ભાગ ૪: ધર્મ જાગરિકા ભાગ(૧/૨)
આગળનાં ભાગમાં આપણે જોયું - દેવદર્શન એટલે શું? આ ભાગમાં આપણે આપણે ધર્મ જાગરિકાનું ચિંતન વિશે જોઇશું
ધર્મ જાગરિકામાં પંચસૂત્રકાર ૩ ચિંતન કર્તવ્ય બતાવે છે:
- ૧. હું કોણ
- ૨. મને આ ક્યો અવસર મળ્યો છે?
- ૩. આ અવસરને યોગ્ય મારે કર્તવ્ય શું?
૧. હું કોણ?
હું એટલે
- કાયાની કોટડીમાં પૂરાયેલ સચેતન આત્મા
- જન્મીને મરું ત્યાં સુધી આ કાયાની વેઠ કરનાર વેઠિયો.
- કાયા મેલી થાય તો એને આપણે નવરાવીએ,
- કાયા ભુખી થાય તો એને આપણે ખવરાવીએ,
- કાયા થાકી જાય તો એને આપણે સુવરાવીએ,
- એની ઇન્દ્રિયોની ખણજ ઉઠે તો ઇષ્ટ વિષયોમાં લઇ જઇ તેનું તર્પણ કરીએ,
- પૈસા જોઇએ તો કમાવવાની વેઠ કરીએ,
- ક્યાંય જાતને (આત્માને) યાદ નહીં કરનારા આપણે અજ્ઞાની. અનંતકાળ આ જ કરેલ છે અને હજી કરી રહ્યા છીએ. તે આપણી કેવી દુર્દશા!
શું આ મારો સ્વભાવ છે?
નહીં, તો હું કોણ?
- હું અરૂપી આત્મા, અનંત જ્ઞાનદર્શન અને અનંત સુખના સ્વભાવ વાળો. પરંતુ મોહના વાંકે કર્મના આવરણથી ઢંકાયેલો. હું અજ્ઞાન - દુ:ખ - રાગદ્રેષાદિથી ભરેલો, કર્મની ગુલામી ભોગવતો અને અપરંપાર અનિષ્ટોથી વિડંબાતો!
- આમ તો, ઇન્દ્રિયોને ધાર્યા પ્રમાણે પ્રવર્તાવી શકું,
- વાણીને ધાર્યા પ્રમાણે બોલી શકું,
- મનથી ધાર્યા પ્રમાણે વિચાર ચલાવી શકું, બદલી શકું અને પડતા પણ મૂકી શકું.
આમ, હું રાજા!
- બધા અશુભોને રોકી શુભ વિષયમાં પ્રવર્તાવી પૂણ્યના ગંજ ઊભા કરી શકનારો.
- હું અનંતાકાળથી આહારસંજ્ઞા, ક્રોધાદિ કષાયો તથા હિંસાદી પાપોજ સેવતો આવેલો… છતા,
મન, વચન, કાયા અને ઇન્દ્રિયો ઉપરના વર્ચસ્વને લીધે પાપસંજ્ઞામાં ન જવા દેતા:
- દાન-શીલ-તપ-ભાવ માં પ્રવર્તાવી શકનારો.
- અહિંસા, સત્યા, ક્ષમા વગેરે ગુણોમાં લગાવી શકનાર.
- અને એના માટે જ આ ઉત્તમ ભવ અને જિનશાસન મળેલ છે તો તેને સફળ કેમ ન કરું?
૨. મને આ ક્યો અવસર મળ્યો છે?
- જો હું તિર્યંચગતિમાં હોઉં તો કશો બોધ હોય નહીં એટલે કે અંધારી રાત્રિ જેવું.
- જ્યારે આ મનુષ્ય અવતારમાં તો મને બધો જ બોધ થાય, અજવાસમય દિવસ જેવું અહીં તત્વનો પ્રકાશ મળે છે. જો અહીં ભૂલું તો કેવી દુર્દશા થાય?
- રાત્રિનો ભૂલેલો દિવસે ઠેકાણે આવે પણ દિવસનો ભૂલેલો રાત્રિના અંધકારમાં અથડાય જ ને!
- પૂર્વે મને વીતરાગ પરમાત્માનું શાસન નહીં મળ્યું હોય અને અનેક ખરાબીઓથી ભરેલું જીવન જીવ્યો હોઇશ, પરંતુ આ ભવમાં તો જિનશાસન મળ્યું છે તો આરાધનાનો કેવો સરસ અવસર મળ્યો છે!
પહેલા આહારસંજ્ઞામાં જ રચ્યોપચ્યો રહ્યો હોઇશ, ખાવું-પીવું-ભોગવવું વગેરેમાં જ રચ્યોપચ્યો હોઇશ પરંતુ જિનશાસન પામવાથી:
- મારો સ્વભાવ અણહારી છે, કર્મયોગે ખાવું પડે છે, દેહને ભાડું આપવા માટે ખાઉં છું, આ ભાવનાથી ખવાય અને યથાશક્તિ તપસ્યા કરીશ,
- પરિગ્રહને બદલે દાન દેવાની,
- ભોગવવાને બદલે ત્યાગ, વ્રત, નિયમ કરવાની,
- મોહ નિંદ્રામાં ઘોરવાને બદલે અનિત્યતા-અશરણતા વગેરે ૧૨ ભાવના તેમજ મૈત્રી વગેરે ૪ ભાવનામાં રમું,
પૂર્વે હિંસાદિ પાપકર્મ આચરી અને પાછા તેનું અનુમોદન કરી કરી દુષ્કૃત્યોના સંસ્કાર દ્રઢ દ્રઢતર કરતા ગયા જ્યારે અહીં જિનશાસન મળવાથી દેવદર્શન - પૂજા - દયા - અહિંસા - દાન - શીલ - તપ વગેરે સુકૃતો આદરવાનો અને તેની અનુમોદના કરવાનો સુવર્ણ અવસર મળેલ છે.
હવે પછીના ભાગમાં જોઇશું ત્રીજા ચિંતન કર્તવ્ય વિશે…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶