ભાગ ૧૦: ધજા
આગળના ભાગ માં જોયું કે પરમાત્મા દર્શન કરવા જતી વખતે ક્યા અભિગમોનું પાલન કરવું જોઇએ. તો ચાલો હવે આ અભિગમોનું વિનયપૂર્વક પાલન કરી દેરાસરે જઇએ.
દેરાસરે જવાની ઇચ્છા માત્રથી જ ઉપવાસનું પુણ્ય મળે છે તે વિશે પણ આપણે ભાગ ૬ માં જોયું. હવે આગળ…
દેરાસરે જતી વખતે કોઇ પણ પ્રકારના વાહન નો ઉપયોગ ટાળવો જોઇએ અને ખરેખર તો ઉઘાડે પગે જ જવું જોઇએ જેથી ઓછામાં ઓછી જીવહિંસા થાય.
દેરાસર જતી વખતે રસ્તામાં મળતા ભિખારી-ગરીબ વગેરેને કંઇક આપતા રહેવું જેથી આપણા તરફ લંબાયેલા હાથને નિરાશ ન કરવા પડે. એમના હાથમાં આપણા તરફથી કંઇકને કંઇક મળતુ જાય તેથી પૂજા કરવાના આપણા ઉત્સાહ સાથે એમનો પણ શુભ ઉત્સાહ મળ્યો રહે! એમની શુભકામના આપણી પવિત્ર પ્રવૃતિમાં વેગ અને વૃદ્ધિ પેદા કરનારી ફળદાયી બની શકે છે.
✡ ધજા:
દૂરથી જિનાલયની ધજા જોતાની સાથે જ બન્ને હાથ જોડી મસ્તક નમાવી નમો જિણાણં બોલવું.
દેરાસરની ધજા લાલ અને સફેદ રંગની હોય છે તો પ્રશ્ન એ થશે કે આ લાલ અને સફેદ રંગ શા માટે હોય છે?
- દેરાસરમાં અરિહંતો અને સિદ્ધોની મૂર્તિ હોય છે અને નવપદમાં અરિહંતોનો શ્વેતવર્ણ અને સિદ્ધોનો લાલ વર્ણ છે. તેના પ્રતીકરૂપે ધજામાં લાલ અને સફેદ રંગ ગોઠવવામાં આવે છે.
- અરિહંત અને સિદ્ધની સાધના કરવા માટેનું આ સ્થાન છે તેમ સૂચવવા માટે લાલ અને સફેદ રંગની ધજા હોય છે.
✡ નિસીહી
નિસીહી એટલે શું?
- નિસીહી નો અર્થ છે નિષેધ
- નિસીહી માત્ર ત્રણ જ અક્ષરનો નાનો શબ્દ છે પણ આપણી માનસિક, વાચિક અને કાયિક સ્થિતિની મર્યાદા શી? એનો સૂચક આ શબ્દ છે.
- આત્મકેન્દ્રિત કરવાનો સંકેત આ શબ્દ દ્રારા મળે છે.
નિસીહી શા માટે?
- પ્રથમ નિસીહી બોલવા દ્રારા વ્યક્તિ પ્રતિજ્ઞા કરે છે કે દેરાસરના આ કંપાઉન્ડમાં પ્રવેશ કર્યા પછી દેરાસર સિવાય હવે કોઇપણ વાતમાં માથું મારીશ નહીં.
- ઘર સંબંધી, પરિવાર સંબંધી, વેપાર સંબંધી કે બીજા કોઇપણ સંબંધી વિચારમાં, વર્તનમાં કે વાણીમાં હું પ્રવૃત નહીં બનું.
- આ પહેલી નિસીહીમાં દેરાસર સંબંધી કામકાજ છૂટ હોય છે, તે સિવાય કંઇપણ કરવાની છૂટ હોતી નથી.
આ કર્તવ્યને અનુસરવા કેટલાક પરિવારને સૂચના આપી દેતા હોય છે કે, “હું દેરાસર જાઉં એટલે મને કોઇ જ સમાચાર દેવા નહીં, જે કંઇ કામ હોય તે તમારે જ પતાવી દેવું.”
આ અંગે આવતા ભાગમાં દ્રષ્ટાંત સાથે જોઇએ.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶