ભાગ ૪૫: સાધકને વળી મૃત્યુનો ભય કેવો ? એ તો મોતને મૂઠીમાં લઇને ફરે મોતથી ડરનારો લડવૈયો ન બની શકે ને સાધક પણ ન બની શકે.
૨૦B.અહોભાવપૂર્વક દર્શન કઇ રીતે કરવા?
ગઇ કાલનાં ભાગમાં આપણે
- એકાગ્રતા અને (સુદર્શના રાજપુત્રી દ્રષ્ટાંત)
- ગદગદતા વિશે જોઇ ગયા (શાલીભદ્ર દ્રષ્ટાંત)
આ ભાગમાં આપણે અવ્યગ્રતા વિશે જોઇએ..
- અવ્યગ્રતા - દેવદર્શન કે અન્ય કોઇ પણ ધાર્મિક ક્રિયામાં અવ્યગ્રતા લાવવી જોઇએ.. એટલે કે આપણું મન વ્યગ્ર ન થવું જોઇએ… જો સાધના વખતે દુન્યવી બાબતના હર્ષ-શોક થતા હોય, ખાવા પીવાની બાબતમાં અથવા તો વેપાર-ધંધાની બાબતમાં કે અન્ય કોઇ પણ બાબતોમાં જો મન વ્યગ્ર થાય તો સાધનાનો રંગ બગાડી નાખશે…
આપણે અવ્યગ્રતા વિશે એક દ્રષ્ટાંત જોઇએ…
સ્કંધકાચાર્ય દ્રષ્ટાંત
સ્કંધકાચાર્ય ભગવાન શ્રીમુનિસુવ્રત સ્વામિને પુછે છે..
“પ્રભુ ! હું મારા સંસારી બહેન-બનેવીને પ્રતિબોધ આપવા જાઉં?”
-
ભગવાન: તને અને તારા સર્વ શિષ્યોને મારણાન્તિક ઉપસર્ગ થવાનો છે.
-
સ્કંધકાચાર્ય: કૃપાળુ ! ઉપસર્ગથી તો અમે જરાય જ ડરતા નથી. દીક્ષાના દિવસથી જ આપે અમારામાંથી મૃત્યુનો ભય ખેંચી લીધો છે. સાધકને વળી મૃત્યુનો ભય કેવો ? એ તો મોતને મૂઠીમાં લઇને ફરે. મોતથી ડરનારો લડવૈયો ન બની શકે ને સાધક પણ ન બની શકે. આપની આવી વાણી આજે પણ અમારા કાનમાં ગુંજી રહી છે. એટલે જીવલેણ ઉપસર્ગથી તો અમે જરાય ડરતા નથી. પણ કૃપા કરીને અમને એ જણાવો : અમે તે સમયે આરાધક થઇશું કે વિરાધક ? મૃત્યુનો જરાય ડર નથી, પણ વિરાધનાનો ખૂબ જ ડર છે.
-
ભગવાન: તમારા સિવાય તમારા બધા જ શિષ્યો આરાધક બનશે.
-
હવે સ્કંધકાચાર્ય વિચારે છે: હું ભલે વિરાધક બનું, પણ મારા ૫૦૦ શિષ્યો તો આરાધક બનશે ને ? ક્રોડ રૂપિયા મળતા હોય તો એકાદ રૂપિયો ગુમાવવામાં ખોટું શું છે ? હું એક ભલે વિરાધક થાઉં. મારા શિષ્યો આરોધક બને એટલે પત્યું ! બીજાનું ભલું થાય તે જ મોટી વાત !
અને સ્કંધકાચાર્ય વળતા જ દિવસે શિષ્યો સાથે ચાલી નીકળે છે… અને તેમના સંસારી બહેન પુરંદરયશાના કુંભકારકટ નામના નગરમાં..
-
કુંભકારકટ નગરમાં જતા પહેલાં તેઓ બહારના ઉદ્યાનમાં રોકાય છે… એમના આગમનથી નગરમાં સર્વત્ર આનંદ-આનંદ છવાઇ ગયો હતો.. પણ એક વ્યક્તિને આનંદ નહોતો. એનું નામ હતું પાલક. રાજાનો એ મંત્રી હતો.
- ગૃહસ્થપણામાં સ્કંધકાચાર્યએ પાલકને રાજસભામાં હરાવ્યો હતો. એ કટ્ટર નાસ્તિક હતો, સ્કંધકાચાર્ય કટ્ટર આસ્તિક હતા. એણે જ્યારે આત્મા, પુણ્ય પાપ વગેરેનું આડેધડ ખંડન કરવા માંડેલું ત્યારે સ્કંધકાચાર્યથી રહેવાયું નહિ. સાચો આસ્તિક શી રીતે ચૂપ બેસી શકે ?
- સ્કંધકાચાર્યએ તેના નાસ્તિકવાદનો જડબાતોડ જવાબ આપ્યો. આથી તેની બોબડી તો બંધ થઇ ગઇ… પણ મનોમન તે સમસમી રહ્યો… એના મનમાં વૈરની ગાંઠ બંધાઈ ગઇ. સભામાં થયેલું અપમાન (ખરેખર એ અપમાન ન્હોતું. પણ એણે અપમાન માની લીધેલું. એટલે જ આવા લોકો સાથે વાદ કરવાની જ્ઞાનીઓએ ના પાડી છે.) આજે પણ એ ભૂલ્યો નહોતો.
-
આથી જ કોઈ ષડયંત્ર રચી સ્કંધકાચાર્યને ફસાવી દઈ એ ભયંકર શિક્ષા આપવા માંગતો હતો. આમ કરે તો જ એના વેરની આગ શમે તેમ હતી.
- જો કે આ વાતની સ્કંધકાચાર્યને ત્યારે જરાય ખબર નહોતી.
-
પાલકના મનમાં આટલો ડંખ હજુ રહેલો છે ને તે આવો બદલો લેશે તેની કોઇ જ ખબર સ્કંધકાચાર્યને ન્હોતી. આ બધી વાતની તો બહુ પાછળથી સ્કંધકાચાર્યને ખબર પડેલી.
- ષડયંત્રના પ્રથમ ભાગરૂપે પાલકે પોતાના માણસો સાથે રાત્રે આવીને તેણે સ્કંધકાચાર્ય જ્યાં ઊતર્યા હતા તે ઉદ્યાનમાં ઠેર-ઠેર શસ્ત્રો દટાવ્યા. પછી રાજા પાસે જઇ કાન ભંભેરણી શરૂ કરી દીધી
હવે વધુ આગળના ભાગમાં જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶