ભાગ ૩૩: પ્રભુ મોટું ફળ આપવા સમર્થ છે તો તેની પાસે નાના ફળની માંગણી કરવી એ પ્રભુની અવહેલના કરી ન કહેવાય?
ગઇ કાલના ભાગમાં આપણે જોયું હતુ કે ધર્મક્રિયામાં સાતત્ય-નિયમિતત્તા હોવી જ જોઇએ.
આ ભાગમાં આપણે ભકિતનું મહત્વનું અંગ આશય વિશે જોઇએ…
9A. આશય:
-
“આશય” એટલે મનનો અધ્યવસાય, મનનો ભાવ, મનનું વલણ, મનની પરિણતી.
-
ધર્મક્રિયા કરવા પાછળનો આશય-હેતુ શુદ્ધ હોવો જોઇએ અને ગામઠી ભાષામાં એ આશયની ફક્ત “માંયલા” ને જ ખબર પડે એટલે કે પોતા સિવાય કોઇને આશયની ખબર ન પડે.
-
પ્રભુદર્શન કરી પછી નવકારશી કરીશ એવો નિયમ રાખ્યો હોય અને વિચાર આવે કે જલ્દી પ્રભુદર્શન કરી આવું એટલે નવકારશી થાય તો આમાં આહારસંજ્ઞા જોરમાં આવી અને દર્શન તો માત્ર એક સાધન તરીકે થયું, આ દર્શનનો લાભ કેટલો મળે? એના બદલે જો એમ વિચાર કરીએ કે સવાર પડી અને કેવી કુટિલ આહારસંજ્ઞા! લાવ અણાહારી પદ પામેલા પ્રભુના દર્શન કરૂં અને અણહારની પ્રેરણા લઉં અને મનમાં એમ થાય કે હે પ્રભુ! જગતમાં તારાથી વધીને તો શું, પણ તારા સમાન પણ જોવા લાયક ચીજ છે નહીં. બસ આવો ભાવ લઇ પ્રભુના દર્શન કરાય તો ભક્તિભાવ પૂર્વક ગણાય.
-
કોઇ શરીર સ્વાસ્થ્ય માટે મોર્નીંગવોક કરવા નિકળે અને વચ્ચે આવતા દેરાસરના દર્શન પણ કરે અને તેને મન શરીરનું પ્રાધાન્ય વધારે હોય અને પ્રભુનું દર્શન ગૌણ હોય તો આવા આશયથી દર્શન કરનારને ખાસ લાભ ન થાય તેને બદલે જો એવો વિચાર કરે કે પ્રભુ તો મોક્ષે ગયા છે, અશરીરી બની ગયા છે અને હું હજી શરીર લઇને બેઠો છું અને શરીરની ચિંતા કરવી પડે છે, જો હું પણ ધર્મની આરાધના કરૂં તો હું પણ પ્રભુ જેવો અશરીરી બની જાઉં તો આ આશય યોગ્ય ગણાય.
-
ઘણા લોકો દર ચૌદશે ઉપવાસ કરે તેની પાછળ આશય એવો હોય કે ૧૫ દિવસે એક ઉપવાસ કરીએ તો શરીર સારૂ રહે.. તો અહીં સ્વાસ્થય નો આશય થયો કહેવાય નહીં કે ધર્મનો.
-
ઉપધાન અથવા અઠ્ઠાઇ કરે તેને સોનાના ચેનની પ્રભાવના કરવામાં આવશે અને ચેનના આશયથી જ જો તપ કરવામાં આવે તો?
- ક્યારેક ઘરમાં મહેમાન આવે અને કામ ન કરવું પડે તે માટે તે દિવસોમાં જ જાત્રા કરવા ઉપડી જાય તો તે જાત્રાનો હેતુ કેવો?
- પર્યુષણમાં ટીપમાં લખાવવું ન પડે તે માટે પૌષધ લઇ લેવો,
- પૌષધ કર્યો હોય અને પૌષધથી મૂકાઇ ગયેલા ભૌતિક કાર્યો અથવા તો ધંધાના કાર્યો માટે પસ્તાવો થાય. તો પૌષધનો આશય કેવો?
- દર પૂનમે શંખેશ્વર જતા હોઇએ તો તેનો આશય શો?
અનુષ્ઠાન કરતા કરતા એટલે કે ધાર્મિક ક્રિયા કરતા કરતા લાભ થશે એ વાત સાચી તો જ બને જો હૈયામાં સારો આશય હશે.
- નહીં તો એ ક્રિયા કોઇ કાળે નિશ્ચયમાં ન પરિણમે. વીતરાગના દર્શન કરી વીતરાગતા જ લેવાનું કામ કરાય. આમ, આપણે જો દાન કરતા હોઇએ, તપ - ત્યાગ કરતા હોઇએ, પૂજા આદિ ક્રિયાઓ કરતા હોઇએ…એ બધા પાછળ આશય શું છે તે તપાસવું જ પડે.
-
નહીં તો જેને આરોગ્યની ઇચ્છા નથી એને ઔષધનું શું કામ? તેમ જેને આત્મ કલ્યાણની ઇચ્છા નથી તેને ધાર્મિક ક્રિયાથી શું મતલબ?
- પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
“જે જીવ આહારાદિની ઇચ્છાથી, પૂજા-સત્કારની ઇચ્છાથી, રસઋદ્ધિ કે શાતા ગારવની ઇચ્છાથી ક્રિયા કરે તે અધ્યાત્મની વૈરિણી છે.” ૧૨૫ ગાથાના સ્તવનમાં તેઓ કહે છે, “અધ્યાત્મ વિણ જે ક્રિયા તે તનુમલ તોલે રે…”
- આપણે લોકસંજ્ઞાથી બધું કરીએ છીએ. પરંતુ કાર્ય એનું એજ કરવાનું છે પણ આશય ફેરવવાનો છે.
- એક વાર જો આશય ફરી જાય તો કામ થઇ જાય. યશ-કિર્તિ, સારા દેખાવું, વટ પાડી દેવો વગેરે કારણે ક્રિયા ગરબડવાળી બને છે. આવા ભાવો આવે તો પણ જો તે ભાવો ને તોડવાનો પ્રયત્ન ચાલુ રાખીએ તો ચોક્ક્સ લાભ થાય.
- તકલીફનું કારણ સંસારના સુખનો રાગ છે અને આ રાગ-દ્રેષ ભગવાન સિવાય કોઇ દૂર નહીં કરે અને એ માટે જ આપણે ભગવાનને પૂજવાના છે.
-
જો ભગવાન પાસે આપણે સાંસારિક સુખ માંગીએ તો આ તો એના જેવું થયું કે આપણે અમેરીકાના પ્રેસિડન્ટ પાસે ૧૦૦ ગ્રામ ઘંઉનો લોટ માંગીએ અને આ તો ત્રિલોકનાથ! જગતના ટોપ સ્થાને બિરાજમાન…
- આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે
પ્રભુ પાસે સંસારની તુચ્છ ચીજ માંગીને આપણે પ્રભુની આશાતના કરીએ છીએ… જે પ્રભુ મોટું ફળ આપવા સમર્થ છે તેની પાસે નાના ફળની માંગણી કરવી તે પણ તેની અવહેલના કરી કહેવાય…
- ત્રણ લોકના નાથ પાસે તેમના ચરણની સેવા માંગવાની હોય.
શાશ્વત સુખ આપનાર એ ભગવાન પાસે જો આપણે સાંસારિક સુખ માંગીએ તો રત્ન છોડીને કાચ ગ્રહણ કરવા જેવું છે.
હવે પછીના ભાગમાં આપણે આશય વિશે વધુ જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶