ભાગ ૧૦૫: સુખનું ફળ મેળવવાની ઝંખના રાખવી, એ તો મોટામાં મોટી અજ્ઞાનતા છે
ચાર ગતિના આ સંસારને પ્રભુએ ભયાનક જણાવ્યો છે.
- નરક અને તિર્યંચની બે ગતિઓનો સંસાર તો ભયાનક જ છે.
- પણ દેવગતિનો સંસાર, પામવા જેવો છે તેવું તો કદી નથી કહ્યું કારણ કે પુણ્યાઇના પ્રચંડ ઝાકઝમાળ નીચે ઘણા બધા દેવ-દેવીઓના અંતર અતૃપ્ત વાસનાઓ, ઇર્ષા અને વિયોગના કાળઝાળ રૂદનોથી સળગતા હોય છે.
- હવે માનવગતિ… એ પણ કાંઇ સારી નથી. કોઇપણ ગતિમાં અજન્મા - આત્માને જન્મ લેવો એ જ ખરાબ.
- માનવજાતિમાં પણ જન્મ હોય તો પણ… દુ:ખ, રોગ, ઘડપણ, મૃત્યુ, પાપ બધુ ખરાબ હોય તો “જન્મ” ખરાબ જ ગણાયને?
-
પણ તે જ આત્મા… માનવગતિમાં જન્મ લઇને એવી આરાધના કરે કે તમામ જન્મોનો અભાવ થઇ જાય અથવા તો થોડા જન્મો લેવા પડે તો તે જન્મ વખોડવાને બદલે વખાણાય તે જ કારણોસર માનવગતિને સારી કહેવાય છે.
- દેવનો જન્મ દુ:ખ વિનાનો…
- દેવનું શરીર રોગ વિનાનું…
- દેવનું મોત રીબામણ વિનાનું
જ્યારે…
- માનવનો જન્મ પ્રસુતિની કારમી વેદના વાળો…
- માનવનું શરીર લગભગ સાત કરોડ રોગોની સતા ધરાવતું…
- માનવનું મોત રીબાઇને પણ થઇ શકે…
છતાં દેવો ઇચ્છે છે… માનવનો જન્મ…
- કારણ કે… તમામ જન્મો નો નાશ કરવાની સાધના પામવાનું સામર્થ્ય ધરાવે છે, સિદ્ધિગતિ પ્રાપ્ત કરવાની શક્યતા છે.
- અકામનિર્જરા આદિથી માનવભવ તો અનંતીવાર મળી જાય પરંતુ સકામનિર્જરાથી મળી શક્તતો માનવભવ અત્યંત દુર્લભ છે. - પ્રભુએ વિશિષ્ટ કોટીના માનવભવની પ્રાપ્તિને ખુબ જ દુર્લભ જણાવી છે.
- ચિંતામણી રત્નથી પણ વધુ મુલ્યવાન માનવજીવન મેળવીને જન્મ, શરીર અને મરણનો અભાવ કરી દેવાની આરાધના કરવી જોઇએ.
હવે પ્રશ્ન એ થશે કે આ સંસાર ભયંકર કેમ?
- દુ:ખમય છે તેથી કે પાપમય છે તેથી?
- દુ:ખોનું મૂળ તો પાપો જ છે. જો સંસાર દુ:ખમય છે તો પાપમય તો છે જ.
- દુ:ખો કરતા પાપો વધુ ખરાબ છે.
- આંખમાં મરચા નો કણ પડવાથી જે દુ:ખ થાય તેના કરતાં વિજાતીય દર્શનમાંથી પેદા થયેલા વિકારનો કણ આંખમાં પડે તે પાપ અતિ ખરાબ છે.
- દાઢમાં દુખાવા કરતા સારી - નરસી દાઢની મદદ લઇને ખવાતી મીઠાઇની આસક્તિ અતિ ખરાબ છે.
- જીવ બીચારો દુ:ખોને દુર કરવા મહેનત કરે છે, પાપોને દુર કરવા માટે ક્યારેય પણ નહીં…
કોઇ વૃક્ષના ડાળા-પાંખડા કાપે તોય જો મૂળ સાબૂત હોય તો ડાળા પાંખડા ફરી મજબૂત… મૂળમાંથી ઝાડ ઉખેડશું તો કેટલા દિવસ લીલું રહેશે?
- આમ, પાપને દુર કરવા એ જ આપણું લક્ષ્ય રહેવું જોઇએ.
- દુઃખના નાશની ઈચ્છા એ આર્તધ્યાન છે, જ્યારે પાપના નાશની ભાવના એ ધર્મધ્યાન છે.
- આ ધર્મધ્યાન ધરવા જેવું છે. એથી દુઃખનાશ તો થવાનો જ છે. પાપની પ્રવૃત્તિ ચાલુરાખીને, સુખનું ફળ મેળવવાની ઝંખના રાખવી, એ તો મોટામાં મોટી અજ્ઞાનતા છે.
- દુઃખ આવે ત્યારે વિશેષરૂપે દુષ્કૃત્યની ગર્હા કરવી જોઈએ. કારણ કે દુઃખ પોતાના જ દુષ્કૃત્યનું ફળ છે. એથી પાપ નહિ કરવાનો બોધપાઠ લેવો જોઈએ. સુખ આવે ત્યારે સુકૃતની અનુમોદના કરવી જોઈએ. કારણ કે સુખ સુકૃતનું જ ફળ છે અને નવું પુણ્ય ઉપાર્જન કરવાનો બોધપાઠ લેવો જોઈએ. સુખમાં સુકૃતોનું અનુમોદન કરવાથી ગર્વિષ્ઠ નથી બનાતું. દુઃખમાં દુષ્કૃતની ગર્હા કરવાથી દીન નથી બનાતું. સુખનો જાતે ભોગવટો કરવો એ પુણ્યનો ભોગ છે. બીજાનાં સુખની ચિંતા કરવી, એ પુણ્યનો બંધ છે. પરમેષ્ઠી નમસ્કારમાં એક એવી અજોડ તાકાત છે કે એથી પાપની બાદબાકી થાય છે અને પુણ્યનો ગુણાકાર થતો જાય છે. પુણ્યનો થતો ગુણાકાર ગર્વિષ્ઠ બનાવીને, આપણા ભાગીદારોને ભૂલાવે નહિ, એનોય સતત ખ્યાલ રાખવો જરૂરી છે.
પુણ્યબંધમાં હેતુભૂત બીજા પણ હોય છે, માટે પુણ્યના ઉદયથી એના ફળ રૂપે મળતા સુખાદિમાં બીજાને ભાગીદાર બનાવવા જોઈએ.
- દાન આપવું હશે, તો યાચક જોઈશે.
- વંદન કરવું હશે, તો સાધુ ભગવંતની જરૂર પડશે.
- પૂજા કરવી હશે, તો ભગવાનનું આલંબન લેવું પડશે.
- આ રીતે એક અપેક્ષાથી પુણ્ય-બંધમાં કારણભૂત બીજા હોવાથી, એ પુણ્યના અધિકારી બીજાનેય ગણવા જોઈએ. આમ માનવાથી અભિમાન નહિ થાય, ઉપરથી ત્યાગ ભાવનાનો જન્મ થશે અને એથી ઉદારતા નામનો ગુણ પેદા થશે.
- આપણે માત્ર આપણા પોતાના જ આલંબને પુણ્ય-બંધ કરી શકતા નથી. આપણે મંદિરમાં જઈને પુણ્ય બાંધીએ છીએ, એમાં મંદિરની પવિત્રતા અને પ્રતિમા દ્રારા શુધ્ધાલંબન પૂરું પાડનારા અરિહંત-સિધ્ધ ભગવંતો આદિ અનેક કારણો કામ કરી રહ્યા છે.
આ બધાને ભૂલીને આપણે “હું દેરાસર જાઉ છું, હું તપત્યાગ કરું છું” આવું અજ્ઞાનના મૂલક અભિમાન પોષતા રહીએ તો આપણો દ્રવ્ય નમસ્કાર ભાવ નમસ્કાર ન બની શકે…
વધુ હવે પછીના ભાગમાં…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶