🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૯: અંજલિ અને પ્રણિધાન અભિગમ

આગળના ભાગ ૮ માં આપણે ઉત્તરાસણ અભિગમ વિશે જોયુ, હવે આ ભાગમાં બાકીના અભિગમો વિશે જોઇએ…

આગળના ભાગોમાં આપણે ૫ માંથી ૩ અભિગમ જોયા. હવે આ ભાગમાં બાકીના અભિગમો વિશે જોઇએ…

૪. અંજલિ

 • દેરાસરમાં પ્ર​વેશ કરતા જ્યારે સૌપ્રથમ પરમાત્માનું મુખ દેખાય ત્યારે બંન્ને હાથની આંગળીઓને એકબીજા વચ્ચે ભેળ​વી બે હાથ જોડી કપાળે લગાડી મસ્તક નમાવીને નમો જિણાણં બોલ​વું એ ચોથા પ્રકારનો વિનય - અંજલિ છે.
 • પરમાત્માના પાવન દર્શન થતાની સાથે જ તન અને મન નાચી ઉઠે, શરીરનાં સાડા ત્રણ કરોડ રોમ ખડા થઇ ગયા હોય, અહોભાવથી મસ્તક નમી ગયુ હોય અને નમો જિણાણં શબ્દો નીકળે. હે જિનેશ્વર​! તમને મારા કોટિ કોટિ પ્રણામ.

નમો જિણાણં એટલે શું?

 • નમો: હું તમને નમસ્કાર કરું છું.
 • જિણાણં: જિન + આણં
  • જિન એટલે પોતાના રાગ-દ્વેષાદિને જે જીતી ચુકેલા હોય તેને જિન કહેવાય​.
  • આણં એટલે આવકાર આપવો, સ્વીકારવું
 • એટલે કે, હું તમને જિનેશ્વર દેવ તરીકે, પરમાત્મા તરીકે સ્વીકારું છું, માનું છું, પૂજુ છું અને મારા હ્રદયમાં તમને ખુબ જ મહત્વનું સ્થાન આપુ છું. “જિનેન્દ્ર ભગ​વંતને હું નમુ છું.”

 • અનાદિકાળથી જ અહીં કોઇ જિન હોતું નથી. આપણી માફક કર્મનું અને દોષોનું વળગણ ભગવાનને પણ હતું. પ્રબળ પુરૂષાર્થથી તેને હણીને તેઓ જિન થયા છે. તે રીતે અન્ય પણ બની શકે છે. તેઓ આશાવાદ પ્રગટાવતું આ પદ છે.

અંજલિબદ્ધ પ્રણામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

 • બે હાથ ઉંચા કરી કપાળે લગાડવાની વિધિ માત્ર પુરૂષો માટે જ છે.
 • બહેનોએ જોડેલા હાથ ઉંચા કર્યા વિના હ્રદય પાસે રાખીને મસ્તક નમાવીને નમો જિણાણં બોલવું.
 • જો બંન્ને હાથ પૂજન સામગ્રી ઉપાડવામાં રોકાયેલા હોય ત્યારે યથાશક્ય હાથ જોડવા પ્રયત્ન કર​વો અને મસ્તક નમાવીને નમો જિણાણં તો જરૂર બોલ​વું જ.
 • દરવાજેથી પ્રભુને નમ્યા વિના તો ક્યારેય પ્રવેશ કરવો જ નહીં. પહેલાના કાળમાં દેરાસરના દરવાજા નાના રાખવામાં આવતા કે જેથી નમ્યા વગર પ્રવેશ જ ન કરી શકાય.
 • અંજલિ કરતા જેમ નમો જિણાણં બોલાય છે તેમ કેટલાક ગ્રંથોમાં નમો ભુવનબંધવે એમ પણ બોલવાનો ઉલ્લેખ છે.

૫. પ્રણિધાન

 • પ્ર ‌: પ્રકર્ષતાથી અથવા ઉત્કૃષ્ટ રીતે
 • ણિ: નિશ્ચયપૂર્વક નિશ્ચલતાથી
 • ધાન: સ્થાપન કરવું.

 • આમ, પ્રણિધાન એટલે આત્માને મન, વચન અને કાયાથી પરમાત્માની ભક્તિમાં જ તન્મય રાખવો.

 • પ્રણિધાન એટલે મનની એકાકારતા. આધિ, વ્યાધિ અને ઉપાધિઓથી ઉભરાતા સંસારમાંથી બહાર નીકળીને પ્રભુ પાસે આવ્યા તો હવે આપણા માટે પ્રભુથી અધિક કંઇ જ નથી.
 • જો આપણે આખી દુનિયાને ભૂલી જઇએ અને માત્ર પરમાત્માને યાદ રાખીએ તો તેને શુભ પ્રણિધાન કહે છે.

આગલા ૪ અભિગમ કાયાને કંટ્રોલમાં રાખવા માટે છે અને આ અભિગમ મન ‌- વચનને કંટ્રોલમાં રાખવા માટે છે

 • પરમાત્માની ભક્તિ કરવા માટે જ્યારથી દેરાસરમાં પ્રવેશ કરીએ ત્યારથી માંડીને જ્યાં સુધી દેરાસરની બહાર ન નીકળીએ ત્યાં સુધી મન માત્ર પરમાત્માની ભક્તિમાં જ લીન​ રહેવું જોઇએ.

મન તો અતિચંચળ છે તો એને લીન​ કઇ રીતે બનાવવું?

 • મન ચંચળ ક્યાં છે કે જ્યાં એને રસ નથી અને જ્યાં એને રસ છે ત્યાં એ અચૂક લીન​ બની શકે છે.
 • લીન​તા ત્યાં પ્રગટી જાય છે કે જ્યાં લાભ અને ફાયદો જણાય જાય. લાભનું અનુમાન જ્યાં લાગી જાય ત્યાં આપોઆપ લીન​તા આવી જાય. પછી ગમે

તેવું કઠીન કાર્ય સામે આવે તો પણ મન લીન બની શકે છે. જેમ કે:

 • ધનથી ફાયદો સમજી લીધો છે તો ત્યાં રસ જાગી ગયો છે અને ગમે ત્યારે પણ નોટો ગણતી વખતે મન એની મેળે એકાગ્ર બની જાય છે.
 • પરિવારથી ફાયદો જણાયો છે તો ત્યાં રસ જાગી ગયો છે અને તેના કામમાં મન એકાગ્ર બને છે.

આ જ વાત લાગુ પડે છે પરમાત્મા દર્શન-પૂજા માટે.

 • દેવાધિદેવ પરમાત્માની પૂજા અનંતકાળથી ખોવાયેલા આત્માના વાસ્તવિક સ્વરૂપની દેન કરનારી છે.
 • આ વાત બરાબર સમજાય જાય​ પછી પૂજાની વિધિમાં નિરસતા નહીં દેખાય બલ્કે ઉત્સાહ વર્તાશે અને મન લીન​ બની જશે.

 • આમ​, આપણે પરમાત્માના દર્શન કરવા જતી વખતે આ ૫ અભિગમોનો વિનયપૂર્વક પાલન કરીને જ જ​વું જોઇએ.

હ​વે પછીના ભાગમાં ધજા વિશે જોઇશું…
શેર કર​વા નીચે ક્લિક કરો