ભાગ ૩૨: બહારથી દાન દીધું હોય પણ અંતરમાં દીધા કરતાં વધારે લેવાની લાલસા હોય તો!
ગઇ કાલના ભાગમાં આપણે જોયું હતુ કે છાર ઉપર લીંપણ જેવી ક્રિયા ચાલે તો તેની શું અસર?
આ ભાગમાં આપણે બાહ્ય અને આંતરથી ક્રિયા તેમજ સાતત્યની સાથે ધર્મક્રિયા વિશે જોઇએ…
7. બાહ્ય અને આંતરથી ક્રિયા:
- આંતરિક ક્રિયાથી એટલે કે અંદરના શુભ પરિણામથી અંતરના મદ(અભિમાન) અને અજ્ઞાન ટળે અને એ જે જ્ઞાનયુક્ત ક્રિયા હોય, તેની તો વાત જ અનોખી હોય…
- પણ જેમ બળદ ઘાણીને આંટા માર્યા કરે, પરંતુ ઘાણીની અંદરમાં તલ જ ન નાખ્યાં હોય તો તેલ ક્યાંથી નીકળે? એમ બાહ્ય ધર્મક્રિયા કર્યા કરીએ પણ અંદરમાં આંતરિક એના પરિણામ જ ન ઉભા કરાય તો ફળ શું મળે?
અંદરની ક્રિયા શુભ પરિણતિની:
- બહારથી દાન દીધું હોય પણ અંતરમાં દીધા કરતાં વધારે લેવાની લાલસા હોય તો અંદરની ક્રિયા વગર બાહ્યક્રિયા થઇ ગણાય.
- “નમુત્થુણં” બોલતા હોઇએ પરંતુ સંમૂર્છિમની જેમ કોઇપણ શુભ ચિંતન વગર બોલીએ તો તેનો શું લાભ?
- અભિષેક કરતા હોઇએ પણ કંઇ ચિંતન નહીં, ખરેખર તો પ્રભુને પોતાના હ્રદય સિંહાસને રાજા તરીકે અભિષિક્ત કરવાનું ચિંતન હોય.
- ચંદનથી વિલેપન પૂજાનો મર્મ - ચિંતન ન કરીએ. ખરેખર તો પોતાના આત્મામાં ચંદન જેવી શીતલતા - સુગંધિતા, કષાયોના શમનથી શીતલ સ્વભાવ એ ચિંતન કરવું જોઇએ.
શુભ પરિણામ માટે શું કરવું?:
- આહારાદિ અને ક્રોધાદિ સંજ્ઞાનો નિગ્રહ કરવો.
- દુન્યવી ઇષ્ટ લાગતા વિષયોની ધૃણાનો અભ્યાસ કરવો.
- અહં - ક્રોધ - લોભ વગેરે કષાયો ઉપર અંકુશ રાખવો.
અક્રિય સાધે જે ક્રિયા
- સીમંધર ભગવાનને વિનંતી કરતા શ્રી જ્ઞાનવિમલસૂરી મહારાજે “સૂણ સીમંધર સાહેબાજી!” વાળા સ્તવનમાં કહ્યું,
“અક્રિય સાધે જે ક્રિયાજી,
તે નાવે તિલમાત
મદ અજ્ઞાન ટળે જેહથીજી,
તે નહિ નાણની વાત
કૃપાનિધિ! સુણ મોરી અરદાસ”
એટલે કે જે માણસ ક્રિયા કરે છે પણ અંતરથી અક્રિય રહે છે તો તે ક્રિયાની તલમાત્ર પણ કિંમત નથી. બાહ્યક્રિયા કરીએ તો આત્મા ઉપર એની અસર પડવી જોઇએ. આત્માને ઉન્નત કરનારી હોવી જોઇએ. વીતરાગ પ્રભુના દર્શને ગયા, બે હાથ જોડી, માથુ નમાવી, પ્રભુનું દર્શન કરી રહ્યા છીએ, કોઇ સ્તુતિ બોલી રહ્યા છીએ પરંતુ ચિત્ત બીજા-ત્રીજા વિચારમાં છે, તો તેની આત્મા ઉપર શું અસર પડે?
૮. સાતત્યની સાથે ધર્મક્રિયા:
- એટલે કે ક્રિયા સતત-પ્રતિદિન કરવી જોઇએ તો જ પ્રીતિનો ભાવ રહેશે.
- એવું નહીં કે એક દિવસ ક્રિયા કરી, પછી ૨-૪ દિવસ ન કરી, ફરી ૧-૨ દિવસ કરી અને ૮-૧૦ દિવસ ન કરી…
-
આમ, ધર્મક્રિયામાં સાતત્ય-નિયમિતત્તા હોવી જ જોઇએ.
-
નાના બાળકને જ્યારે નિશાળે મોકલવામાં આવે છે ત્યારે તે રડે છે છતાં પણ આપણે પરાણે તેને નિશાળે મોકલીએ છીએ. ધીમે ધીમે તેને નિશાળનું મમત્વ વધી જાય છે નિશાળે સમયસર પહોંચી જાય છે… એ ક્રિયાના સતત અભ્યાસનો પ્રભાવ છે…
- જો સતત ધાર્મિક ક્રિયા નહીં કરીએ તો આળસ પ્રવેશી જશે અને ક્રિયા ધીરે ધીરે બંધ પણ થઇ જાય. ખરેખર તો જે દિવસે ક્રિયા ન થઇ હોય તો તેનું પ્રાયશ્ચિત લેવું જોઇએ.
હવે પછીના ભાગમાં આપણે ભક્તિનું અગત્યનું અંગ આશય વિશે જાણીશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶