ભાગ ૧૧૩: ભૌતિક વિકાસ મહત્ત્વનો નથી, મહત્ત્વનો છે આત્મવિકાસ.
આગળના ભાગમાં આપણે જોયું કે શું પરાણે ધર્મ કરાવાય તે સારું?
ભૌતિક વિકાસ મહત્ત્વનો નથી, મહત્ત્વનો છે આત્મવિકાસ.
- કેમકે એથી જ સાચી શાંતિ, સાચી પ્રસન્નતા અને સાચી પવિત્રતા મળે છે. માટે પ્રયત્ન આત્મવિકાસ માટે જોરદાર થવો જોઈએ.
ત્યારે સવાલ થાય કે આત્માનો વિકાસ શો?
- જવાબ સરળ છે. જેમ ભૌતિક વિકાસમાં માલ, મિલકત, પ્રતિષ્ઠા-પરિવાર, સન્માન-સત્કાર વગેરે વધતા જાય અને સારા બનતા જાય, એ આવે
- આત્મવિકાસમાં આત્મા સુંદર, સુખી અને પવિત્ર બનતો જાય, તેમ એનાં સાધનભૂત દેવ-ગુરુ ઊંચા મળે, ધર્મ-માર્ગ ઊંચો મળે, એથી આત્મામાં જ્ઞાન-વૈરાગ્ય-શ્રદ્ધા, ક્ષમા-તૃપ્તિ-સમાધિ, ત્યાગ અગ્લાનિ-અનાસક્તિ, વગેરે ભાવો વિકસતા ચાલે,
આપણે વિકાસ પામી રહ્યા છીએ કે નહિ, એ આત્મ વિકાસના આધારે મપાય, પણ નહિ કે ભૌતિક વિકાસના આધારે.
- આજે વિકાસની વાતો ચાલે છે, પરંતુ એમાં નર્યા જડવિકાસનો કોલાહલ ચાલી પડ્યો છે.
- જડવાદી બનાવનાર કેળવણી અને એની શાળા-મહાશાળાઓનો વધારો
- લોર્ડ મેકોલેની સંસ્કાર શુન્ય શિક્ષણ પધ્ધતિ
- બહુ હિંસા-આરંભસમારંભમય દવા-ઉપચારો
- ગર્ભમાં આવેલા માનવ જીવનો નાશ કરે એવા સંતતિનિયમનને કરી આપનારી હોસ્પિટલોનો વધારો
- સિનેમાદિ મનોરંજનનો વધારો, વગેરે કોલાહલ કેટલો બધો ચાલ્યો છે?
- ભારોભાર રાગદ્વેષ અને આર્તધ્યાનની પરંપરા, રૌદ્રધ્યાનને પણ જગાવી આપે એવાં છાપા-રેડિયો-પિકચર-ટેલીવિઝન વગેરે ધુમ વધી ગયા!
- આર્તધ્યાન કરાવનારી આંતર-રાષ્ટ્રિય ખબરો ક્ષણમાં સુલભ થઈ ગઈ!… વગેરે વગેરેને વિકાસ માની એમા ખુશ થવાય છે.
-
માનવજીવન આત્મવિકાસ માટે છે. એનું સાધન છે ધર્મ, ધર્મની આરાધના કરીએ એટલે આત્માનો વિકાસ થતો આવે,
- આત્માની સુંદરતા-સ્વસ્થતા-સ્વચ્છતા વધતી આવે.
સવાલ એ થાય છે કે ધર્મની આરાધના તો વર્ષોથી કરાતી દેખાય છે, પણ આત્મવિકાસ કેમ નથી દેખાતો?
- આનો જવાબ એટલો જ કે ધર્મ તો કરાય, પણ એથી આત્મવિકાસ ત્યારે થાય કે ધર્મ આત્મવિકાસ માટે કરવામાં આવે, અને ધર્મ કરતાં કરતાં વિકાસનું પાકું લક્ષ રાખી વિકાસ સાધતા જવાય.
- નહિતર તો વિકાસની સાધના વિના વિકાસ ક્યાંથી સિદ્ધ થાય?
સાધના વિના સિદ્ધિ નહિ.
- એટલે હવે જાતમાં એ તપાસતા રહેવા જેવું છે, કે
આ હું ધર્મ કરું છું તે વિકાસ માટે ને ? વિકાસ આમાંથી સિદ્ધ થતો આવે છે ને ?
- વીતરાગ પ્રભુનાં દર્શન કર્યા, પૂજા કરી, સ્તુતિ સ્તવન ગાયાં, તે વીતરાગતાની મમતા વધારવા માટે ને ?
- એ દર્શનાદિ કરતી વખતે એ વીતરાગતાની મમતા વધી રહી છે ને ?
-
તેથી પોતાની એથી ઉલ્ટી રાગદશા રાગ-દ્વેષ-કામ-ક્રોધ-લોભાદિભરી દશાની ધૃણા થાય છે ને ?
- સામાયિક કરતી વખતે નિષ્પાપ અવસ્થાની મમતા વધારાય
- આપણે એ જોવાનું છે કે સામાયિક કરવાથી સમતા કેટલી વધી?
- તપસ્યા કરતાં તપની મમતા અને ખાનપાનની ઘૃણા વધારતા જવાય, અને વિચારવું કે આહારની આસકિત, લાલસા કેટલી ઓછી થઇ?
- દાન કરતાં કરતાં દાનની મમતા સાથે પરિગ્રહની ઘૃણા-ગ્લાનિ વધારતા રહેવાય.
- સમસ્ત પ્રકારની ધર્મસાધનાને સેવતાં સેવતાં કેટલા દોષોનો નાશ થયો એ વિચારવું
- ધર્મ કરતી વખતે કોઈની સાથે લડી પડાય ? ગુસ્સો અભિમાન કરાય ? આત્માના લાભને બાજુએ મુકી જડ લક્ષ્મી-માનકીર્તિ વગેરેની લાલસા કરાય ?
- ધર્મ કરતાં કરતાં મુખ્ય તો મારા અંતરાત્માના મલિન ભાવો, કષાયો વગેરેની ઘૃણા ઊભી કરી એને હટાવવાના છે અને વીતરાગભક્તિ આદિ શુભ ભાવો જગાવવાના છે.
- આ લક્ષ, આ જાગૃતિ, અને પુરૂષાર્થ હોય તો ધર્મથી સુંદર આત્મવિકાસ થાય
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶