🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૯૮: ગૌતમના મારા ઉપરના અનુરાગને દૂર કરવાનું છેલ્લુ કલ્યાણકાર્ય, કંઈક કઠોર થયેલા દેખાઈને પણ, મારે જ કરવું રહ્યું

આગળના ભાગમાં આપણે જોયું કે વર્ષોના શ્રવણ પછી પણ સારું જાણકારપણું નહિ, એ આપણી કેટલી કંગાલ દશા!

હ​વે આગળ,

આજ્ઞા


ભગવાન મહાવીરના જીવનનું ત્યારે બહોતેરમું વર્ષ ચાલતું હતું.

 • ઉત્કટ સાધનાનાં અપાર કષ્ટો સહી સહીને અને કાળના ઘસારા પામીને કાયા હવે જાણે કાળધર્મને માટે સજજ થઈ રહી હતી.
 • કાળના ધર્મથી–કાયાને તજીને સદાને માટે વિદાય થવાના નિયમથી – મહાત્મા કે અલ્પાત્મા, રાજા કે રંક અથવા કુંજર કે કીડી કોઈ બચી શકતું નથી
 • વિશ્વનો એ અફર નિયમ છે એ સર્વમાન્ય સત્ય છે.
 • અને આટલું જ શા માટે, મૃત્યુ છે – કાળધર્મ - નિયમ છે – તો દુનિયા દોજખ બનતી બચી જઈને વસવા લાયક બની રહી છે.

ભગવાનનું એ છેલ્લું (બેંતાલીસમું) ચોમાસું હતું. ભગવાન એ ચોમાસું પાવાપૂરીમાં રહ્યા હતા. હસ્તિપાળ રાજાની રજ્જુગ શાળામાં તેઓનો ઉતારો હતો.

 • ત્રિકાળજ્ઞાની ભગવાને જોઈ લીધું કે હવે પોતાનું આયુષ્ય પૂર્ણ થવાનો અવસર નજીકમાં જ છે અને હજી સુધી ગૌતમને પૂર્ણ કેવળજ્ઞાન થયેલ નથી, પણ એ માટે નો સમય પણ પાકી ગયો છે.
 • એ પ્રભુપરાયણ સાધકને જાણે માળાના ૧૦૭ મણકા તો ગણાઈ ચૂક્યા છે અને માત્ર છેલ્લા એક જ મણકા માટે સાધનાની પૂર્ણતા અને સફળતા અધૂરી રહી છે, અટકી ગઈ છે અને એનું કારણ પણ કેવું અચરજ પમાડે એવું છે! સંસારનાં જુગ જુગજૂનાં બંધનોથી કંઈક જીવોને મુક્તિ અપાવનાર ખુદ શ્રમણ ભગવાન મહાવીર ઉપરનાં અખંડ અનુરાગ અને ભક્તિસભર રાગ દષ્ટિ જ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનને રોકી રહ્યાં હતાં.

ભગવાને વિચાર્યું,

 • ગૌતમના મારા ઉપરના અનુરાગને દૂર કરવાનું છેલ્લુ કલ્યાણકાર્ય, કંઈક કઠોર થયેલા દેખાઈને પણ, મારે જ કરવું રહ્યું.
 • બંધિયાર બની ગયેલા પાણીને વહેતું કરવા માટે બંધના એકાદ ભાગને તોડી પાડવા જેવા કોઇક​ આઘાત ગૌતમના મારા તરફની રાગદષ્ટિથી ભરેલા અંતર ઉપર નહીં પડે, ત્યાં સુધી એને સાધનાની પરિપૂર્ણ સિદ્ધિના અમૃતનો લાભ નહીં મળે.

અને ભગવાને ગૌતમને આજ્ઞા કરી,

 • હે ગૌતમ ! અહીંથી થોડે દૂર એક ગામમાં દેવશર્મા નામે વિપ્ર રહે છે.
 • એ સરળ પરિણામી, સત્યનો જિજ્ઞાસુ અને ધર્મનો ઇચ્છુક છે.
 • અલ્પ પ્રતિબોધથી મોટો ધર્મલાભ થાય, એવો અવસર છે. તું એ ગામમાં સત્વરે જા અને એ વિપ્રને પ્રતિબોધ પમાડી એનો ઉદ્ધાર કર.
 • તને પણ આ કાર્યથી મહાન લાભ થશે.
 • આ પ્રસંગ તો તારા ઉદ્ધારનું પણ નિમિત્ત બનશે.

ભગવાનની આજ્ઞા એ ગૌતમને મન કૃપાસિંધુ ભગવાનની મોટી કૃપાપ્રસાદી હતી.

 • એ માટે તેઓ સદાય તત્પર રહેતા.
 • અને સંસારના જીવને ઉદ્ધાર કરવાનું કામ તો ધર્મની પ્રભાવના કરવા જેવું મહાન લાભનું કામ હતું.
 • એટલે ગૌતમસ્વામીને એ મનગમતું કાર્ય હતું.
 • ભગવાને આવા ઉત્તમ કાર્ય માટે પાતાને આજ્ઞા કરી તેથી ગૌતમ અપાર આહલાદ અનુભવી રહ્યા અને પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા.
 • એંશી વર્ષ જેટલી પાકટ ઉંમરે પહોંચવા છતાં ગૌતમસ્વામી સદા ભગવાનની આગળ પોતાની જાતને એક શિશુ જેવી જ માનતા હતા.
 • ભગવાનની આજ્ઞા શિરે ચડાવીને ગૌતમસ્વામીએ તરત જ બ્રાહ્મણ દેવશર્માને પ્રતિબોધ આપવા એના ગામ તરફ વિહાર કર્યો.

ગૌતમસ્વામી દેવશર્મા ને કહે છે,

 • ભગવાને તને બૂઝવવા મને મોકલ્યો છે.
 • તેં અત્યાર સુધી આ બધી મોહમાયાનું ઘણું કર્યું, પણ તારા અંદરવાળા આત્માનું ક્યારે કરીશ?
 • અહીંથી મર્યા પછી, જે આ મોહમાયા પાછળ તું જિંદગી ખુવાર કરે છે, એ તને પરભવે બચાવવા નહિ આવે.
 • એ તો તેં તારા અંદરવાળા આત્માનું હિત અહીં સાધ્યું હશે, એ જ તને પરભવે ઓથ આપશે, રક્ષણ આપશે.
 • માટે ઊઠ, લે ચારિત્ર, અને આત્મહિતની સાધના કર.
 • પરંતુ દેવશર્મા ન બૂઝ્યો, કેમકે એને રાગ હતો.

પત્નીનું એવું કામણ હતું કે એ કહે છે,

પ્રભુ ! આપની બધી વાત સાચી, પરંતુ આ પત્નીને હું છોડી શકું નહિ,

 • પરિણામ? બૂઝ્યો નહિ, અને ગૌતમ મહારાજ થાકીને પાછા જવા માટે ઊઠવા ગયા ત્યારે, એ વળાવવા જવા ઊઠવા ગયો, પણ ખ્યાલ ન રહ્યો તે ઉપર ખુલ્લી બારીનું બારણું મર્મસ્થાનમાં જોરથી એવું લાગ્યું કે ત્યાં જ પડ્યો ને મરી ગયો !
 • ગૌતમ મહારાજે અવધિજ્ઞાનથી જોયું કે મરીને ક્યાં ગયો? તો એની સ્ત્રીના માથામાં જૂ તરીકે ઉત્પન્ન થયેલો જોઈ ગૌતમ સ્વામી સ્તબ્ધ થઈ ગયા!
 • અતિ રાગના વ્યુદગ્રહથી સદબુદ્ધિથી તે શ્રવણ એળે ગયું.

આમ, વક્તાના કથનને વક્તાના આશય પ્રમાણે ગ્રહણ કરનારો ન બન​વાથી દેવશર્માને જૂ ના ભ​વમાં ઉત્પન્ન થ​વાનું આવ્યું.

વધુ હ​વે પછીના ભાગમાં
શેર કર​વા નીચે ક્લિક કરો