ભાગ ૧૧૯: સુકૃત-આસેવનની કક્ષા વધારવા માટે એને હૈયાનો ખૂબખૂબ ભાવ આપવાનો છે
આગળના ભાગમાં આપણે જોયું કે પ્રારંભિક જીવની દુષ્કૃતગર્હા મોટા મોટા દુષ્કૃતની હોય અને પછી આગળ વધતા વધતા સૂક્ષ્મ સૂક્ષ્મ પાપની ઓળખ થતી જાય, તેમ તેમ એ નાના નાના પણ દુષ્કૃતની ય ગર્હા થતી જાય.
હવે આગળ,
બીજાનો ધર્મ જોતા આનંદ
- સુકૃત-આસેવનની કક્ષા વધારવા માટે એને હૈયાનો ખૂબખૂબ ભાવ આપવાનો છે, વિશુદ્ધ ભાવનાથી લચબચ મનનું એમાં પ્રણિધાન અર્થાત મનની એમાં તન્મયતા વધારતા જવાનું છે.
-
અરિસાભવનમાં ભરત ચક્રવર્તીએ સંસારી ઘટમાળની અનિત્યતા ભાવવાં આ પ્રણિધાન જોરદાર વિશુદ્ધભાવના સાથે કરવા માંડેલું તો એ સુકૃતાસેવનનો જોસ વધતો ચાલ્યો તે ઠેઠ એમને એણે વીતરાગ બનાવી દીધા !
- અર્ણિકાપુત્ર આચાર્ય કેવળજ્ઞાની પુષ્પચુલા સાધ્વીજી મહારાજના કહેવાથી ભલે કેવળજ્ઞાન ને મોક્ષ સાધ્ય માટે નાવમાં ગંગા પાર કરી રહ્યા હતા, પરંતુ જ્યાં વૈરી દેવતાએ ગંગા પાર કરતાં ભાલે લટકાવ્યા ત્યારે એ પોતાની દયા-અહિંસાની સાધનામાં જ દત્તચિત બની ગયા
- અરે ! ક્યાં મારો કરુણા-અહિંસાનો ધર્મ ને ક્યાં મારું આ પાપી શરીર કોઈ બિચારા જીવને ભાલો ભોંકવાનું પાપ-ભાવદુ:ખે કરાવી રહ્યું છે?
- અને નીચે પાણીના અસંખ્ય જીવ બિચારાને મોતનું દ્રવ્યદુ:ખ આપી રહ્યું છે?
- મારે અહિંસાધર્મ, ને મારું જ શરીર હિંસામાં નિમિત્ત બને ?
-
એ જોરદાર અહિંસાસુકૃતાસેવનમાં આગળ વધતાં વીતરાગ-સર્વજ્ઞ બની ગયા ને તરત મોક્ષે પધારી ગયા
-
સુકૃતાસેવનમાં પ્રારંભિક દિલ ઓવારી જવારૂપ અનુમોદનાથી માંડી આગળ આગળ પ્રણિધાન વિશુદ્ધ ભાવનાયુક્ત અત્યંત કર્તવ્યબુદ્ધિ , સંજ્ઞાનિરોધ, સાધનામાં તરબોળતા, જવલંત વિષયવૈરાગ્ય, વગેરેથી સુક્તાસેવનની ચડતી કક્ષા ઊભી થાય તેથી તથાભવ્યત્વ અધિકાધિક પાકતું જાય
- પૂર્વની ધર્મસૂગ છે સૂગના સંસ્કાર છે. એટલે આ બીજાનાં દાનસુકૃત સહેજે સહેજે નહિ ગમે, પરંતુ મન મારીને પણ એ સુકૃતો ગમાડવાનાં, મન મારીને આંતરિક આનંદ ઊભો કરવાનો, અને બીજાની આગળ એ સુકૃતની પ્રશંસા કરવાની
- સુકૃત કરનારને ધન્યવાદ આપવાનો કે
વાહ ! કેવી સુંદર ઉદારતા ! કેવું સરસ દાન ! ધન્ય છે એ દાન કરનારને !
- અહીં પ્રશ્ન એ થશે કે,
મન મારીને એ આનંદ-પ્રશંસા કર્યામાં શો લાભ?
- અનાદિકાળથી પાપના આનંદ માણવા ટેવાયેલા જીવને પહેલાં પહેલાં ધર્મનો આનંદ સહેજે નથી થવાનો એ તો મન મારીને જ ઊભો કરવો પડે.
- એમ આનંદ માણતાં માણતાં એમાં પૂર્વના પાપસંસ્કાર-પાપાનુબંધ તૂટીને સહજ ધર્મ-આનંદ ઊભો થાય.
- બાળકને પહેલી વાર સ્કુલમા મુકીએ છીએ તો ક્યાં એને સહેજે સહેજે સ્કુલમા જવું અને ભણવું ગમે છે?
- પરંતુ ભય અને લાલચ સાથે પણ આપણે તેને પરાણે સ્કુલે મોકલીએ જ છીએ ને?
- પરાણે પણ સ્કુલમા જતાં જતાં અને ભણતાં ભણતાં એને સહેજે જવાનું ને ભણવાનું ગમી જાય છે ને…
હવે પછીના ભાગમાં આપણે પુષ્પચુલા સાધ્વીજી વિશેનું દ્રષ્ટાંત વિગતથી જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶