ભાગ ૮: ઉત્તરાસણ
આગળના ભાગ ૭ માં આપણે ૫ માંથી ૨ અભિગમ જોયા. હવે આ ભાગમાં ઉત્તરાસણ વિશે જોઇએ…
૩. ઉત્તરાસણ
- ઉત્તરાસણ એટલે ખેસ.
-
પહેલાના કાળમાં શ્રાવકો દેરાસરે જતા તો ખભે ખેસ નાખતા હતા. લગ્ન કરવા જતા વરરાજાના ખભે પણ ખેસ હોય છે. ૩૨ લાખ વિમાનોના માલિક - ઇન્દ્ર મહારાજા પણ પરમાત્માની ભક્તિ કરે ત્યારે ખેસ ધારણ કરે છે. પહેલાના રાજા-મહારાજા પણ રાજ દરબારમાં પધારતા ત્યારે ખેસને - ધારણ કરી સિંહાસને આરૂઢ થતા. તેમ છતા દેરાસરે ખેસ નાખીને જવાની બાબતમાં ઘણો પ્રમાદ પેસી ગયો છે તો ફરીથી આ વિધિ શરુ કરવી જરૂરી છે નહીં તો પરમાત્માના વિનયમાં ખામી રહે છે.
- ખેસથી વિનય સચવાય છે. માટે જ્યાં જ્યાં વિનયમુદ્રાનું વિધાન આવે ત્યારે ડાબો ઘુંટણ ઊંચાની સાથે ખેસ નાખવાનું પણ વિધાન બતાવ્યું છે.
- આમ, વિનય અને ખેસ વચ્ચે ખાસ્સો સબંધ છે.
- આજે પણ ઘણા દેરાસરોમાં આરતિ ઉતારવાના સમયે આરતિ ઉતારનારે ખેસ અને પાઘડી લગાડવા માટે સંઘ તરફથી વ્યવસ્થા રાખવામાં આવી હોય છે.
ખેસ કેવો હોવો જોઇએ?
- રેશમ જેવા ઉત્તમ પદાર્થનો હોવો જોઇએ.
- સાફ, સ્વચ્છ અને નિર્મળ હોવો જોઇએ.
- એના છેડા ઓટેલા કે સીવેલા નહીં પરંતુ ખુલ્લા અને છુંછા વાળા હોવા જોઇએ. ચરવલા જેવી દશીઓ દેખાઇ તે રીતે તેના દોરા છુટા હોવા જોઇએ જેથી દેરાસરમાં બેસતા ઉઠતા તે છેડાઓ વડે જીવની જયણા કરી શકાય અને શરીરના અવયવો અને જમીન પૂંજી શકાય.
ખેસ ઓઢવાની મર્યાદા:
- ખેસની લંબાઈ ને જાળવી રાખી જે રીતે સાફો બાંધતી વખતે ભેગો કરાય છે. તે રીતે છુંછાવાળા ભાગથી ભેગા કરી પછી એક તરફના છુંછાવાળા ભાગ પેટ નીચે લટકતો રાખી ખેસને ડાબા ખભા ઉપર નાંખી પાછળ પીઠ ઉપર લટકતા ભાગને લઈ જમણી બગલમાંથી પસાર કરી છાતી ઉપર લઈ વધેલો ભાગ ડાબા ખભા ઉપર થી પીઠ ઉપર નાખવાથી એક છેડો આગળ પેટ ઉપર અને એક છેડો પાછળ પીઠ ઉપર લટકતા રહેશે તે રીતે ખેસ ઓઢવો.
- ખેસ આખા શરીરને ઢાંકવા માટે નથી. ખેસને ખુલ્લો કરીને ઓઢાય નહીં. આ બાબતે આજનો પૂજક વર્ગ અનભિજ્ઞ હોય તેમ લાગે છે.
ખેસના ઉપયોગ:
- ખમાસમણું દેતી વખતે ભૂમિ પ્રમાર્જન માટે.
- ચૈત્યવંદન આદિ બોલતી વખતે ખેસ હાથમાં લઇ મૂખ આગળ રાખવા માટે.
- ચંદન ઘસતા, પૂજા કરતા મૂખકોષ બાંધવા માટે.
ખેસના ઉપયોગમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
- ક્યારે પણ પરસેવો લુછવો નહીં,
- નાક સાફ કરવામાં ઉપયોગમાં લેવો નહીં.
બહેનો આ અભિગમને શી રીતે સાચવે?
- બહેનોએ આ અભિગમનું પાલન કરવાનું હોતુ નથી કેમ કે બહેનોએ ખેસ રાખવાનો હોતો જ નથી એમને સાડીનો જ ઉપયોગ કરવાનો છે અને તે એ રીતે કે જેથી પોતાના અંગોપાંગ બરાબર ઢંકાયેલા રહે.
- બહેનોએ જેમ ખેસ રાખવાનો નથી તેમ ઉદભટ વસ્ત્રો પણ પહેરવાના નથી. તેમજ શરીરના અંગેઅંગ ઉઘાડા દેખાતા હોય તેવા ચુસ્ત, તંગ અને પારદર્શક વસ્ત્રોનું પરિધાન તદન અયોગ્ય છે.
હવે પછીનાં ભાગમાં આપણે બાકીના અભિગમો વિશે જોઇશું
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶