ભાગ ૪૨: ચંદનબાળા હૈયામાં ભગવાન પર અથાગ બહુમાન હતું. પ્રભુના ન વહોરવાથી ચંદનબાળા ધ્રુસકે - ધ્રુસકે રડી પડે છે…
આગળના ભાગમાં આપણે ધર્મ બહુમાનનાં ૫ અંગ વિશે જોયું…
આ ભાગમાં આપણે બહુમાન વિશે વધુ જોઇએ…
૧૮C. ભગવાન પ્રત્યેનો બહુમાન ભાવ એટલે શું?
આપણા મગજમાં પ્રભુ પ્રત્યેના બહુમાનભાવ સ્વરૂપે નીચેની પ્રવૃતિઓ ઉપસ્થિત થાય…
- અનેક તિર્થોની યાત્રા કરવી…
- કલ્યાણક ભુમિની વારંવાર સ્પર્શના કરવી…
- ચૈત્યપરિપાટી કરવી…
- અનેક સ્તુતિઓ, સ્તવનો દેરાસરમાં બોલવા…
- લાંબા - લાંબા સ્તવનો - સ્તોત્રપાઠોનું શાસ્ત્રીય રાગપુર્વક કીર્તન કરવું…
- દેરાસરને ૧૦૮ - ૧૦૦૮ પ્રદક્ષિણા આપવી, વગેરે…
પરંતુ
- શ્રીહરિભદ્રસૂરિશ્વરજી મહારાજા - “લલિત વિસ્તરા” માં જણાવે છે કે
પાંચ ઇન્દ્રિયોના વિષયમાં કંટાળા સ્વરૂપ ભવનિર્વેદ (એટલે કે સંસારનો થાક) એ જ ભગવાન પ્રત્યેનો બહુમાન ભાવ છે…
- બીજા શબ્દોમા કહીએ તો પાંચ ઇન્દ્રિયોના આકર્ષક વિષયો પ્રત્યેનો વૈરાગ્યભાવ એ જ વીતરાગ ભગવાન પ્રત્યેનો સાચો બહુમાન ભાવ છે…
હૈયામાં પ્રભુ પર અથાગ બહુમાન ઉછળતું હોય તો મહાદુ:ખો પણ હૈયાને અડવા દેતા નથી.
ચંદનબાળા રાજકુમારી દ્રષ્ટાંત
- ચંદનબાળા રાજકુમારી હતી અને એના ઉપર મહાદુ:ખ આવ્યા હતા. એના પિતા રાજા ઉપર દુશ્મને ચડાઇ કરી જેમાં રાજા મર્યો અને રાણી અને ચંદનબાળાને લઇ સુભટ જંગલમાં જાય છે. સુભટ રાણીને કહે છે, “તને મારી ઘરવાળી બનાવીશ” એ સાંભળતા જ શીલભંગની આગાહીથી ત્રાસી રાણીએ જીભ કચડી, પ્રાણ ત્યાગ કર્યા. ચંદનબાળાને પછી સુભટે નગરમાં વહેંચવા ઉભી રાખી. દયાળુ ધનાશેઠ ચંદનબાળાને ખરીદી ગયા.
- અને ધરે દિકરીની જેમ રાખી. પરંતુ શેઠાણી મૂળાએ શંકાશીલ બની ચંદનબાળાનું માથું મુંડાવી, પગમાં બેડી નાખી ભોંયરામાં પુરી…. અને પોતે પિયર ચાલી ગઇ. ત્રણ દિવસ ભુખી તરસી ચંદનબાળા બેઠી છે. ત્યાં સુધી શેઠને એનો પતો ન લાગ્યો. એક વખતની રાજકુમારી ને આ કેવા દુઃખ !
- શું ચંદનબાળા આ દુઃખમાં રોવા માંડી? કે એના હૈયાને દુ:ખ થયું?
ના, કેમ કે એ પ્રભુની ભક્તા હતી… એના હૈયામાં ભગવાન પર અથાગ બહુમાન હતું…. પ્રભુ મળ્યા છે એની આગળ આ દુ:ખોની શી વિસાત? - હવે જ્યારે ત્રણ દિવસે ધના શેઠને ખબર પડે છે ત્યારે ભોંયરામાં આવે છે… ત્યારે રડતા - રડતા કહે છે,
તારી માં લુચ્ચીએ તારા સુંદર કેશ કપાવી નાખ્યા… તારા પગમાં બેડી નાખી… અને તને ભુખી તરસી રાખી…
- ત્યારે ચંદનબાળા કહે છે
આ બધુતો પ્રભુનું ચોવીસે કલાક અખંડ ધ્યાન ધરવામા બહુ અનુકૂળ થયું…નહીં તો કેશ સંભાળવામાં, ખાવા - પીવા માં અને બેડી ન હોત તો પ્રભુનું ધ્યાન ચુકી જાત
- આમ, ચંદનબાળાને દુ:ખ હતું જ નહીં પણ મનથી મહાસુખી હતી એટલે તો પારણું કરવા પહેલા મુનિની રાહ જુએ છે…
- અને ત્યાં મહાવીરસ્વામી પોતેજ પધાર્યા. પણ વહોર્યા વિના પાછા ફરે છે. ત્યારે પેલા દુ:ખોમા નહીં રોનારી, પ્રભુના ન વહોરવાથી ધ્રુસકે - ધ્રુસકે રડી પડે છે. પ્રભુ પર કેવું હેત ! - બહુમાન !
- આ બહુમાન નો અચિંત્ય પ્રભાવ તે બાહ્ય ગમે તેટલા દુ:ખ આવે પણ હૈયું દુ:ખી ન થાય… અને એથી જ તો પાપકર્મોનાં ભુક્કા થાય, આત્મા મહાઉન્નતિનાં સોપાન ચડે !
હવે પછીના ભાગમાં આપણે અહોભાવપૂર્વક દર્શન વિશે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶