ભાગ ૨૭: પ્રભુદર્શન - ચાલો પરમાત્માની સંપૂર્ણ અને બિનશરતી શરણાગતિ સ્વીકારીએ
આગળનાં ભાગમાં આપણે પ્રભુદર્શન કરતી વખતે શું કરવું? એ વિશે જોઇ રહ્યા હતા…
આ ભાગમાં આપણે પ્રભુદર્શન વિશે વધું જોઇએ…
3B. પ્રભુદર્શન
હે પ્રભુ! આપની કમળ પાંખડી શી આંખડી કેવી?
- આંખડી કેટલી નિર્મળ અને નિર્વિકાર છે! એમાંથી શાંતરસનું અમી ઝરી રહ્યું છે.
- કૃપારસ વરસી રહ્યો છે.
- અજબ આત્મમસ્તીની ઝાંખી થાય છે.
- આ આંખનો ઉપયોગ ઉપસર્ગ કરનાર પ્રત્યે દ્વેષ કે ભક્તિ કરનાર પ્રત્યે રાગ પોષવામાં થયો નથી.
- ઓ જિનરાજ ! આપના આ નયનયુગલમાં નિષ્કારણ કરૂણા, ભાવદયા, વિશ્વમૈત્રી, અપકારી ઉપર પણ ઉપકાર કરવાની ભાવનાનું દિવ્ય તેજ ચમકી રહ્યુ છે.
- પ્રભુના ચક્ષુ જ્યારે આપણે જોઇએ ત્યારે પ્રભુ જાણે જગતનું દર્શન વીતરાગ ભાવે કરી રહ્યા છે, અલબત એમને કેવળજ્ઞાનથી જ બધુ સ્પષ્ટ પ્રત્યક્ષ છે.
- તેથી ચક્ષુથી કશું જોવાનું રહેતું નથી પરંતુ આપણે પ્રભુના દર્શન કરીએ ત્યારે ચક્ષુના સ્થાને કેવળજ્ઞાનની જ્યોતિ જોવાની અને “એ કેવળજ્ઞાન જગતનું દર્શન કરે છે પરંતુ વીતરાગ ભાવે જગતનું દર્શન કરે છે” એમ કીકીની મધ્યસ્થ સ્થિતી ઉપર વિચારવું.
આ દર્શન એટલે માત્ર જોવાનું નહીં, પણ સાંભળવાનું, સુંધવાનું, ચાખવાનું કે સ્પર્શવાનું અને કંઇ પણ યાદ કરવાનુંય થાય એ બધુ દર્શન સમજવાનું છે.
- આ કરતી વખતે દિલમાં રાગ-દ્રેષ-હર્ષ-ખેદ-ગર્વ-દીનતા વગેરે કશા વિકાર ન ઉઠે એવો પ્રયત્ન કરવો જોઇએ.
સ્ત્રીને ખાલી ફોટામાં જોઇએ તોય વિકાર જાગી જાય તો વીતરાગ એવા પરમાત્માના દર્શન કરીએ ત્યારે હૈયું કેમ ન હલે?
- પરમાત્માના દર્શન કરતા આપણે વિચારવું જોઇએ કે, હે પરમાત્મા,
- તારૂં હ્રદય કષાય વગરનું છે જ્યારે મારૂં હ્રદય કષાય વાળું છે.
- તારી આંખોમાં નિર્વિકારતા છે, મારી આંખો વિકાર વાળી છે.
- પ્રભુની નિર્વિકારી આંખો જોઇ, આપણને વિચાર આવવો જોઇએ કે મારી આંખો નિર્વિકારી ક્યારે થશે?
- પ્રભુ અરીસો છે એમાં આપણા દોષોને નિહાળી તેમને કાઢવાનો પ્રયત્ન કરશું તો જ આત્મ કલ્યાણ થશે.
- આમ વિચારી ભગવાનના દર્શન કરીએ તો હૈયું હલી ન જાય?
હે પ્રભુ! આપની નાસિકા કેવી?
- જેનાથી સુગંધ કે દુર્ગંધ પ્રત્યે રાગદ્વેષના મલીનભાવોનો સ્પર્શ થયો નથી.
હે પ્રભુ! આપના બે કાન પણ કેવા નિર્દોષ છે!
- એનાથી કોઇનાય સાચા-જૂઠા દોષોનું શ્રવણ કરી ઇર્ષાવર્ધક પાશવી વૃતિઓનું પોષણ થયું નથી.
- રાગાદિ વિકારવર્ધક તેમજ કુસંસ્કારોને બહેકાવનાર શબ્દોનું શ્રવણ થયું નથી.
- વિવેકના સહારે અશુભ સંસ્કારોનો નાશ કરી આપે શ્રવણશક્તિનો મહાન ઉપયોગ કર્યો છે.
હે પ્રભુ! આપના આ પુણ્યદેહથી હિંસાદી કોઇ પાપનું સેવન થયું નથી ગામે ગામ વિહાર કરી અનેક જીવોના સંસારના બંધન તોડ્યા.
આપણે પ્રભુના દર્શન કરી રહ્યા છીએ ત્યારે
- પરમાત્મા કરૂણા સ્વરૂપ છે તેમના નેત્રમાંથી સફેદ દૂધ જેવી કરૂણાની ધારા વહી રહી છે…
- પ્રભુના નેત્રમાંથી વરસતી કરૂણાની ધારા આપણા ઉપર પડી રહી છે, તેમાં સ્નાન કરીએ છીએ… (આવું દ્રશ્ય જોવું) સફેદ દૂધ જેવી ધારા વહી રહી છે…
- આપણા મસ્તકના મધ્ય ભાગમાંથી કરૂણાની ધારા આપના શરીરમાં પડી રહી છે…
- આપણા શરીરમાંથી આપણા હ્રદયમાં જે આજ સુધી ઉંધુ હતુ તે સીધું કમળ જેવું બન્યું છે.
- તેમાં આ કરૂણાની ધારા પડી રહી છે. અને હ્રદય ભરાઇ રહ્યું છે… ઉભરાઇ રહ્યું છે…
- અને ત્યાંથી આપણા આખા શરીરમાં ફેલાય છે… આપણું શરીર પ્રભુની મહાકરૂણાથી ભરાઇ ગયું…
- આપના લોહીના અણુ એ અણુમાં પરમાત્માની કરૂણા વ્યાપ્ત બની ગઇ… આપણા આત્માના પ્રદેશે પ્રભુની કરૂણા વ્યાપક બની ગઇ…
- પરમાત્માની કરૂણામાં અચિંત્ય શક્તિ છે, સર્વ દુ:ખ નિવારણ કરવાની, સર્વ શોક, ભય, ચિંતાથી મુક્ત કરવાની શક્તિ પરમાત્માની આ મહા કરૂણામાં છે.
- સર્વ સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાનો અનુભવ કરાવવાની શક્તિ પરમાત્માની કરૂણામાં છે.
હે પ્રભુ! આપ તો અનંત ગુણના પરમ નિધાન છો.
- હું તો ગુણહિન છું. તો હે પ્રભુ! મને ઉત્તમ ગુણોથી પૂર્ણ ભરવા કૃપા કરશો.
- પરમાત્માના સર્વ અંગોમાંથી ગુણોનો વરસાદ પડવો શરુ થયો..
- પ્રભુના ગુણ આપણા મસ્તકમાંથી આપણી અંદર પ્રવેશ કરી રહ્યા છે.
- જેમ કે, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, દયા, દાન, પરોપકાર, મૈત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થ, આદિ ઉત્તમગુણોથી આપણે ગુણોથી ભરાઇ રહ્યા છીએ… પૂર્ણ ભરાઇ ગયા છીએ…
પરમાત્માની સંપૂર્ણ અને બિનશરતી શરણાગતિ સ્વીકારીએ છીએ. - પરમાત્માની કરૂણાના દિવ્ય પ્રભાવે: - મને કોઇ દુ:ખ નથી, મારા સર્વ દુ:ખ નાશ પામી ગયા. - મને કોઇ ભય નથી.. - મને કોઇ રોગ નથી..
પરમાત્માની કરૂણામાં સ્નાન કરવાથી માર્રા સધળા રોગ, શોક, દુ:ખ, ભય, ચિંતા નાશ પામી ગયા છે. હું સુખ, શાંતિ અને આનંદ અને નિર્ભયતાથી પૂર્ણ ભરાઇ ગયો છું.
હે પ્રભુ, આપતો સર્વદોષ, પાપ અને વાસનાથી મુક્ત છો.
- હું તો પાપવૃતિ ભરેલો છું, મલિન વાસનાઓ મને સતાવી રહી છે અને દુષ્ટભાવો મને પીડા આપી રહ્યા છે તો તે માટે પ્રભુની કરૂણા-અગ્નિજ્વાળાનું સ્વરૂપ ધારણ કરે છે અને તે અગ્નિમાં આપણી પાપવૃતિઓ, મલિનવાસનાઓ અને દુષ્ટભાવો બળી રહ્યા છે.
- બળવાની વસ્તુ ખતમ થવાથી અગ્નિ શાંત થઇ રહ્યો છે.
- આપણે પાપથી એકદમ હળવા થઇ ગયા છીએ.
- અને મલિન વાસનાઓ અને દુષ્ટ ભાવો ચાલ્યા ગયા છે.
હવે પછીનાં ભાગમાં આપણે પ્રભુદર્શન વિશે વધું જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶