ભાગ ૫૫: વાત છે વિશ્વનો સમ્રાટ બનવા માંગતો ભરત અને બાહુબલીના યુધ્ધની, વાત છે અભિમાન અને અહંકારની...
આગળના ભાગમાં આપણે અહંકાર વિશે જોઇ રહ્યા હતા…
૨૨B. અહંકાર
- ઋષભદેવને સુમંગલા અને સુનંદા નામે બે રાણી હતી.
- સુમંગલાથી ૯૯ પુત્રો થયા હતા. જેમાં ભરત સૌથી મોટો અને સુવિખ્યાત હતો તથા બ્રાહ્મી નામે એક દીકરી હતી.
- સુનંદાને બાહુબલી નામે એક દીકરો અને સુંદરી નામે એક દીકરી હતી.
- ભરત મહાન યોદ્ધો અને કુશળ રાજકારણી બન્યો.
- બાહુબલી ઊંચો મજબૂત બાંધાનો સંસ્કારી યુવક હતો. બાહુ એટલે બાવડા અને બલી એટલે તાકાતવાન. જેના બાવડામાં ખૂબ જ તાકાત છે તે બાહુબલી.
- બ્રાહ્મી - સાહિત્યિક કળામાં ખૂબ જ પ્રવીણ હતી. તેણે બ્રાહ્મી નામની લિપિ પ્રચલિત કરી હતી.
-
સુંદરી ગણિત વિદ્યામાં કાબેલ હતી.
- ભગવાન ઋષભદેવ સર્વજ્ઞ બન્યા એટલે બંને દીકરીએ પણ સંસારનો ત્યાગ કરી તેમની શિષ્યા થઈ ગઈ.
રાજા તરીકે ઋષભદેવના માથે વિશાળ રાજયની જવાબદારી હતી.
-
સર્વજ્ઞ થયા પછી વિનિતા શહેર જે પછીથી અયોધ્યા તરીકે ઓળખાતું તે ભરતને આપ્યું અને તક્ષશિલા બાહુબલીને આપ્યું. બાકીના દીકરાઓને વિશાળ રાજ્યના જુદા જુદા ભાગો આપ્યા.
-
ભરત ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતો. તે આખા વિશ્વનો સમ્રાટ બનવા માંગતો હતો. આ હેતુથી તેણે સુદઢ સૈન્ય વિકસાવ્યું અને યુદ્ધ માટેના આધુનિક સાધનો વિકસાવ્યા, તેની પાસે ચક્રરત્ન નામનું અલૌકિક સાધન હતું જે કદાપિ નિશાન ચૂકતું નહિ. કોઈની પાસે તેના જેવું કસાયેલું સૈન્ય ન હોવાથી તેણે એક પછી એક વિનિતાની આજુબાજુના રાજ્યો સહેલાઈથી જીતી લીધા. તેના ૯૮ ભાઈઓને પોતાનું આધિપત્ય સ્વીકારવા સમજાવ્યા તેઓ ભગવાન ઋષભદેવ પાસે શું કરવું તેની સલાહ માટે મળ્યા.
-
ભગવાને સમજાવ્યું કે
બહારના દુશ્મનોને જીતવાનો કોઇ અર્થ નથી, ખરી જીત તો અંદરના દુશ્મનો ઉપર મેળવવાની છે. સાચું સામ્રાજય મુક્તિમાં છે તેમ સમજાવ્યું.
-
ભાઈ સાથેના યુદ્ધની નિરર્થકતા તેઓને સમજાઈ ગઈ, અને પોતાના તમામ રાજયો ભરતને સુપ્રત કરી દીધા. રાજપાટ તેમજ સંસાર છોડીને તેઓ ભગવાન ઋષભદેવના શિષ્ય બની ગયા.
-
હવે એકલા બાહુબલીને જ જીતવાનો બાકી હતો. તે કોઈપણ સંજોગોમાં તાબે થવા તૈયાર ન હતો. પિતા તરફથી મળેલું રાજ્ય યોગ્ય રીતે ચલાવવા તેના આગવા દૃષ્ટિકોણ હતા. તેનામાં દુશ્મનો સામે લડવાની તાકાત અને શક્તિ હતાં. તેથી જયારે ભરત તરફથી આશ્રિત રાજવી તરીકે રહેવાનું કહેણ આવ્યું તો તે ન સ્વીકારતા યુદ્ધ કરવાની તૈયારી કરી, બંને ભાઈઓ તાકાતવાન હતા, તેથી યુદ્ધ લાંબુ ચાલશે અને મોટા પાયે લોહી રેડાશે તેવી આશંકાથી બંને પક્ષના સલાહકારોએ આ મહાન સંગ્રામ અટકાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ બે માંથી કોઈ પીછેહઠ કરવા તૈયાર ન હતા.
-
છેલ્લા પ્રયત્ન રૂપે તેમના સલાહકારોએ સુચવ્યું કે તમારા
બે માંથી કોણ શ્રેષ્ઠ છે એ જ નક્કી કરવાનું હોય તો બિનજરૂરી લોહી વહેવડાવ્યા વિના તમે બંને લડાઈ કરો અને વિજેતાને સર્વોપરી બનાવો. બંનેને લાગ્યું કે આ ઉત્તમ વિચાર છે અને તેથી બંને સંમત થયા દ્વન્દયુદ્ધથી વિજેતા સારી રીતે નક્કી થશે.
- બંને એ દ્વન્દયુદ્ધના નિયમો જાણ્યા અને કબૂલ થયા. યુદ્ધનો દિવસ આવી પહોંચ્યો. ભરતે જાતજાતના શસ્ત્રોથી બાહુબલીને હંફાવવા પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. ભરતને પોતાની બહાદુરીનું ખૂબ જ અભિમાન હતું. તેથી પરાજય કેટલો શરમજનક લાગશે તેવું વિચારવા લાગ્યો.
-
જો તે હારી જશે તો આખા વિશ્વપર રાજય કરવાની તેની મહત્વાકાંક્ષા પૂર્ણ નહિ થાય. તે ખૂબ જ હતાશ થઈ ગયો. તેણે તેના અલૌકિક શસ્ત્ર ચક્રરત્નનો ઉપયોગ કર્યો, અને જાણી જોઈને દ્વન્દયુદ્ધના નિયમનો ભંગ કર્યો. પરંતુ તે શસ્ત્રની મર્યાદા હતી કે લોહીનો સંબંધ હોય તેને નુકસાન ન કરી શકે. તેથી છોડેલું ચક્ર ભરત પર પાછું આવ્યું અને બાહુબલી બચી ગયા.
-
દ્વન્દયુદ્ધના નિયમોના ભંગ બદલ બાહુબલી ખુબ જ ગુસ્સે થયા. પોતાના શક્તિશાળી મુક્કાથી મોટાભાઇને છુંદી નાખવાનો વિચાર આવ્યો. એ હેતુથી ઉંચકાયેલી મુઠ્ઠી જોઇને લોકો ભરતના ભયાનક મૃત્યુના વિચારથી ડરી ગયા.
- કિંતુ અર્ધરસ્તે વિચાર આવ્યો કે,
આટલા ઊંચા કુળમાં જન્મી એક જમીનના ટુકડા ખાતર મોટા ભાઈનું માથું ફોડી નાખવાનું અધમાધમ કૃત્ય કરવું? જે ઇતિહાસમાં પિતા ઋષભદેવ ભગવાન જગતના તારણહાર તરીકે સુવર્ણાક્ષરે લખાઈ ગયા, એ ઈતિહાસમાં કાળા અક્ષર લખાશે કે એ પ્રભુના નાના નરાધમ કુપુત્રે જમીનના એક નાના ટુકડા માટે પોતાના પૂજય એવા મોટાભાઈનું માથું ફોડી મોત નીપજાવ્યું ! ધિક્કાર પડો એ દુન્યવી રાજસંપત્તિને કે જે આવા અધમ કૃત્ય કરાવે છે !
-
એમ વૈરાગ્ય પામી બાહુબલજીએ ઉપાડેલી એ જ મુઠ્ઠીથી પોતાના કેશનો લોચ કરી નાખ્યો, ને સાધુપણું અંગીકાર કરી લઈને ત્યાં જ કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગ ધ્યાને ખડા રહી ગયા! પ્રભુ પાસે કેવળજ્ઞાની થયા પછી જવાનું એટલા માટે ધાર્યું કે કેવળજ્ઞાની થઈ ગયેલા નાના ૯૮ ભાઈઓને વંદન ન કરવું પડે એટલે કે તેમને અહંકાર નડે છે…
-
એમ બાહુબલીજી એ કાયોત્સર્ગમાં રહેતાં એક વર્ષ પસાર થઈ ગયા પછી, ભગવાને બેન સાધ્વીઓ બ્રાહ્મી - સુંદરીને ભાઈને બુઝવવા મોકલ્યા.
-
જઈને બેનોએ કહ્યું,
વીરા મોરા ગજ થકી ઊતરો, ગજ ચડયે કેવલ ન હોય રે.
- બંન્ને બહેનોના પરિચિત અવાજ કાને પડતા જ તેણે આંખો ખોલી અને તેઓ હાથી ઉપર તો બેઠા જ હતા નહીં. ઘડીવાર તો તેમને બહેનો ની વાત સમજાઇ નહીં… (“વીરા મોરા ગજ થકી ઊતરો, ગજ ચડયે કેવલ ન હોય રે”)
- પછી તેમને ખ્યાલ આવ્યો કે અભિમાનરૂપી હાથી ની આ વાત છે. અર્થાત
ભાઈ મારા ! અભિમાનના હાથી પરથી નીચે ઊતરો , એ હાથી પર રહ્યે કેવળજ્ઞાન ન થાય.
- બાહુબલજીને બોધ લાગ્યો, એ સમજી ગયા, પસ્તાયા, “હમણા જ જઇને કેવળજ્ઞાની નાનાભાઇ મૂનિઓને વંદના કરૂં.”
- એમ અભિમાન ફગાવી દઈ ઉચ્ચ ભાવનામાં ચડી, જ્યાં પગ ઉપાડ્યો ત્યાં જ કેવળજ્ઞાન પ્રગટું થયું!
- આ હતું અભિમાન દૂર થવાથી મળેલું પરિણામ … જેવું બાહુબલીનું અભિમાન દૂર થયુ કે તરત જ તેઓ સર્વજ્ઞ થયા.
હવે પછીનાં ભાગમાં આપણે અહંકારનું બીજું દ્રષ્ટાંત જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶