ભાગ ૩: દેવદર્શન એટલે શું?
આગળનાં ભાગમાં આપણે જોયું વીતરાગ કોને કહેવાય? આ ભાગમાં આપણે દેવદર્શન એટલે શું? એ વિશે જાણીએ
દેવદર્શન એટલે શું?
- દેવ એટલે અષ્ટ મહાપ્રાતિહાર્યયુક્ત, અઢાર દોષ રહીત, ૩૪ અતિશયવંત, મહામહિમાશાળી પરમ વીતરાગ એવા શ્રી જિનેશ્વરદેવ તેઓ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ૪ નિક્ષેપે જગતમાં જયવંતા વર્તે છે એટલે તેમની સ્થાપનારૂપે દેરાસરમાં જે મૂર્તિ પ્રતિષ્ઠિત થયેલી હોય તેને જ સાક્ષાત શ્રી જિનેશ્વર દેવ સમજવાના છે.
- તેમની સમીપે જઇ તેમનું મુખ નિહાળવું, તેમના અંગોનું ભાવપૂર્વક નિરીક્ષણ કરવું તથા અંતરંગ આનંદ પ્રગટ થાય તે પ્રમાણે, “મારૂં આજે અહોભાગ્ય, મારી આજે ધન્ય ઘડી કે જેથી મારા તારક પરમાત્માના મને સાક્ષાત દર્શન થયા.”
- આવા પવિત્ર ભાવ સાથે તેમની સ્તુતિ-સ્તવના કરવી એ દેવદર્શન શબ્દનો અર્થ છે.
દેવદર્શન ન કરે તો શું કરે?
- દેવદર્શનનું આલંબન ન હોય તો જીવ બાહ્ય જડ પદાર્થોના દર્શનાદિમાં રચ્યોપચ્યો રહેવાનો.
- દેવદર્શન ન હોય તો પાપકથા, જડના ગુણગાન અને અભિમાનમાં ડુબ્યા રહીએ.
- દેવદર્શન ન હોય તો ધનમૂર્છા અને દુન્યવી પાપક્રિયાઓ અને વિષયવિલાસમાં રચ્યાપચ્યા રહીએ.
- દેવદર્શન ન હોય તો અશુભ ભાવોથી પાપ થોકબંધ ઉભું કરીએ.
ધર્મ જાગરિકા:
- ધર્મ જાગરિકા એટલે ધર્મના વિચારપૂર્વક જાગવું.
- ધર્મ પ્રવૃતિ પૂર્વક જાગવું.
- ધર્મ જાગરિકા એટલે મોહની નિંદ્રાનો ત્યાગ.
- અનાદિકાળથી જીવ મોહની નિંદ્રામાં ઉંઘતો જ રહ્યો છે અને ચારે ગતિમાં રખડતો રહી અનંત-અનંત જન્મ મરણ કરતો આવ્યો છે. તો આ મનુષ્ય અવતાર પામી મોહની નિંદ્રાનો ત્યાગ કરી, આત્મજાગૃતિ રાખીને આરાધના કરવી જોઇએ.
જૈન ક્યારે જાગે?
- બ્રહ્મમુહર્તમાં જાગી જવું જોઇએ એટલે કે સૂર્યોદય પહેલા ૪ ઘડી (૧ કલાક ૩૬ મિનિટ) બ્રહ્મમુહર્તમાં જાગીને સર્વપ્રથમ જાગતા જ “નમો અરિહંતાણં” યાદ કરવું.
- પછી જે નસકોરામાંથી શ્વાસોશ્વાસ ચાલતો હોય તે બાજુનો પગ જમીન ઉપર મૂકી, પથારીમાંથી ઉતરી મનમાં શ્રી નવકારમંત્રનું ૮ વાર સ્મરણ કરવું, પછી શરીરશુદ્ધિ કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, પૂર્વ કે ઉતર દિશા સામે બેસી ૧૦૮ શ્રી નવકાર મંત્રનો જાપ કરવો.
૧૦૮ શ્રી નવકાર નો જાપ શા માટે?
શ્રી અરિહંત દેવના | ૧૨ |
સિદ્ધ પરમાત્માના | ૮ |
આચાર્ય મહારાજના | ૩૬ |
ઉપાધ્યાય મહારાજના | ૨૫ |
સાધુ મહારાજના | ૨૭ |
આમ, કુલ: ૧૦૮
- આપણા જીવનમાં ૧૦૮ પ્રકારે આપણે પાપ કરીએ છીએ:
૧. સંરભ(પાપનો વિચાર કરવો) | ૧. મનથી | ૧. કરવું | ૧. ક્રોધથી |
૨. સમારંભ(પાપની તૈયારી કરવી) | ૨. વચનથી | ૨. કરાવવું | ૨. માનથી |
૩. આરંભ(પાપની પ્રવૃતિ કરવી) | ૩. કાયાથી | ૩. અનુમોદવું | ૩. માયાથી |
૪. લોભથી |
એમ, ૩ x ૩ x ૩ x ૪ = ૧૦૮ પ્રકાર.
હવે પછીનાં ભાગમાં આપણે ધર્મ જાગરિકાનું ચિંતન વિશે જોઇશું
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶