ભાગ ૪૩: ચાલો પ્રભુના દર્શન અહોભાવપૂર્વક કરીએ
આગળના ભાગમાં આપણે ચંદનબાળાનું દ્રષ્ટાંત જોયું…
આ ભાગમાં આપણે અહોભાવપૂર્વક દર્શન વિશે જોઇએ…
૧૯. માન્યતા અને અહોભાવપૂર્વક દર્શન:
ભગવાનની મૂર્તિને
- જે મનુષ્ય પથ્થર માને છે તેને પથ્થર જેટલું જ ફળ મળે છે.
- જે મનુષ્ય મૂર્તિ માને છે તેને તે સાક્ષાત સદ્દગતિનો હેતુ બને છે.
- જે સાક્ષાત પરમાત્મા માને છે તેને તે પરમાત્મા કલ્પવૃક્ષની જેમ જીવનમાં ફળે છે.
- ફળનો આધાર વસ્તુ પ્રત્યે આપણા હૃદયમાં કેવો ભાવ રહેલો છે તેના ઉપર આધારિત છે.
જિનદર્શનની આ પ્રચંડ તાકાતનું કારણ આ જગતમાં વીતરાગ દેવાધિદેવ એ સર્વશ્રેષ્ઠ કલ્યાણવિભૂતિ છે.
- એમને સહેજ મન પર લાવો એટલામાં ય મોહરાજાને ત્યાં ઉથલપાથલ થઈ જાય.
- વીતરાગમાં મન ગયું, અને વીતરાગ પર આંખ ગઈ, એ વીતરાગ તરફ ખેંચાણ રાગ-દ્વેષના શત્રુ તરફ થયું, અને એમાં ય મન એટલે આખા શરીરતંત્ર અને આત્મતંત્રનો સંચાલક એ મનને રાગ અને મોહના પાત્રો પરથી ઉઠાડી વીતરાગમાં જોડ્યું, સાથે આંખ જોડી દર્શન કર્યા, એથી એવા શુભ અધ્યવસાય થાય કે મનમાંથી રાગ-મોહ આદિના કચરાના અધ્યવસાય મોળા પડી જાય.
- એની તાકાત આ જનમ જનમનાં પાપ તોડી નાખે, મહાન સ્વર્ગ સુધીનાં પુણ્ય ઊભા કરી આપે, તથા શુભ સંસ્કારો અને એના દ્વારા સદબુદ્ધિ-ધર્મબુદ્ધિની પરંપરા સર્જી આપે.
- ત્યારે આવા લાભ કરાવનાર પ્રભુદર્શન કરવામાં કષ્ટ કેટલું? પણ દર્શન દર્શનમાં ફરક છે. દા. ત.,
- દર્શન પરાણે થાય, દર્શન ઉમળકાથી થાય.
- દર્શન રેઢિયાળ રીતે થાય, દર્શન ઢંગથી થાય.
- દર્શન ભોજન ખુલ્લું કરવા થાય, દર્શન ભોજનમાં ઝેર ન ચઢે માટે થાય.
- દર્શન રોતડ ચહેરે થાય, દર્શન ઉછળતા ઉલ્લાસ-ઊછરંગથી થાય.
- દર્શન રાબેતા મુજબ રોજનો રિવાજ સમજીને થાય, દર્શન નવનવી હોંશ ને હરખથી થાય. આ દરેક જોડકામાં એક કરતા બીજામાં કેટલો ફરક?
દર્શન-વંદન માં પ્રભુ સાથે અત્યંત નિકટ બનાય અને પ્રભુની સાથે દિલથી વાત, દિલથી પ્રાર્થના થાય તથા પોતાના દિલ-દર્દની રજુઆત કરી, પ્રભુની દયા મંગાય.
- જો આવું કશું જ વિચારમાં ન હોય તો દર્શનની ક્રિયા સંમૂર્ચ્છિમ ક્રિયા થાય અને એના કોઇ એવા લાભ મળે નહીં ત્યારે જો અમૃતક્રિયા કરવી હોય તો પ્રભુની સાથે નિકટતા અને વાત-વિચાર જોઇએ જ અને તે ત્યારે જ શક્ય બને જ્યારે આપણે એમ માનીએ કે સાક્ષાત પ્રભુ સામે બેઠા છે.
દર્શનગુણ એટલે ધર્મ જેવો છે તેવો તેને દેખાય. ભગવાનને હાથ જોડવા એ તો દર્શનની ક્રિયા છે. પણ તિર્થંકરોએ પ્રરૂપેલો કલ્યાણનો માર્ગ જાણે નજરોનજર સામે દેખાય તે દર્શન ગુણ છે.
આંતરિક આચાર | બાહ્ય આચાર |
---|---|
નિ:શંકિતતા: જિનવચનમાં શંકા ન હોવી | ઉપબૃંહણા: મિથ્યાત્વીની પ્રશંસા ન કરવી |
નિ:કાંક્ષા: અન્યમતની વાંછા ન કરવી | સ્થિરીકરણ: જિનમતધારીને ધર્મમાં સ્થિર કરવો. |
નિર્વિચિકિત્સા: ધર્મના ફળમાં સંદેહ ન કરવો. | વાત્સલ્ય: સર્વ આરાધક જીવો માટે વાત્સલ્ય ભાવ રાખવો. |
અમૂઢદ્રષ્ટિ: મિથ્યાત્વીની પ્રવૃતિમાં મોહિત ન થવું | પ્રભાવના: મને જે સદધર્મ મળ્યો છે તે સૌને મળે તેવો ભાવ |
હે પ્રભુ! અનંત પુણ્યના ઉદયથી આજે આપનું પુણ્યદર્શન પામીને મારું જીવન ધન્ય બન્યું છે.
- મારો અંતરાત્મા ઉલ્લાસિત બન્યો છે. દરિદ્રતા, દુર્ભાગ્ય તેમજ જન્મજન્માંતરના પાપ નાશ પામી ગયાં એમ મને લાગે છે, નહિતર આપના દર્શન મળે કયાંથી?
- ખરેખર! આપની વીતરાગ મુદ્રા મારા આત્માને મોહનિંદ્રામાંથી જાગૃત કરે એવી છે.
- હે પ્રભુ! આપનું દર્શન-વંદન-પૂજન કરી હું દ્રઢ શુભસંકલ્પ કરું છું કે આપના ધર્મોપદેશનું શ્રવણ કરી મારા આત્મામાં શુભ સંસ્કારોની અને ગુણોની યોગ્યતા પ્રગટ કરીશ !
દરેક સાધના અહોભાવ સાથે કરવી જોઇએ. વ્યવહારમાં કેવો અહોભાવ જાગે છે…
- જેમકે પાંચ વર્ષ પછી યુ.એસ.એ થી ભાઇ આવવાનો હોય તો એરપોર્ટે તેને લેવા જઇએ છીએ…અને એરપોર્ટ પર જતા કેવો અહોભાવ જાગે છે… “અહો! આજે ભાઇ મળશે… “… પ્લેન આવી જતા ભાઇ આવી ગયો અને તેને ખબર અંતર પૂછવામા કેવો અહોભાવ જાગે છે? તો પછી દેરાસરે પ્રભુ દર્શન કરવા જતા આવો અહોભાવ ન થાય?
પ્રભુના દર્શન અહોભાવપૂર્વક કરવા જોઇએ…
- હે પ્રભુ! હું દર્શન કરી ધન્ય બની ગયો.
अध मे सफलम जन्म,
अध में सफला क्रिया
અહો પ્રભુ! આજે મારો જન્મ સફળ, આજે મારી ક્રિયા સફળ
અહોભાવપૂર્વક એટલે શું?
- આપણી ચારેય બાજુએ ટી.વી સ્ટેશનોએ છોડેલા શબ્દ અને દ્રશ્યના મોજા ઘુમી રહ્યા છે પણ આપણે એને પકડી શકતા નથી…
- તેના માટે ટી.વી ડીશ જરૂરી છે અને એની પાસે એ આંદોલનો પકડવાની ક્ષમતા છે અને તે આપણા ટી.વી મા મોકલે છે…
- અહોભાવ જો સાધક પાસે હોય તો દર્શન કરતી વખતે પ્રભુની ઉર્જાને પકડવાની ક્ષમતા આવશે. અહોભાવને લીધે રીસેપ્ટિવિટી આવે અને પ્રભુની ઉર્જાને આપણે ઝીલી શકશું…
વરસાદનું એક ફોરું હવામા લહેરાતું, દરિયામા પડે તો શાશ્વતીના સંપર્કને એ પામે અને હવે તે ક્યારેય નષ્ટ ન થાય..
- આનંદઘનજી મહારાજ ના શબ્દોમાં
“અબ હમ અમર ભયે, ન મરેંગે…
વર્ષાબુંદ સમુંદ સમાની, ખબર ન પાવે કોઇ
આનંદઘન વ્હે જ્યોતિ સમાવે, અલખ કહાવે સોઇ…”
વર્ષાનું બુંદ સમુદ્રમાં પડ્યું હવે તેને અલગ કઇ રીતે તારવી શકાય? એ જ રીતે પરમ ચેતનાનાં સમંદરમાં આત્મચેતનાનું બુંદ ભળ્યું… પણ ખરી મજા હવે છે…
બુંદે પોતાના અસ્તિત્વને ખોયું પણ પૂરો સમુદ્ર એણે મેળવી લીધો
હવે સમુદ્રનું કોઇ પણ બિંદુ હોય, તેના જળમાં પૂરા સમુદ્ર જળનું પ્રતિનિધિત્વ રહેવાનું. સમુદ્ર જળના તમામ ગુણધર્મો એ બુંદમાં રહેવાના…એ જ રીતે અહોભાવપૂર્વક દર્શન આપણને પ્રભુ તરફ લઇ જાય છે, અને અંતે આપણને મોક્ષમાર્ગ તરફ લઇ જાય છે…
હવે પછીના ભાગમાં આપણે અહોભાવપુર્વક દર્શન કઇ રીતે કરવા એ વિશે જોઇશુ…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶