ભાગ ૧૨૦: અહો! આ જગતના જીવો કેટલા બધા કામાંધ છે કે, રાગમાં આસક્ત થઈ કાર્ય-અકાર્યનો પણ કંઈ વિચાર કરતા નથી.
આગળના ભાગમાં આપણે જોયું કે અનાદિકાળથી પાપના આનંદ માણવા ટેવાયેલા જીવને પહેલાં પહેલાં ધર્મનો આનંદ સહેજે નથી થવાનો એ તો મન મારીને જ ઊભો કરવો પડે…
-
આ ભાગમાં આપણે પુષ્પચુલા સાધ્વીજી વિશેનું દ્રષ્ટાંત જોઇએ….
- ગંગા નદીના તટ પર પુષ્પભદ્રા નામે નગર હતું. ત્યાં પુષ્પકેતુ નામે રાજા રાજય કરતો હતો. તેને પુષ્પાવતી નામે રાણી હતી.
- તે રાણીને એકદા એક સાથે બે બાળકો પ્રસવ્યાં. તેમાં એક પુત્ર અને એક પુત્રી હતી. તે બંનેના નામ અનુક્રમે પુષ્પચૂલ અને પુષ્પચૂલા રાખ્યાં.
- સાથે રમતગમત કરતાં કરતાં અને મોટાં થતાં તે બંને બાળકોનેજોઈને રાજાને એક વાર વિચાર થયો કે, જો આ બે બાળકો લગ્નના કારણે જુદાં પડશે તો તેઓનો સ્નેહ ખંડિત થતાં તેઓ મૂંઝાઈને ઝૂરી મરશે.
- વળી હું પણ તેઓનો વિયોગ સહન કરી શકીશ નહીં. એટલે તેઓ બંનેનો પરસ્પર લગ્ન - સંબંધ કર્યો હોય તો ઠીક થાય.
- એવા વિચારે તેણે રાજસભામાં મંત્રીને સર્વ સન્મુખ પ્રકટપણે પૂછ્યું કે,
અંત:પુરમાં જે રત્નો ઉત્પન્ન થાય તેનો સ્વામી કોણ ?
- મંત્રીએ જવાબ દે છે,
આપ જ તેના સ્વામી કહેવાવ.
- આ ઉપરથી તેણે પોતાનાં પુત્ર-પુત્રીનો પરસ્પર વિવાહ કર્યો
- આ દુષ્કૃત્ય રાણી માતાને ન ખમાયું. તે ઘણો જ ખેદ પામી અને વૈરાગ્ય પામીને વ્રત ધારણ કર્યું. તીવ્ર તપશ્ચર્યા કરીને તે રાણી મૃત્યુ પામીને સ્વર્ગમાં દેવતાપણે ઉત્પન્ન થઈ.
- પુષ્પકેતુ રાજા પણ મૃત્યુ પામ્યો, એટલે પુષ્પચૂલે રાજ્ય પદ ધારણ કર્યું અને પોતાની સગી બહેન સાથે સંસાર-વહેવારના ભોગ ભોગવતો રહ્યો.
- પુષ્પાવતી રાણીનો જીવ જે દેવપણે ઉત્પન્ન થયેલ છે, તેણે અવધિજ્ઞાનથી આવું અકૃત્ય થતું દેખી વિચાર્યું કે,
અહો ! આ જગતના જીવો કેટલા બધા કામાંધ છે કે, રાગમાં આસક્ત થઈ કાર્ય-અકાર્યનો પણ કંઈ વિચાર કરતા નથી. આ બંને જણને કંઈક બોધ આપવો જરૂરી છે,
- એમ ધારી પુષ્પચૂલા ઉપર ઘણો પ્રેમ હોવાથી તેણીને નરકનાં દુ:ખો સ્વપ્નમાં દેખાડ્યાં. આવું સ્વપ્ન દેખીને ભયભીત થતાં પુષ્પચૂલા પોતાના પતિને કહેવા લાગી કે, પાપ કરવાથી નરકમાં કેવાં દુઃખ વેઠવાં પડે છે ? મને આજે નરકનાં દુઃખ જોવાથી ઘણો જ ભય ઉત્પન્ન થયો છે.
- પછી રાજાએ બીજે દિવસે જોગીઓ, બાવાઓને રાજસભામાં બોલાવી પૂછ્યું કે,
નરક કેવું હોય ?
- કોઈકે કહ્યું કે,
આ જગતમાં ગર્ભાવાસમાં વસવું એ જ નરક છે.
- બીજા કોકે કહ્યું કે,
બંદીખાનામાં પડવું એ જ નરક છે.
- કોઈએ જણાવ્યું કે,
દરિદ્રીપણે રહેવું એ જ નરક છે,
- ત્યારે કોકે કહ્યું કે,
પારકી તાબેઘરી તે જ નરક છે.
- રાણીને આ સર્વે ઉત્તર બરાબર ન લાગવાથી છેવટે જૈન મુનિ પાસે લઈ જઈ રાજાએ નરકનું સ્વરૂપ પૂછ્યું.
વધુ હવે પછીના ભાગમાં…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶