ધા તથા આપનો વિનય-બહુમાન કરવાના હિસાબે આપની મારામાં એવી કૃપા ઊતરી, આપનો એવો પ્રભાવ પડ્યો કે મને સ્ફૂરી ગયું કે પહેલા તો રસ્તે જતાં હાથીના પગલાં દેખ્યાં.
 • એણે પણ રસ્તાની એક બાજુના જ ઝાડોના પત્તા-ડાળખાં ખાધેલાં તે દેખ્યા, તેથી લાગ્યું કે અહીથી હાથી કે હાથણી તે પણ એક આંખે કાણી ગઈ લાગે છે, અને રાજા કે રાણી સિવાય એના પર કોણ બેસીને જાય ? માટે લાગ્યું કે એ જ ગયેલા હશે.
 • પછી જે ઝાડ નીચે અમે પોરો ખાવા બેઠા ત્યાં જોયું કે છોડવા પર રેશમના તાર હતા, તેથી નક્કી કર્યું કે આવા તારની સાડી પહેરેલી રાણી જ હાથી પર ગઈ હશે.
 • વળી એ બેસીને ઊઠવા ગઈ હશે ત્યારે જમણા હાથનો પંજો ધૂળમાં ઊંડો છપાયેલો જોયો, એટલે નક્કી કર્યું કે રાણી ગર્ભવતી હશે, અને ગર્ભના દિવસો ભરાઈ ગયા હશે તેથી ભારે શરીરે ઊઠ​વા હાથનો ટેકો મૂક્યો હશે.
 • વળી જમણી બાજુ ભાર દેખીને નક્કી કર્યું કે પુત્રનો ગર્ભ હોવો જોઈએ.
 • બસ, ગુરુજી આ બધું જોઈ-વિચારી મેં જણાવ્યું. આમાં કોઈ મંત્રવિદ્યા લગાવી નથી.

ગુરુ પૂછે,

તો પછી પેલી ડોસીનું શી રીતે જાણ્યું ?

વિનયથી વિધાર્થી કહે,

 • ઓહો! એમાં શું છે ? મેં વિચાર્યું કે ઘડો ફૂટ્યો એટલે ઘડાની માટી મૂળ માટીથી જુદી પડેલી તે નીચે મૂળ માટીમાં ભળી ગઈ ને ઘડાનું પાણી મૂળ નદીના પાણીથી છૂટું પડેલું ઢળ્યું તે વહીને મૂળ નદીના પાણીમાં ભળી ગયું.
 • તો પછી આ ડોસીનો દીકરો ડોસીથી છૂટો પડેલો હવે મૂળ ડોસી ભેગો કેમ ન થઈ જાય?
 • આ સાંભળીને ઉદ્ધત વિદ્યાર્થી વિનયી વિદ્યાર્થીની સમજશક્તિ પર ઓવારી ગયો, અને ગુરુ પાસે ક્ષમા માગી.
 • આ સમજશક્તિ ક્યાંથી આવી ? જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી. એ ક્ષયોપશમ શી રીતે ઊભો થયો? ગુરુવિનય, અને અનહદ ગુરુશ્રદ્ધા, તથા અઢળક ગુરુ બહુમાનથી ઊભો થયો.
 • બસ, શ્રોતાનો પાંચમો ગુણ “સમજશક્તિ” કહ્યો, એ સાથોસાથ સૂચવે છે કે “શ્રોતામાં જ્ઞાન, જ્ઞાનીની ભક્તિ, વિનય વગેરે ગુણ જોઈએ.”

(૬) શ્રોતા પટુ જોઇએ, નિપુણ જોઈએ, ચકોર જોઈએ:

 • જેથી ગુરુને કાંઈક પૂછવું હોય તો
 • પ્રશ્ન કેવો મૂકાય ?…
 • પ્રશ્ન કેવી રીતે મૂકાય ?…
 • ક્યારે મૂકાય ?…
 • કેવા શબ્દમાં મૂકાય ?…
 • ચાલુ વિષય સાથે પ્રશ્ન સંગત કેમ કરાય?…
 • પોતાના ગૂઢ પ્રશ્નનો ગુરૂ ખુલાસો માગે તો એનું સ્પષ્ટીકરણ કેમ કરવું ?
 • વગેરે અંગે નિપૂણતા હોય તો ગુરુ સાથે કેમ બોલવું તે આવડે અને અર્થનો અર્થાન્તર ન કરી બેસે, ઉત્સર્ગ-માર્ગને અપવાદમાં ને અપવાદ-માર્ગને ઉત્સર્ગમાં ન લઈ જાય અથવા એકલા ઉત્સર્ગનો કે એકલા અપ​વાદનો આગ્રહી ન થઈ જાય.

વધુ હ​વે પછીના ભાગમાં
શેર કર​વા નીચે ક્લિક કરો