ભાગ ૨૯: જ્યારે આપણે પ્રભુજીના દર્શન ખુબ ભક્તિભાવથી કરી રહ્યા હોઇ અને વચ્ચે કોઇ વ્યક્તિ આવીને દર્શન કરે તો?
આગળનાં ભાગમાં આપણે પ્રભુદર્શન કરતી વખતે શું કરવું? એ વિશે જોઇ રહ્યા હતા…
આ ભાગમાં આપણે પ્રભુદર્શન વિશે વધું જોઇએ…
3D. પ્રભુદર્શન અને દર્શનાચાર
- પ્રભુના દર્શન આપણે રોજ કરીએ છીએ એથી નવી પ્રેરણા કે આત્મવિકાસ કરીએ છીએ ખરા? જો કરતા હોઇ તો પ્રભુનું આકર્ષણ અને મમત્વ વધતું જાય.
- માતા પૂત્રને જન્મ આપ્યા પછી જેમ-જેમ એના દર્શન કરે છે તેમ તેમ એની મમતા વધતી જાય છે. એ રીતે પ્રભુના દર્શન કર્યે જતાં મમતા ન વધે તો દર્શનની રીતમાં ખામી છે.
- પ્રભુએ સર્વદોષો અને કષાયોનો નાશ કરેલો હોવાથી આપણે તેમને પૂજીએ છીએ તો આપણને એ દોષો અને કષાયો તરફ ઘૃણા થાય કે એ કરતા કંઇ શરમ આવે? અને જો એનાથી થોડું પણ પાછું ફરવાનું ન થાય તો એ દર્શને આપણને શું આપ્યું?
- દેવ દર્શન ત્યારે જ સફળ થાય કે જ્યારે સ્વદોષ જોવાની તૈયારી અને તકેદારી સાથે અમલ થાય ત્યારે… આમ સ્વદોષ દર્શન વિના દોષો ઘટે નહીં…
- પ્રભુએ જડને બદલે આત્મગુણોને જ જીવન બનાવ્યું અને આપણે જડને જ મહત્વ આપ્યે રાખીએ અને આત્માને મહત્વ જ ન આપીએ તો એ પ્રભુના દર્શન કેવા?
દર્શનમાં એક સામાન્ય માણસને મળવાની જેમ પ્રભુને મળાતું હોય તો દર્શનથી જોઇએ એવા લાભ નહીં થાય. કોઇ મોટા માણસને મળવાનું હોય અને જે રીતે મળીએ તો અહીં તો ત્રિલોકનાથ! પ્રભુનું દર્શન અત્યંત ઉપાદેય છે, અતિશય જરૂરી હિતકર્તવ્ય છે. આવી લાગણી થાય તો દર્શનમાં જીવ ઓતપ્રોત થાય
- દર્શન માં પ્રભુની મૂર્તિમાં જ અટકી જવાય છે. ખરેખર તો પ્રભુનું દર્શન થતા જ સાક્ષાત વિચરતા અરિહંત પ્રભુ જાણે સામે બેઠા છે એ ધ્યાન માં લાવી એમના દર્શન કરવા જોઇએ.
- એ પાષાણ કે ધાતુના બદલે ગોરી-ગુલાબી જીવંત કાયા દેખાય. એ દેખવાનું આંખ અર્ધ-મીંચેલી કરવાથી થાય. આમ જો સાક્ષાત જીવંત પ્રભુ નજર સામે રહે તો એમના ગુણો, એમનું જીવન, એમના ઉપકાર વગેરે તરફ દ્રષ્ટિ જાય અને ત્યારે જો મૂર્તિ દર્શનની આડે કોઇ આવી જાય તો આપણા ચિત્તને જરાય સંકલેશ ન થાય એ રીતે હ્રદય પ્રભુની સાથે વાત કરતું કરાય.
જ્યારે આપણે પ્રભુજીના દર્શન ખુબ ભક્તિભાવથી કરી રહ્યા હોઇ અને વચ્ચે કોઇ વ્યક્તિ આવીને દર્શન કરે ત્યારે આપણે જરાપણ મન બગાડવું ન જોઇએ
- દર્શનના અંતરાય વખતે પણ એ જ ભાવ અને આનંદ રહેવા જોઇએ. હવે ભલે બાહ્ય ચક્ષુથી દર્શન ન થાય પણ બંધ આંખે પ્રભુને મનની સામે રાખી તાકીતાકીને પ્રભુની વીતરાગતામય ચક્ષુકીકી જોતા રહેવાય.
- આવું માનસિક પ્રભુદર્શન લાંબું ન ચલાવી શકાય, તો વચમાં વચમાં આંખ ખોલીને સહેજ પ્રભુની મુખમુદ્રા જોઈ લઈ, પાછી તરત આંખ મીંચી એ કામ ચાલુ કરાય.
- આવી રીતે સાધના કરવાથી ધર્મની શ્રદ્ધા સંપ્રત્યયરૂપ, સહજ હાર્દિક પ્રતીતિ રૂપ બનવા માંડે.
- જ્યારે દર્શનની ક્રિયા બંધ થઇ હોય (વચ્ચમાં કોઇ વ્યક્તિ આવીને ઉભી હોય ત્યારે) સ્મરણની ક્રિયા કરવી આમ, જે વખતે જે ક્રિયા મળી તે અવસરે તે પ્રમાણે મનને લાભ જ લેનારૂં કરવું જોઇએ.
-
પ્રભુનું દર્શન તો એવું થવું જોઇએ કે પ્રભુનું નિરંતર સ્મરણ રહે ને એ સ્મરણ એવું બની જવું જોઇએ કે જગતની કોઇ વસ્તુ એ સ્મરણ ને તોડી શકે નહીં. આમ, “દર્શનનું ફળ સ્મરણ છે અને સ્મરણનું ફળ અન્યનું વિસ્મરણ એટલે કે આ સ્મરણને જ સતત ચાલુ રાખવું.”
- બાહ્ય દર્શનમાં પ્રભુ સિવાય આજૂબાજૂનું પણ દેખાયા કરે છે અને આંતરિક દર્શન કરીએ એટલે કે આંખ બંધ કરીને દર્શન કરીએ ત્યારે બધુ દેખાતું બંધ થયું અને હવે આપણે ધારીએ એટલું જ દેખાય.
- જો આપણે સામે માત્ર પ્રભુ ધારીએ તો પ્રભુ જ દેખાય અને બીજું બધુ બહારનું દેખાતુ બંધ થઇ જાય. બાહ્ય કે આંતરિક દર્શનમાં ખાસ જોવાની છે પ્રભુની ચક્ષુ, ચક્ષુમય કીકી અને કીકીમાંય નિર્વિકારતા ઉદાસીનતા જોવાની છે.
- આમ, આંખ બંધ કરી અંતરથી દર્શન કરીએ ત્યારે બહાર આડે ઉભેલી વ્યક્તિ ઉપર ગુસ્સો કરવાને બદલે ઉપકારી ગણવો જોઇએ કે જેણે આપણને આંતરિક દર્શનની તક આપી. આમ, બાહ્ય ક્રિયામાંથી આંતરિક ક્રિયામાં જઇએ તો જ આત્મામાં કંઇક પામી શકીએ.
હવે આપણે ભકિતનાં અગત્યનાં મુદા દર્શનાચાર વિશે જોઇએ…
૪. દર્શનાચાર
દર્શનાચાર એ પ્રેમદ્રષ્ટિ છે. દેરાસર દર્શન કરવા રોજ જઇએ છીએ, મૂર્તિમાં શેનું દર્શન થાય છે?મૂર્તિમાં સાક્ષાત પરમાત્માનું દર્શન કરતા આવડે છે? મૂર્તિમાં પ્રભુનું દર્શન કરનાર વાસ્તવિક દર્શનાચાર પાળી શકે છે.
- આ છે દર્શનાચારની શરૂઆત.
- આ છે પ્રેમતત્વની શરૂઆત…
- અને આ કર્યા પછી જીવમાત્રમાં પ્રભુનું દર્શન, જીવમાત્રમાં પરમાત્મતત્વનું દર્શન એ દર્શનાચારની પરાકાષ્ઠા છે. આવા જીવોને સમક્તિની પ્રાપ્તિ અને સમક્તિ ટકાવવું સહેલું છે.
- સૌ પ્રથમ પંચપરમેષ્ઠી પ્રત્યે પૂજ્યભાવ અને ભક્તિભાવ રાખવાનો છે.
- શ્રાવકાદિ પ્રત્યે વાત્સલ્યભાવ રાખવાનો છે
- સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવાનો છે.
- ગુણાધિક પ્રત્યે પ્રમોદભાવ સેવવાનો છે.
- ગુણહીન અને પુણ્યહીન જીવો પ્રત્યે કરુણા કરવાની છે.
- અવિનીત, કઠોર, ઉદ્ધત, કઠોર અને નઠોર જીવો પ્રત્યે માધ્યસ્થ પરિણતિ કરવાની છે.
- અન્ય માનવો પ્રત્યે માનવતાના ભાવ કરવાના છે.
- દુઃખી પ્રત્યે દયા, દાનાદિના ભાવ કરવાના છે.
- ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતાના ભાવ કરવાના છે.
- મિત્રો પ્રત્યે વિશ્વાસપાત્રતા લાવવાની છે.
- શરણ્ય પ્રત્યે શરણરૂપ બનવાનું છે.
- પંચેન્દ્રિય તિર્યંચોનું પાલન, પોષણ, અને રક્ષણ કરવાનું છે.
- વિકલેન્દ્રિય જીવોનું રક્ષણ કરવાનું છે.
- એકેન્દ્રિય જીવમાત્ર પ્રત્યે બ્રહ્મદ્રષ્ટિ કરવાની છે.
- શરીર પ્રત્યે અનાત્મબુદ્ધિ કરવાની છે.
- ઇન્દ્રિયો પ્રત્યે જિતેન્દ્રિયતા સેવવાની છે.
- વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે.
- કષાયો પ્રત્યે ઉપશમભાવ કેળવવાનો છે.
- જગતનું દર્શન કરી સંવેગ લાવવાનો છે.
- કાયાનું દર્શન કરી અશુચિભાવનાથી વૈરાગ્ય ભાવવાનો છે.
- પુદગલ પ્રત્યે અનાસક્તિ કેળવવાની છે.
- યોગ્ય આત્માઓની ભૂલોને કરુણાબુદ્ધિથી સુધારવાની છે.
- અયોગ્યની ભૂલો પ્રત્યે ઉપેક્ષાઅ કેળવવાની છે.
- સંસારના બનતા પ્રસંગો માં દ્રષ્ટાભાવ કેળવવાનો છે અને દેહની પ્રવૃતિના સાક્ષી બનવાનું છે.
આમ, જગતનું દર્શન મોહાધીનપણે ન કરવું તે દર્શનાચાર નામનો ધર્મ છે.
હવે પછીનાં ભાગમાં આપણે મન અને દર્શન(ધાર્મિક ક્રિયા) વિશે તેમજ જોઇશું કે લોકો શેઠ બનવા માટે કેટલી ભાગ-દોડ કરે છે જ્યારે પૂરણચંદ(પૂનમચંદ) શેઠ સર્વસ્વ દાન કરી અને ગરીબ બન્યા!!
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶