દ્વિદળ અને ગોરસના મિશ્રણથી થતા દોષથી બચવા માટે
દ્વિદળ - ૨
આગળનાં ભાગમાં આપણે દ્વિદળ એટલે શું? અને દ્વિદળ સાથે ગોરસ કેમ ન ભેળવવું? એ વિશે જોયું
દ્વિદળ અને ગોરસના મિશ્રણથી થતા દોષથી બચવા માટે:
-
જમવામાં દાળ-શાક વગેરે માં કઠોળનો વપરાશ હોય તો તેની સાથે કાચા દૂધ-દહીં-છાસ વાપરવા નહીં.
-
જમ્યા પછી જો છાસ વાપરવી હોય તો પેલા હાથ, મુખ બરાબર સાફ કરવા, દાંતમાં કઠોળનો અંશ ન રહી જાય તે રીતે દાંત સાફ કરવા, તેમજ ભોજન વખતે જે પાણી વાપર્યુ હોય તે પાણી છાસ સાથે મિક્ષ ન થવું જોઇએ તેથી પાણી પી ને ગ્લાસ બરાબર સાફ કરી લેવો અથવા તો બીજો ગ્લાસ લેવો.
-
થાળી-વાટકા જે રૂમાલથી સાફ કર્યા હોય તે રૂમાલથી છાસ વાળા ગ્લાસને સાફ કરાય નહીં.
-
ટૂંકમાં કઠોળ અને તેની બનાવટના વાસણો તે વખતે વપરાયેલ પાણી, રૂમાલ વગેરે તમામ સાથે કાચા દૂધ-દહીં-છાસનો આભળછેટ રાખવો પડે.
-
કઠોળ વાળા ભોજનના વાસણ અને છાસ વાપરેલ વાસણ ભેગા ન ધોવા. તે બંન્નેનું ધોયેલ પાણી પણ ભેગું થવા ન દેવું.
-
જો કોઇ પણ શાકની બનાવટમાં ઘાણાજીરૂ નાખ્યું હોય અને તે શાકભાજી સાથે ગોરસ વાપરવામાં આવે તો તે દ્વિદળ થાય.
-
કાચા દહીં-છાસમાં ઘાણાજીરૂ નાંખવું નહીં.
-
ગોરસની સાથે પાપડ ન વપરાય.
-
વઘારેલા કાચા દહીં છાસમાં મેથી-કોથમીર નાખવી નહીં.
-
ખીચડીની સાથે ગરમ કર્યા વગરનું દૂધ વાપરવું નહીં.
-
ઇડલી, ઢોંસા, ઢોકળા, ખમણ વગેરેના ખીરામાં કાચા દહીં છાસ નાંખવા નહીં. અહીં છાસને બરાબર ગરમ કરીને જ વપરાય.
-
લીલા વટાણા, ગવારફળી, ચોળા ના બી, વાલોર, પાપડી વગેરે કઠોળરૂપે ગણાતા શાકભાજીની સાથે કાચા દહીં-છાસ વાપરવા નહીં.
-
શ્રીખંડના ભોજનની સાથે પાત્રા, મોગરદાળ, મગ, અડદ કે ચણાના ઢોકળા, ભજીયા, ચણાના લોટ વાળી કઢી વાપરવી નહીં.
-
કઢી બનાવતી વખતે પહેલેથી જ કાચા છાસ-દહીંમાં ચણાનો લોટ નાંખવો નહીં. છાસ-દહીં ને એકદમ ગરમ કર્યા પછી જ ચણા નો લોટ ભેળવાય.
-
કઢી સાથે જો શ્રીખંડ વાપરવાનો હોય તો કઢીમાં ચણા ના લોટને બદલે ચોખાનો લોટ નાખવો.
-
મેથીના થેપલા કે ભજીયા સાથે કાચા દહીં-છાસ અથવા તેમાંથી બનેલી ચટણી વાપરવી નહીં.
-
મેથીના થેપલા, સેવ-ભજીયા કે મગ-મોગર-વટાણા વગેરે જે તેલમાં તળ્યા હોય તે તળેલા તેલથી કાચા દહીં-છાસનો વઘાર કરવો નહીં તેમજ તે તેલથી શાક વઘારાય અથવા કે ખાખરા - રોટલીમાં મોણ નખાય તો તે શાક, ખાખરા રોટલી સાથે દૂધ અને દહીં ની વાનગીઓ ન વપરાય.
-
મેથી નાખેલ અથાણા સાથે કાચા દૂધ-દહીં-છાસ-શ્રીખંડ વગેરે ન વપરાય. જો મેથીના વઘાર વાળી કઢી હોય તો તેની સાથે પણ કાચા દૂધ-દહીં-છાસ-શ્રીખંડ ન વપરાય.
-
દાળ વાળી કટોરીમાં કાચા દહીં-છાસ કે કાચા દહીં-છાસ વાળી કટોરીમાં દાળ લેવી નહીં.
-
પહેલા કઠોળ વાપર્યું હોય અને પછી કાચા દહીં-છાસ કે પહેલા દહીં-છાસ વાપર્યું હોય અને પછી કઠોળ વાપરવું હોય તો પાણીથી બરાબર મુખશુદ્ધિ કર્યા પછી જ વાપરવું.
-
કાચા દહીં-છાસની બનેલ ટોપરા વગેરેની ચટણીમાં અડદની દાળ કે દાળીયા નાંખવા નહીં અને આ ચટણીની સાથે ઇડલી-ઢોસા વગેરે વાપરવા નહીં.
-
દહીંવડા માં દહીં એકદમ ગરમ કરેલું હોવુ જોઇએ. જો દહીં ગરમ કરીને ઠારવા માટે ફ્રીઝમાં રાખવામાં આવે તો તે પાછુ સચિત્ત થઇ જાય છે, તેથી ફ્રીઝમાં ના મૂકાય.
-
ચણા વગેરેનો લોટ ચાળવાની ચારણી જુદી રાખવી, જો તે જ ચારણીથી ઘઉં વગેરેનો લોટ ચાળવામાં આવે તો તેની બનાવટ દહીં વગેરે સાથે ન વપરાય.
આપણે રોજીંદા જીવનમાં જાણતા કે અજાણતા દ્વિદળનું પાપ કરતા હોઇએ છીએ, જો ઉપરોક્ત સાવચેતી રાખીએ તો આપણે દ્વિદળના પાપથી બચી શકીશું.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶