ભાગ ૨૬: પ્રભુદર્શન કરતી વખતે શું કરવું?
આગળનાં ભાગમાં આપણે ભક્તિના મહત્વના મુદ્દા વિધી વિશે જોયું…
આ ભાગમાં આપણે ભકિતનો ત્રીજો અગત્યનો મુદો પ્રભુદર્શન વિશે જોઇએ…
3A. પ્રભુદર્શન
- સૌપ્રથમ દર્શન એટલે શું?
- દર્શનનો સામાન્ય અર્થ જોવું એવો થાય. પણ અહીં વસ્તુને કેવા રૂપે જોઇએ છીએ તે વિચારવાનું છે.
- એમાં પણ કળાયુક્ત દર્શન એનું નામ કે જે જોવાનું બીજા જીવો કરતા વિશેષતા વાળું હોય.
- એકેન્દ્રિયથી ત્રેઇન્દ્રિય સુધીના જીવોને જોવાની શક્તિ ચક્ષુ દ્રારા નથી પરંતુ બીજી ઇન્દ્રિયો દ્રારા પારખવાની શક્તિ છે. તો તેનું પણ પારખવાનું કાર્ય ચાલું છે. અને ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને ચક્ષુ મળે છે તો ચક્ષુ દ્રારા જોવાનું કાર્ય ચાલું છે.
- પણ એ જોવાની ક્રિયા એવી કરવી કે જેમાંથી આત્મિક લાભનો રોકડો નફો મળે. અને આવું જોયું તે જોઇજાણ્યું ગણાય.
- દેરાસરમાં જઇ પ્રભુનું દર્શન ખુલ્લા નેત્રથી કરવું.
- તે વખતે કાંઈ પણ વિચારવાનું નથી. મનને પણ દર્શનમાં રોકવાનું છે.
- થોડીક મિનિટ અનિમિષ નેત્રે (આંખ પટપટાવ્યા વિના) પ્રભુની સામે જોઇ રહેવું. દર્શન કરવું, માત્ર દર્શન જ કરવું. બીજું કાંઇ નહીં.
- થોડીક ક્ષણમાં મન શાંત થઇ જશે. આનંદનો અનુભવ થશે. જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે વિચાર શાંત હોય છે અને જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે દર્શન બંધ થઇ જાય છે.
-
આ પ્રયોગ ૫ થી ૧૫ મિનિટ સુધી નિયમિત કરવાથી મન શાંત થશે, આનંદ અનુભવાશે, દ્રષ્ટિની શુદ્ધિ થશે.
- પરમાત્માને ઓળખવા માટે રોજ સ્થિરતાપૂર્વક ધારી ધારીને દર્શન કરવા. એમ કરવાથી પરમાત્માની ઓળખ અને આત્મ દર્શન થશે. અદભૂત પ્રેરણા અને પવિત્રતા મળશે.
- મારા આત્માનું અસલી સ્વરૂપ પરમાત્મા જેવું જ છે. એવો વિચાર દર્શન વખતે રોજ કરવો.
- હીરાના વેપારીઓ હીરાની ડબ્બી ખોલીને જુએ છે અને હીરાનું દર્શન કરે છે ત્યારે પહેલી નજરે તે તેની કિંમત ૫૦,૦૦૦ અંદાજે છે જયારે એવી રીતે દિવસો સુધી ૧૦-૧૫ મિનિટ ધારી-ધારીને જોવાથી ધીમે-ધીમે તેમને હીરાની સાચી કિંમત ૫,૦૦,૦૦૦ અંદાજે છે. આ થયો ધારી-ધારી ને કરેલા દર્શનનો પ્રભાવ.
- વીતરાગની પ્રતિમામાં આપણે આપણું પ્રતિબિંબ જોવાનું છે.
- મારા કષાયો કેટલા નબળા પડ્યા?
- મારો રાગ કેટલો ઘટ્યો?
- મારી સ્પૃહા કેટલી ઘટી?
- મારો અહંકાર દૂર થયો કે નહીં? વગેરે વિચારવાનું છે.
હે પ્રભુ! આપની મુખમુદ્રા કેવી શાંત અને મનોહર છે.
જે મુખથી કદી કોઈની નિંદા, ચાડી વગેરે પાપો થયા નથી,
અસભ્ય, બિભત્સ કે વિવેકહીન શબ્દો ઉરચારાયા નથી.
જેમાં રહેલી જીભને કદી રસલાલસાનું પોષણ મળ્યું નથી,
જે મુખમાંથી અનેક ભવ્યાત્માઓને ઉદ્ધાર કરનારી પાંત્રીસ ગુણથી ભરેલી વાણી પ્રગટ થઈ. એથી અનેક જીવોના સંદેહ દૂર થયા…
“ચિત્રં કિમત્ર? યદિ તે ત્રિદશાંગનાભિ
ર્નીતં મનાગપિ મનો ન વિકાર માર્ગમ્
કલ્પાન્તકાલ-મરૂતા ચલિતા-ચલેન
કિં મન્દરાદ્રિ-શિખરં ચલિતં કદાચિત્?”
એટલે કે, “હે પ્રભુ! દેવાંગનાઓએ શૃંગાર વગેરેની ચેષ્ટા વડે તમારા મનને સહેજ પણ વિકાર પમાડ્યો નહીં, તેમાં કંઇ આશ્ચર્ય નથી કારણ કે, જેણે બીજા પર્વતોને કંપાવ્યા છે તે પ્રલયકાલનો પવન શું મેરૂ પર્વતના શિખરને કંપાવી શકે ખરો? નહીં જ!
- રાગ વાળી વ્યક્તિને જોઇએ રાગ થાય છે તો વીતરાગને જોઇને વીતરાગતાનો વિચાર ન આવે?
- રાગીને ધારી-ધારી ને જોઇએ છીએ તો રાગ થાય છે તો વીતરાગને ધારી-ધારી ને જોઇએ તો વૈરાગ્ય જ આવે.
- પૈસાવાળાને જોઇને પૈસાવાળા થવાની ઇચ્છા થાય છે શક્તિશાળી ને જોઇને શક્તિશાળી બનવાની ઇચ્છા જાગે છે. વીતરાગને જોઇને વીતરાગી બનવાની ઇચ્છા નહીં થાય?
- અને ત્યાં જો વીતરાગતા નો વિચાર નહીં આવે તો પછી ક્યાં આવશે? આ સર્વશ્રેષ્ઠ આત્મા છે અને મારો આત્મા કેવો?
હે પ્રભુ! આપનું દર્શન:
ચંદ્રની જેમ પાપના તાપને શમાવે છે.
સૂર્યની જેમ અજ્ઞાનતિમિરને હઠાવે છે;
મેઘની જેમ સંસારના દાવાનલને શાંત કરે છે.
અગ્નિની જેમ કર્મકાષ્ટને બાળીને ભષ્મ કરે છે.
પવનની જેમ કર્મરજ ઉડાડી દે છે.
અરીસાની જેમ આત્મસ્વરૂપને દેખાડે છે,
ઔષધની જેમ કર્મરાગને દૂર કરે છે.
ચક્ષુની જેમ સન્માર્ગ દેખાડે છે.
ચિંતામણી રત્નની જેમ સર્વેઇચ્છિતોને પૂર્ણ કરે છે,
અમૃતની જેમ ભાવરોગનું નિવારણ કરે છે.
જહાજની જેમ ભવસાગરથી પાર ઉતારે છે,
ચંદનની જેમ ગુણ સુવાસને પ્રગટાવે છે.
હવે પછીનાં ભાગમાં આપણે પ્રભુદર્શન વિશે વધું જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶