🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૪૭: પ૦૦-૫૦૦ શિષ્યોને તારનારા, કેવળજ્ઞાનની ભેટ આપનારા સ્કંધકાચાર્ય સ્વયં ડૂબી ગયા !

૨૦D.અહોભાવપૂર્વક દર્શન કઇ રીતે કર​વા?


આપણે ગઇ કાલના ભાગમાં જોયું કે પાલકે ગર્જના કરતા બધા મુનિઓને કહ્યું કે ઘાણીમાં તમારે તલની જેમ પીસાઇ જ​વાનું છે… અને બધા મુનિઓ લાઇનસર ઉભા રહી ગયા…

હ​વે આપણે આગળ જોઇએ કે પાલક શું કરે છે….

 • પાલક એક પછી એક મુનિને પકડીને ઘાણીમાં નાખ્યે જતો હતો… તેમનું શરીર પીલાતું હતું… લોહી અને માંસના ફુવારાઓ ઉછળતા હતા…ભલભલાની છાતી ધ્રુજી ઉઠે એવા દ્રશ્યો હતા…
 • પણ ! પાલકની છાતીને કાંઇ જ થતું ન્હોતું ! જાણે કે એ વજ્ર​ની બનેલી હતી.
 • સ્કંધકાચાર્યના એકેએક શિષ્ય જીવલેણ ઉપસર્ગની સામે ટટાર ઉભા હતા, જીવનની છેલ્લી ઘડીને ધન્ય બનવાનો આ જ સુઅવસર છે - એમ માનીને સ્વસ્થ હતા.
 • આજે સ્કંધકાચાર્યને લાગ્યું : વર્ષોથી જે સ્કંધકાચાર્યએ શિષ્યોને તૈયાર કર્યા એ સાર્થક બન્યું હતું !
 • સ્કંધકાચાર્યની મહેનત લેખે લાગી હતી. - પેલો પાલક એકેક મુનિને પકડીને ઘાણીમાં નાખતો જતો હતો ને મૃત્યુના ખપ્પરમાં હોમાઇ જતા શિષ્યોને જોઇ સ્કંધકાચાર્યના હૃદયમાં ઝાટકા લાગતા હતા, હૃદય ફાટી જતું હતું, પણ બધું જ દુઃખ, બધી જ લાગણીઓ મનમાં ધરબી દઈને ઉપદેશ આપવા લાગ્યા

ઓ મુનિવર ! ખૂબ જ સમતામાં રહેજો. સમાધિમાં રહેજો. સમાધિ માટેનો આ સુંદર અવસર છે, જનમ-જનમમાં આપણે અસમાધિથી મર્યા છીએ. એટલે જ આપણો સંસાર અકબંધ રહ્યો છે. એકવાર પણ સમાધિભર્યું મૃત્યુ મળ્યું હોત તો આ સંસાર ક્યારનોય કપાઇ ગયો હોત ! તમને પીલનાર આ પાલક પર જરાય ગુસ્સો નહિ કરતા. એ તો આપણા બધાનો પરમ ઉપકારી છે, કર્મક્ષયમાં સહાય કરનારો છે. મહાત્મન્! શરીર પર જરાય મમત્વ કરશો નહિ. આ શરીર તો કપડું છે. કપડાને પહેરનાર આત્મા જુદો છે. કપડું ફાટી જાય તો આપણે થોડા ફાટીએ છીએ ? આ શરીર તો મકાન છે. મકાનથી મકાન-માલિક જુદો છે. ભાગ્યવાન ! દેહ અને શરીરના ભેદજ્ઞાનનો આ અણમોલ અવસર છે. તમે જુઓ… બરાબર તટસ્થતાથી જુઓ… તમારું શરીર પીલાઇ રહ્યું છે, પીસાઇ રહ્યું છે, પણ તમે અમર છો… તમને કોઇ પીસી શકે નહિ, પીલી શકે નહિ, આ દુનિયામાં કોઇ એવું શસ્ત્ર નથી જે તમને હણી શકે, કોઇ એવી આગ નથી જે બાળી શકે, કોઇ એવો પવન નથી જે શોષી શકે. તમે અજર છો અમર છો…

દેહ વિનાશી હું અવિનાશી અપની ગતિ પકડેંગે
નાસી જાસી હમ થિરવાસી, ચોખે હવે નિખરેંગે,
અબ હમ અમર ભયે ન મરેંગે !

આ દૃષ્ટિ રાખશો તો સાચે જ તમે અમર બની જશો.

 • આ ઉપદેશની સૌને જોરદાર અસર થઇ. બધા સમતામાં રહ્યા. કોઈ પણ સાધુએ ઊફ… સુદ્ધા કર્યું નહિ. મુખ પર એટલી અપાર સમતા જણાતી હતી કે જોનારને લાગે : સાચે જ આ સાધુઓ પામી ગયા.
 • સ્કંધકાચાર્ય છધ્મસ્થ​ હોવાથી, મુનિઓની આંતરિક પરિસ્થિતિ શું છે તે જાણી શકતા નહોતા, પણ હૃદયથી એમ લાગતું હતું ઃ દરેક મહાત્મા કેવળજ્ઞાન મેળવી મોક્ષે પધારી રહ્યા છે.
 • આમ કરતા કરતા ૪૯૯ મુનિઓ પીલાઇ ગયા… લોહીની ધારા ચાલી રહી હતી.. જાણે લોહીની નદી જ જોઇ લો !
 • બાજુમાં હાડકાઓનો ઢગલો થયો હતો ! હવે એક માત્ર લાડકા બાલ મુનિ શિષ્ય બાકી રહ્યા હતા. એ સ્કંધકાચાર્યને ખૂબ જ પ્યારા હતા. સ્કંધકાચાર્ય એનું મૃત્યુ જોઈ શકે તેમ ન હતા. આથી સ્કંધકાચાર્યએ પાલકને કહ્યું :

પાલક ! આ સુકુમાર બાળ મુનિનું મરણ મારાથી નહિ જોવાય. આથી એમ કરો : પહેલાં મને પીલી નાખો… પછી બાળ મુનિ ! અત્યાર સુધી હું કાંઈ બોલ્યો નથી, પણ મારી માત્ર આટલી જ વિનંતી છે.

 • પાલક​: એમ ? તમને વધુ દુઃખ થાય છે ? મારે તમને વધુ દુઃખી જ કરવા છે ! અત્યાર સુધી હું ચિંતામાં હતો ઃ તમે દુઃખી કેમ નથી થતા ? તમે જો દુઃખી ન થાવ તો મારો આ બધો પ્રયત્ન જ વ્યર્થ હતો. તમને વધુ દુઃખ થતું હોય તો તો હું હમણાં જ બાળ મુનિને ઘાણીમાં નાખું.

 • અટ્ટહાસ્ય વેરતા પાલકે બાળ મુનિને ઘાણીમાં નાખ્યા.
 • અંદરથી સ્કંધકાચાર્ય સમસમી ઊઠયા, છતાં બધો ધૂંધવાટ અંદર દબાવીને સ્કંધકાચાર્ય બાળ મુનિને અંતિમ નિર્યામણા કરાવી. એ સમાધિપૂર્વક કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા.

 • હવે સ્કંધકાચાર્યનો નંબર હતો. અત્યાર સુધી દબાવેલી ક્રોધની લાગણીઓ એકદમ ઊછળી પડી

હરામખોર પાલક મારા પ00-પ00 શિષ્યોને ક્રૂરતાપૂર્વક​ પીલી નાખનાર બદમાશ! મરતા માણસની ઇચ્છા તો કટ્ટર શત્રુ પણ પૂરી કરે… મારી નાનકડી ઇચ્છા, બાળ મુનિને પછીથી પીલવાની ઇચ્છા પણ એણે પૂરી ન કરી ! હવે સ્કંધકાચાર્ય વિચારે છે, અમે એનું એટલું શું બગાડ્યું છે કે અમને આવી દેહાંતની શિક્ષા ! ના… માત્ર પાલક જ પાપી નથી, અહીંનો રાજા પણ પાપી છે. એનો પણ આમાં હાથ હોવો જ જોઇએ. અરે… નગરની પ્રજા પણ કેવી છે ? જ્યાં ૫૦૦-૫૦૦ સાધુઓની કતલ થતી હોય ત્યાં કોઇનું રૂંવાડુંય ન ફરકે ? બધા જ નઠોર અને કઠોર?

 • સ્કંધકાચાર્ય મનમાં વિચારે છે કે મારી સંયમ-સાધનાનો કોઇ પ્રભાવ હોય તો હું આગામી ભવમાં બધાને બાળનારો બનું! આવા નિયાણા સાથે સ્કંધકાચાર્યનું મૃત્યુ થયું ! મરીને તે ભવનપતિમાં અગ્નિકુમાર દેવ થયા. અવધિજ્ઞાનથી તેણે પૂર્વભવનું વૃત્તાંત જાણ્યું કે તેમની બેન પુરંદરયશા લોહીથી ખરડાયેલા રજોહરણ પરથી હીચકારું મૃત્યુ જાણીને ખૂબ જ આઘાત પામી. રાજાને સખત શબ્દોમાં ઠપકો આપી વિરક્ત પુરંદરયશાએ ભગવાનશ્રી મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લઇ લીધી.

 • જ્ઞાનથી પૂર્વજન્મની ઘટના જાણી અંગ-અંગમાં ક્રોધની ઝાળ લાગી ગઇ ! ક્ષણવારમાં તેમણે આખું નગર બાળી નાખ્યું. ઉપરથી ધૂળનો વરસાદ કર્યો. આખું નગર દટાઇ ગયું. એ વેરાન મેદાનનું લોકોએ નામ પાડ્યું : “દંડકારણ્ય!”

 • પ૦૦-૫૦૦ શિષ્યોને તારનારા, કેવળજ્ઞાનની ભેટ આપનારા સ્કંધકાચાર્ય સ્વયં ડૂબી ગયા ! છેલ્લે… થોડુંક જ ચૂક્યા અને નાવ કિનારે આવીને ડૂબી ગઇ! હાથી પૂંછડે અટકી ગયો!

 • આ થયું સ્કંધકાચાર્યનું અવ્યગ્રપણુ ન રહેવાનું પરિણામ​!!

 • આમ​, ૫૦૦ શિષ્ય અવ્યગ્ર થઇને મોક્ષનગરે સિધાયા જ્યારે પ૦૦-૫૦૦ શિષ્યોને તારનાર સ્કંધકાચાર્ય વ્યગ્ર થઇને સ્વયં ડૂબી ગયા…

અહોભાવપૂર્વક દર્શન કર​વા માટે એકાગ્રતા, ગદગદતા અને અવ્યગ્રતા જરૂરી છે. પરંતુ તે કેવી રીતે લાવવા? એ આપણે હ​વે પછીના ભાગમાં જોઇએ…
શેર કર​વા નીચે ક્લિક કરો