🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૭૧: અઈમુત્તા તારે રમ​વું જ હતું તો સાધુ શા માટે થયો?

આગળનાં ભાગમાં આપણે જોયું કે અઈમુત્તાએ માતાજીને કહ્યું કે,

હું જાણું છું છતાં જાણતો નથી. હું નથી જાણતો છતાં જાણું છું.

અને આખરે ઘણી આનાકાનીના અંતે અઈમુત્તાની માતાએ અઈમુત્તાને દીક્ષા માટે રજા આપી.

આ ભાગમાં આપણે અઈમુત્તા મુનિનું દ્રષ્ટાંત આગળ જોઇએ…

પરદોષ


અઈમુત્તા ગૌતમ સ્વામી સાથે સમવસરણ આવી પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી.

 • ધામધુમથી અઈમુત્તાની દીક્ષા થઈ, ભગવાન શ્રી મહાવીરસ્વામીએ અઈમુત્તાને ઓઘો આપેલો ત્યારે નાચી ઊઠેલો.
 • અમુલો ઓઘો મળતાં કોણ ન નાચે ?
 • ભગવાને અઈમુત્તાનું ઘડતર કરવા સ્થવિર સાધુઓને ત્યાં મૂક્યો.
 • વૃદ્ધોની પાસે શિક્ષાથી અઈમુત્તા આત્માનું ઘડતર કરવા લાગ્યો.

એક વખત ચોમાસાના સમયે અઈમુત્તા એક વૃદ્ધ સાધુની સાથે સ્થંડિલ ભૂમિએ ગયો.

 • અઈમુત્તા કામ પતાવીને વૃદ્ધ સાધુની રાહ જોતો રસ્તા પર ઉભો રહ્યો ત્યારે તેની નજર પ્રાકૃતિક સૌંદર્ય પર મંડાઇ.
 • આકાશ વાદળાંઓથી ઘેરાયેલું હતું, મોરલાઓ ટહુકી રહ્યા હતા, ધરતી પર લીલી-લીલી કૂંપળ ફૂટી હતી, ઠેર-ઠેર પાણીના ખાબોચિયાં ભરાયેલા હતા.
 • અઈમુત્તા પાસે જ એક પાણીનું ખાબોચિયું હતું.
 • ત્યાં બાળકો રમી રહ્યા હતા.
 • અઈમુત્તાની ઉંમરના જ એ બાળકો હતા.
 • પાંદડાની હોડી બનાવી ખાબોચીયામાં તરાવી રહ્યા હતા.

આ જોઇને અઈમુત્તાને પણ રમવાની વૃત્તિ સતેજ થઇ ઊઠી.

 • આખરે આત્મા નિમિત્તવાસી છે.
 • જેવું નિમિત્ત મળે તેવો બની જતો હોય છે.
 • બાળકોને રમતા જોઇ અઈમુત્તા પણ રમવા તૈયાર થયો. આખરે તો અઈમુત્તા બાળક જ હતો ને?
 • બાળ સહજવૃત્તિ તેના માટે સ્વાભાવિક હતી.
 • અઈમુત્તા પેલા બાળકો ની ટોળીમાં ઘુસી ગયો.
 • અઈમુત્તાને જોઇને એ લોકો રાજી થયા. સાધુ મહારાજ જેવા દોસ્ત મળે પછી રાજી કોણ ન થાય?

એક છોકરાએ અઈમુત્તાને કહ્યું કે,

મહારાજ ! અમારી હોડીઓ આ પાણીમાં તરે છે, તમારી હોડી ક્યાં?

 • બાળમુનિ પણ ક્યાં કમ હતા?

 • બાળમુનિએ તરત જ તર૫ણી પર રહેલી કાચલી (નાનકડું કાષ્ઠપાત્ર) કાઢી એ ખાબોચીયા પર તરતી મૂકી

અને બાળમુનિ ગાવા લાગ્યા,

નાનકડી તળાવડી ને નાનકડી નાવડી

 • બાળમુનિ સાથે બધા છોકરાઓ પણ ગાવા મંડી પડ્યા.
 • એમની રમત સોળે કળાએ ખીલી ઊઠી.

 • પણ અચાનક જ રંગમાં ભંગ પડ્યો.

અલ્યા અઈમુત્તા !
આ શું માંડ્યું છે?
સાધુ થ​ઈને આવું કરાય ?
ચાલ - છોડ રમત​, ચાલ, મારી સાથે.

દુરથી અવાજ સંભળાયો, કોનો હતો આ અવાજ? જે વૃદ્ધ સાધુની સાથે બાળમુનિ બહિર્ભૂમિએ આવેલા હતા તે સાધુ કામ પતાવીને આવી ગયા હતા અને બાળમુનિને બોલાવી રહ્યા હતા.

 • તેમનો સખત અવાજ અને કરડાકી ભર્યો ચહેરો જોઇ બાળમુનિ ધ્રુજી ઉઠ્યા.

વૃદ્ધ સાધુએ કહ્યું,

મુર્ખના જામ​ !
સાધુ થઇ ને આ શી રમત માંડી છે?
રમ​વું જ હતું તો સાધુ શા માટે થયો?
પ્રભુએ પાણીના સુક્ષ્મ ટીપે-ટીપે અસંખ્ય જીવો કહ્યા છે. જ્યાં પાણી ત્યાં વનસ્પતિ, નિગોદ​, એમાં અનંતાજીવ​ !
વળી અળગણ જળમાં હજારો પોરાં ત્રસ જીવો, આ બધાની હિંસા થાય એવી આ રમત તું સાધુ, તારાથી કરાય​?
કાચા પાણીને આપણાથી અડાય પણ નહીં, અને તે તેના ઉપર કાચલીને તરાવી?

બાળમાં અને મોટી ઉંમર​વાળામાં શું ફરક​?

 • બાળમુનિ, બાળ એટલે કોઇ સાવધાન કરે ત્યાં ઝટ પોતાની ભૂલ જોનારા, તમે શિખામણ આપનારા કેવા છો એવું નહીં વિચારનારા.

મોટાને સ્વદોષ જોવાનું મુશ્કેલ અને પરદોષ દર્શન સહેલું.

 • શિખામણ મળ​વા પર સામાની ખામી તરફ દ્રષ્ટિ જાય. માટે જ વડિલો આગળ અને ગુરૂ આગળ બાળ જેવા થઇને રહેવું જોઇએ.
 • એમના તરફથી આપણી ભૂલ અંગે શિખામણ મળતા ઝટ સ્વ તરફ દ્રષ્ટિ જાય પણ એમની ખામી તરફ નહીં.

હ​વે પછીનાં ભાગમાં આપણે જોઇએ કે અઈમુત્તા મુનિ કેવળી કઇ રીતે બને છે…
શેર કર​વા નીચે ક્લિક કરો