🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૫: શું આપણને ધર્મ​-મોક્ષ પ્રત્યે રૂચિ છે?

આગળનાં ભાગમાં આપણે જૈનદર્શન પ્રમાણે આત્માનું સ્વરૂપ વિશે જોયું, આ ભાગમાં આપણે આત્માઓના સ્વભાવ વિશે જાણીશું

  • આત્માઓના સ્વભાવો જુદા જુદા હોય છે ને તેને આધારે તેની જુદી જુદી જાતિઓ ૫ણ સ્વયં સિદ્ધ છે. કેટલાક આત્માઓને ધર્મ-મોક્ષ વગેરે પદાર્થો પ્રત્યે રુચિ થાય છે, તો કેટલાકને રુચિ થતી જ નથી. જ્યારે કેટલાક આત્માઓ એવી સ્થિતિમાં જ મુકાયા હોય છે કે જેઓને રુચિ થવાનો યોગ પણ પ્રાપ્ત થતો નથી. સ્વભાવને કારણે તેઓ ભવ્ય, અભવ્ય, જાતિભવ્ય ને નામે વ્યવહારાય છે.
    • ભવ્ય આત્મા સામગ્રી પામીને ક્રમે ક્રમે વિકાસ સાધતો આખરે પરમાત્મા બને છે.
    • અભવ્ય આત્માઓ ને ધર્મની સામગ્રી પણ મળી જાય, સાધુપદ કે આચાર્ય પદ પણ મળી જાય, ઘોર તપ પણ તપે, શીલ પણ પાળે આવું તો બધું ખુબ ખુબ કરે પરંતુ કદી મોક્ષ મળતો નથી. બિચારા પૂરા કોરડુ મગ જ જોઇલ્યો. ગમે તેટલી મહેનત કરો, પાણીએ ચડાવો, અગ્નિએ બાળો પણ તો ય કદી સીઝે જ નહી. મોક્ષની વાતો તો એવી કરે કે અનેક આત્માઓ ને સંસાર છોડાવી દે અને એમના ગુરૂપદ નીચે અનેક આત્માઓ મોક્ષ પણ પામી જાય પણ આ અભવ્ય આત્માઓનો મોક્ષ કદાપિ ન થાય, તેનુ કારણ એ છે કે તેને મોક્ષમાં જવાની ઇચ્છા જ થતી નથી મોક્ષ જેવા ભાવનું અને સ્થાનનું અસ્તિત્વ જ માનતો નથી. અને ભોગ-સામગ્રી વિના સુખ હોય જ નહિ એમ માને છે.
    • જાતિભવ્ય આત્માઓ એવા છે કે જેમને પંચેન્દ્રિયપૂર્ણ માનવજીવન સુધી પહોચવાની તક કયારેય મળતી નથી.

તો હવે પ્રશ્ન એ છે કે આપણો આત્મા કયો?

  • જાતિભવ્ય તો નથી જ કારણ કે આપણને પંચેન્દ્રિયપણું મળ્યું છે.

તો આપણો આત્મા ભવ્ય કે અભવ્ય?

  • એનું સમાધાન એ છે કે જેના હૈયે આવી શંકા પડી કે હું ભવ્ય હોઇશ કે અભવ્ય? અર્થાત મારો મોક્ષ કયારેક પણ થશે ખરો કે નહી જ થાય? એ આત્મા નિઃશંક રીતે ભવ્ય જ હોય. હું મોક્ષમાં જઇશ કે નહિ જાઉં એવી શંકા જે આત્મા ને જાગે તે આત્મા મોક્ષ જેવી શાસ્ત્રોક્ત વસ્તુસ્થિતીને સ્વીકારતો હોય, જેનો મોક્ષનો સદભાવ સ્વીકારી લીધો હોય તે અવશ્ય ભવ્ય જ હોય.

એક ગણધરને આત્મા વિશે પ્રશ્ન થયો:

ગણધર​: આત્મા જો વિભુ-(વ્યાપક) હોય તો કર્મબંધ શાનો? કર્મબંધ ન હોય તો મોક્ષ કોનો? મોક્ષ ન હોય તો આ કડાકૂટ શાની?

પ્રભુ: આત્મા વિભુ જરૂર છે, પણ કેવળજ્ઞાન રૂપે. કેવળજ્ઞાનથી સંપૂર્ણ લોક-અલોકને જાણે છે. જ્ઞાનથી તેઓ સર્વત્ર વ્યાપક છે. આ દૃષ્ટિ નજરસમક્ષ રાખીશું તો સર્વત્રવ્યાપીને રહેલા પરમાત્મા સદાકાળ દેખાશે.

જેને મોક્ષ જવાની ઇચ્છા નથી તેણે નિગોદમાં જવાની તૈયારી રાખવી પડે.

  • બીજે ક્યાંય અનંતકાળ સુધી રહેવાની વ્યવસ્થા જ નથી. ત્રસકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર જ સાગરોપમ છે. એટલા સમયમાં સ્વસાધ્ય (મોક્ષ) સિદ્ધ ન થાય તો નિગોદ તૈયાર જ છે.

આપણે નિગોદ અને આત્મા બંને વિષે વિગત​વાર જોયું, હ​વે આપણે જ નક્કી કર​વાનું છે કે આપણે ક્યાં જ​વું છે?




શેર કર​વા નીચે ક્લિક કરો