ભાગ ૧: શું ઇશ્વર જ જગતકર્તા છે?
શું ઇશ્વર જ જગતકર્તા છે?
- આ જગત ક્યારે બન્યું?
- કોણે બનાવ્યું?
- કેમ બનાવ્યું?
- કેવી રીતે બન્યું?
- રચયિતા કોણ?
આસ્તિક હોય કે નાસ્તિક દરેકનાં મનમાં આ પ્રશ્નો થતાં જ હોય છે.
-
ઈંડુ પહેલું થયું કે મરઘી? જો જવાબ ઈંડુ આપશો તો વળી પાછો તરત બીજો પ્રશ્ન થશે. મરઘી વગર ઈંડુ ક્યાંથી આવ્યું? જો મરઘી પહેલાં આવી એમ કહેશો તો ઈંડા વગર મરઘી શક્ય જ નથી એવું તરત બધા કહેશે. આવા પ્રશ્નો તો બધામાં લાગુ પડશે. પહેલાં સ્ત્રીનો જન્મ થયો કે પુરુષનો?
-
તો ચાલો આપણે, અજૈનો અને જૈન ધર્મ આ બાબતે શું કહે છે તે જાણીએ
અજૈનો ના મતે:
- ગ્રહો અને નક્ષત્રોથી ભરપૂર એવા આ અનંત વિશ્વનો કોઈ એક સર્જનહાર તો હોવો જ જોઈએ. એ સર્જનહારની જ આજ્ઞાથી નિયમિત રીતે સૂર્ય ચંદ્ર ઉગે છે, પવન વહે છે, વરસાદ પડે છે… સર્જનહાર ન હોય તો આ બધું નિયમબદ્ધ રહી જ ન શકે. સર્જનહાર જ ઈશ્વર છે.
- ઇશ્વરને સૃષ્ટિના સર્જક, સંચાલક અને સંહારક માને છે.
- તેમના મત મુજબ જગતમાં જે કાંઈ બની રહ્યું છે તેની પાછળ ઈશ્વરનું જ મુખ્ય કર્તુત્વ હોય છે. જેમ કે, બાળક માતાના ગર્ભમાં જન્મ પામે અને ત્યાં જ મૃત્યુ પામે છે તો તે બેયમાં ઈશ્વરનું જ કર્તુત્વ કામ કરે છે. ઈશ્વર જ બાળકને જન્મ આપે છે, અને ઈશ્વર જ એ બાળકને મૃત્યુ બક્ષે છે.
જૈનોના મતે:
- જૈન દર્શનમાં મુળભુત સિદ્ધાંત મુજબ જીવ અનાદિ, કર્મસંયોગ અનાદિ અને જગત અનાદિ. એમાં જીવ પહેલો અને કર્મ પછી એમ પણ નહીં, કર્મ પહેલો અને જીવ પછી એમ પણ નહીં, તથા જગત પહેલું અને જીવ પછી એમ પણ નહીં. ત્રણેય અનાદિ કાળથી છે… છે… ને છે જ.
- એટલે કે ઇશ્વર જગત્કર્તા નથી પરંતુ જગતનું વિનાશી સ્વરૂપ બતાવે છે અને જીવોને વિરક્ત બનાવે છે.
- પરમાત્માને કેવળજ્ઞાન થયું હોવાના કારણે પોતાના જ્ઞાનમાં જેવું જગત જુવે છે તેવું જગતને જણાવે છે એટલે કે કર્મોને જ કર્તૃત્વ ગણાવે છે.
તો શું જૈનો ઇશ્વરને નથી માનતાં?
- જૈનો ઇશ્વરને માને છે એટલા માટે જ તેઓ લાખો દેરાસરો પણ બનાવે છે. ૨૪ તીર્થંકરો એ ઇશ્વર જ છે. જૈન મતે કોઇ પણ આત્મા સાધના દ્રારા સર્વકર્મક્ષય કરી પરમાત્મા બની શકે છે.
હવે પછીનાં ભાગમાં આપણે જોઇશું કે શું ધર્મની રક્ષા કરવા માટે ઇશ્વર વખતો વખત ધરતી ઉપર આવીને જન્મ લે છે?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶