ભાગ ૨૨: ચાલો વાસક્ષેપ પૂજા કરીએ
ભાગ ૨૧માં આપણે પૂજા માટેના મુખકોષમાં આઠપડ શા માટે? એ વિશે જોયું.
વાસક્ષેપ પૂજા:
- લઘુસ્નાન કર્યા બાદ પૂજાના વસ્ત્રોમાં (વાસક્ષેપ પૂજાના અલગ વસ્ત્રો) પરિધાન કરેલા હોય તો પરમાત્માની સ્તુતિ બોલી, બીજી નિસીહી બોલ્યા બાદ ગભારામાં પ્રવેશ કરી પરમાત્માનો સ્પર્શ ન થાય તે રીતે (પૂજાના વસ્ત્રો હોય તો પણ) અને પ્રભુજીના પબાસનથી દૂર અને યથાયોગ્ય અંતરે રહી જમણા હાથનો અંગુઠો અને અનામિકા (પૂજા કરવાની આંગળી - ટચલી આંગળીની પહેલાની આંગળી) ની ચપટીમાં વાસક્ષેપ લઇ નવઅંગે વાસક્ષેપ ચઢાવવા દ્રારા પૂજા કરી ગભારા બહાર પ્રભુજીને પુંઠ ન પડે તે રીતે નીકળી જવું.
-
વાસક્ષેપ પૂજા કરતા પહેલા કે પછી પ્રભુજીના અંગે ચઢેલ વાસક્ષેપ પોતાના હાથે લઇ પોતાના મસ્તકે કે બીજાને આપવાથી ઘોર આશાતના લાગે.
- ધૂપ-દીપ-ચામર આદિ કરી નીચે બેસી પાટલા ઉપર અક્ષત-નૈવેધ-ફળ ચઢાવવાં (વિસ્તારપૂર્વક મધ્યાહનકાળની પૂજા-વિધિમાં જણાવવામાં આવશે.)
- ત્યારબાદ ૩ ખમાસમણા દઇ ત્રીજી વારની નિસીહી બોલી ચૈત્યવંદન કરવું.
- જો મોટું ચૈત્યવંદન કરવાની અનુકૂળતા ન હોય તો જઘન્ય ચૈત્યવંદન કરવું.
- પછી પાછલા પગે બહાર નીકળી ત્રણવાર ઘંટ વગાડી દેરાસરથી બહાર નીકળવું
ત્રણ વાર ઘંટ શા માટે?
- ૧. દેરાસરમાં દર્શન-પૂજનથી મેળવેલા પવિત્ર ભાવો અને સંસ્કારોની અસર જીવનમાં ટકી રહે તે ધ્યેયથી ધંટનો મંગળ ધ્વનિ ગાજતો કરવો.
- ૨. પ્રભુદર્શનથી આજનો દિવસ સફળ થયો, એના હર્ષમાં ધંટારવ કરવો.
- ૩. જૈનશાસનનો જ્યજયકાર સુચવવા ધંટનાદ કરવો.
ઘંટ વગાડવામાં ધ્યાનમા લેવાની બાબતો
- ધંટનાદ ધીમેથી મધુર ધ્વનિ કરવો.
- ધંટના અવાજથી બીજાને ખલેલ ન પહોંચે તેનો વિવેક રાખવો.
- ડાબા હાથને હ્રદયના મધ્યસ્થાનમાં રાખી જમણા હાથે ત્રણવાર ઘંટનાદ કરવો.
-
દેરાસરમાં પ્રવેશતી વખતે એક વાર ઘંટ વગાડવો એ વિશે આપણે ભાગ ૧૯ માં જોયું
બહાર પગ મૂકતી વખતે “આવસ્સહી આવસ્સહી આવસ્સહી” એમ બોલવું.
દેરાસરમાંથી દર્શન કરી બહાર નીકળી ઓટલે બેસવું જોઇએ, તે વિશેની વિધી-અવિધી જોઇએ:
- ભગવાન તથા દેરાસરને પીઠ ન થાય તે રીતે બેસવું
- રસ્તા-પગથિયામાં ન બેસવું, એક બાજુ જઇ ને બેસવું જોઇએ.
- ત્યાં આજકી તાજા ખબર ન થાય, નહીંતર નિસીહી નું કર્તવ્યનું પાલન પણ નહીં થાય એટલે કે મૌનપૂર્વક બેસવું.
- આંખો બંધ રાખી મનમાં ૩ નવકાર ગણવા તથા હ્રદયમાં રહેલા ભગવાન ના ભાવથી દર્શન કરવા. ઓટલે બેસી એ ભાવના ભાવવી કે,
“હે પ્રભુ! આપના પુણ્યદર્શન ફરી ક્યારે કરીશ? પાછો સંસારની ઉપાધિમાં - પાપ પ્રવૃતિમાં જઇ રહ્યો છું પણ આપના દર્શનથી પ્રાપ્ત થયેલી ઉચ્ચ ભાવનાઓ અને વિવેકબુદ્ધિ ટકી રહે તેમ હું ઇચ્છુ છું. મારું દુર્ભાગ્ય છે કે ભગવાનને છોડી ઘરે જવું પડે છે”
- આવા ભાવ સાથે ધીરેથી ઉઠવું.
- આંખો ખુલ્લી રાખી આવતા-જતા લોકોને જોતા રહેવું એ અવિધી છે.
-
હાશ! હવે છુટ્યા, આવા ભાવથી ઉભા થવું તે અવિધી છે.
- ત્યાર પછી, પૂજ્ય ગુરૂદેવને વંદન કરવા ઉપાશ્રયે જવું.
- ત્યાં ગુરૂદેવને વંદન કરી તેઓશ્રીના મુખે પચ્ચક્ખાણ સ્વીકારી ઘરે પરત થવું અને પછી જ પચ્ચખાણ પાળવું.
હવે પછીના ભાગમાં આપણે પૂજા અંગેની અગત્યની પ્રશ્નાવલી જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶