🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જમતી વખતે એંઠા મુખે બોલવું નહિ

આગળના ભાગમાં આપણે આહાર-ભોજનમા જયણા કેવી રીતે પાળ​વી એ વિશે જોઇ રહ્યા હતા…

આ ભાગમાં આપણે તેના વિશે વધુ જોઇએ…

F - જયણા


આહાર-ભોજનમા જયણા કેવી રીતે પાળ​વી?

  • સાબુદાણાની કોઈ પણ વાનગી વાપરવી જોઇએ નહીં. કારણ કે…
    • સાબુદાણાની ઉત્પાદન પ્રક્રિયા અત્યંત હિંસક છે.
      • સાબુદાણાના કંદને કલંગ​ કહે છે. (Torpeo અંગ્રેજી નામ છે).
      • ૫ કિલો જેટલું વજન હોય છે.
      • છાલ કાઢ્યા પછી ખુલ્લામાં ૪-૬ માસ પડી રહેતાં જેમાં ઘણી લીલ-ફૂગ થયા કરે છે, પાર વિનાના ત્રસ​ જીવો ઊપજે છે.
      • અનંતા જીવોની ઘોર હિંસા થયા બાદ તેના રસમાંથી સાબુદાણા બને છે.
  • આદ્રા નક્ષત્ર પછી તો કેરી રાયણ અભક્ષ્ય જ બને છે. તે પહેલાં પણ વરસાદ થઈ ગયા પછી કેરીમાં જીવાત પડવાની સંભાવના છે. વરસાદ થયા પછી શક્ય હોય તો કેરીનો ત્યાગ કરો.
  • તૈયાર ટીન પેકીંગમાં મળતો કેરીનો રસ ન વાપરો.
  • શહેરોમાં કેરીનો રસ ઘરે કાઢવાની પ્રથા ઓછી થતી જાય છે અને બહારથી તૈયાર રસ લાવીને વાપરવામાં આવે છે. આવો રસ વાપરવો ઉચિત નથી કારણ કે, તે રાત્રે કે આગલા દિવસે પણ કાઢેલો હોઈ શકે છે. વળી, ઘણીવાર આ બહારના રસમાં કાચું દૂધ ભેળવવામાં આવે છે તેથી તેવા દૂધ સાથે મગની દાળ કે કઠોળની અન્ય કોઈપણ ચીજ ખાવાથી દ્વિદળ થવાની સંભાવના છે. કેરીના રસમાં કાચું દૂધ ભેળવવું નહીં.
  • દૂધનો માવો બીજા દિવસે વાસી બને છે, પરંતુ તેને ઘી માં તળીને લાલ પાકો માવો કર્યો હોય તો મીઠાઈના કાળ મુજબ ચાલી શકે.
  • બહારના તૈયાર રવા મેંદામાં પુષ્કળ જીવાત હોવાની સંભાવના છે. તેની ઉત્પાદન પ્રક્રિયામાં જરાય જયણા સચવાતી નથી, માટે બહારના રવા મેંદાની કોઈ પણ ચીજ વાપરવી નહીં.
  • મધ, માખણ (બટર) અભક્ષ્ય છે. તેનાં ભક્ષણમાં પુષ્કળ વિકલેન્દ્રિય જીવોનું ભક્ષણ છે માટે તેનો ત્યાગ કરવો જોઇએ.
  • ઘણા ચાની ભૂકી ઉકાળીને કાવો બનાવે છે. અને તેમાં ઉપરથી દૂધ નાંખે છે. આ દૂધ કાચું હોય અને દૂધ નાંખ્યા પછી વ્યવસ્થિત ઉકાળવામાં ન આવ્યું હોય તો તેવી ચા સાથે સેવ ગાંઠીયા ફાફડા વગેરે કઠોળના લોટમાંથી બનાવેલી કોઈ પણ વાનગી ખાઈ શકાય નહીં.
  • મીઠાઈ ઉપર શોભા માટે કેસરનું પાણી છાંટેલું હોય તો તે મીઠાઈ બીજા દિવસે વાસી-અભક્ષ્ય બને છે.
  • મેથી વગેરે ભાજીમાં નીચેના બે-ત્રણ પાંદડા અનંતકાય ગણાય છે માટે તે છોડી દેવા.
  • ચોમાસામાં તે દિવસે ફોડેલી બદામ જ વપરાય. આજે ફોડેલી બદામ મીઠાઈ ઉપર ભભરાવી હોય તો તે મીઠાઈ બીજા દિવસે અભક્ષ્ય બને, પરંતુ શેકાઈ ગઈ હોય તો બાધ નથી.
  • છુંદા-મુરબ્બા પાકી ચાસણીમાં કરેલા હોવા જોઈએ
  • આઇસ્ક્રીમ, ચોકલેટ વગેરેમાં પ્રાણીજ દ્રવ્યો હોવાની સંભાવના છે, અભક્ષ્ય છે માટે વાપરવા નહીં.
  • દૂધમાં નાંખીને વાપરવાના જાત જાતના પાવડરો બજારમાં મળે છે. તેમાં તે વર્ણની ઝીણી ઈયળો થઈ જવાની સંભાવના છે. બીજી રીતે પણ આ પાવડરો અભક્ષ્ય હોવાની શક્યતા છે. અભક્ષ્ય ના હોય તેવા ખાત્રીવાળા પાવડર પણ વાપરતા પહેલાં તેમાં ઈયળ વગેરે જંતુ ન હોય તેની બરાબર તપાસ કરવી.
  • મગ વગેરે કઠોળ રાંધતા પહેલાં લાંબો સમય પલાળી રાખવાથી તેમાં ફણગા ફૂટવાની સંભાવના છે. તેથી લાંબો સમય પલાળી ન રાખ​વા જોઇએ.
  • દૂધીનો હલવો, ગુલાબજાંબુ વગેરે બનાવ્યા હોય તે જ દિવસ વપરાય. ગુલાબજાંબુનો માવો પણ તે જ દિવસનો તાજો જોઈએ.
  • જલેબીનો આથો સવારે નાંખ્યો હોય તો જ જલેબી ખપી શકે. બીજા દિવસે જલેબી અભક્ષ્ય બને છે.
  • ચુરમું જે દિવસે કર્યું હોય તે જ દિવસે વાપરી શકાય. મુઠીયા લાલ તળીને ભુકો કરી પછી ફરી શેકીને ચૂરમું રાખે તો મીઠાઈના કાળ મુજબ ખપી શકે.

જમતી વખતની જયણા

  • એઠું મૂકો નહિ, થાળી ધોઈને પીઓ. થાળી સ્વચ્છ ધોઈને ચોખ્ખા નેપકીનથી લૂછી નાંખો. તે નેપકીન છેલ્લે ધોઈને સૂકવી દેવું

  • ગરમ રસોઈનાં વાસણો સીધા જમીન પર ન મૂકો, સ્ટેન્ડ ઉપર મૂકો. વાસણો ગરમ હોય તો તેના સ્પર્શથી કીડી વગેરેની વિરાધના સંભવિત છે. (ગરમ વાસણ સીધા ખાળમાં ધોવા ન મૂકવા. અપકાયના જીવોને ખૂબ કિલામણાં થાય)

  • જમતી વખતે ભોજનની થાળી વાટકી પાટલા ઉપર મૂકીને જમો. ગરમ વાનગીથી થાળી-વાટકી. ગરમ થતાં કીડી વગેરેની વિરાધના ન થાય માટે પાટલો જરૂરી છે

  • ભોજનની થાળી મૂકવાનો પાટલો સ્થિર રાખવો. તે ડગમગતો હોય તો કીડી વગેરે સૂક્ષ્મ જંતુ દબાઈ જવાની સંભાવના છે

  • જમતી વખતે અથવા જમ્યા પછી તરત કાચા દહીં છાશ ન વાપરવા. દ્વિદળનો દોષ લાગે.
    • વાપરવા હોય તો જમ્યા બાદ સંપૂર્ણ મુખશુદ્ધિ કરી લેવી. ભોજનના સ્વચ્છ કરેલા થાળી વાટકી વગેરે દૂર મૂકી દેવા, પાટલો કપડાથી શુદ્ધ કરી દેવો.
    • કોઈ દાણો વગેરે પડેલા ન રહે તેની ખાત્રી કરી લેવી, પાણીનો ગ્લાસ પણ કપડાથી સંપૂર્ણ સ્વચ્છ કરી નવું પાણી તેમાં લેવું.
    • થાળી-વાટકી-ગ્લાસ સાફ​ કર્યા હોય તે નેપકીન અને જમીન કે પાટલી સાફ કર્યા હોય તે કપડું પણ દૂર મૂકી દેવું.
    • પછી, ચોક્ખી વાટકીમાં દહીં છાશ લઈ વાપરી શકાય. તે વાટકી તથા પાણીનો ગ્લાસ બીજા ચોખા નેપકીનથી સ્વચ્છ કરવા. તે નેપકીન અલગથી ધોવું
  • કાચા દહીં છાશ શ્રીખંડ સાથે મગ, મગની દાળ વગેરે કોઈ પણ કઠોળ ન વપરાય.
    • તેમ લીલી ચોળી, લીલી તુવેર, લીલા વટાણા, લીલા ચણા વગેરે લીલું કઠોળ પણ ન વપરાય.
    • પાપડ, પત્તરવેલીયા, કઠોળના લોટમાંથી બનેલા કોઈ પણ ફરસાણ વગેરે ન વપરાય.
    • તે થાળીમાં ચણાના લોટવાળી કઢી પણ ન વપરાય
    • કઢીમાં મેથીનો વઘાર કરેલો હોય તે પણ ન ચાલે
  • દ્વિદળ ન થાય તે માટે ગમે તેટલી કાળજી રાખવા છતાં છેવટે દહીં છાશનું ભોજન જે મોરીમાં સાફ કરો તેમાં જ અન્ય​ રસોઈનાં વાસણો સાફ​ થવાથી ત્યાં દ્વિદળ થવાની સંભાવના તો છે જ તેથી, કેટલાક કાળજીવાળા શ્રાવકો ગરમ કર્યા વગરનું દહીં છાશનું ભાજન રાખતા જ નથી

  • સચિત્તના ભક્ષણથી બચવા નીચેની જયણા જરુર પાડી શકાય​,
    • બીજ કાઢીને સમાર્યા બાદ બે ઘડી થાય તે પૂર્વે કોઈ પણ ફળ ન વાપરવા
    • કાચી કાકડી, મોગરી વગેરે કોઈ પણ શાકભાજી કાચા ન વાપરવા
    • ખમણ, ઢોકળા, શાકભાજી કે દાળમાં કોથમીર (કારતક​ સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ સુધીમાં પણ) ઉપરથી ન નાંખવી
    • કોઈ પણ વાનગીમાં ઉપરથી કાચું મીઠું ન ભભરાવવું
    • લીંબુના બીજ કાઢીને ૨ ઘડી થાય તે પછી જ તે લીંબુ, દાળ વગેરેમાં નીચોવવું અથવા અચિત્ત થયેલા રસનો જ ઉપયોગ કરવો
    • લીંબુ ટોપરૂં છીણવું હોય તો ફોડીને ૨ ઘડી થયા પછી જ છીણવું
    • કાચા કચુંબર કે સલાડનો ઉપયોગ બિલકુલ ન કરવો
  • જમતી વખતે એંઠા મુખે બોલવું નહિ
  • રાત્રીભોજન કદાપિ ન કરવું. શક્ય હોય તો ચોવિહારનું પચ્ચખાણ કરવું, તિવિહારનું તો અચૂક કરવું

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો