ભાગ ૫૭: રાજાને સાધુ બનેલો જોઇ ઇન્દ્ર મહારાજા તેમના ચરણોમાં ઝૂકી પડ્યા.
આગળનાં ભાગમાં આપણે દશાર્ણનગરના રાજા દશાર્ણભદ્રનું દ્રષ્ટાંત જોઇ રહ્યા હતા…
૨૨D. અહંકાર
અહંકારી માણસ એમ જ માને છે કે મારા જેવો કોઇ નથી
- પણ જ્યારે એ પોતાનાથી અધિક શક્તિશાળી માણસને જુએ છે ત્યારે એના મનની હાલત વિચિત્ર થઈ જાય છે !
- દીવો અંધકાર વખતે અભિમાન કરે ત્યાં સુધી ઠીક છે. એનું અભિમાન જળવાઇ રહે છે, પણ સૂર્યોદય થતાં જ દીવાનો મહિમા ખતમ થઇ જાય છે. એના અહંકારને જબરદસ્ત ચોટ લાગે છે. એની આસપાસ ઘૂમનારા લોકો બંધ થઇ જાય છે. સારું છે કે દીવો સૂરજનો વિરોધ નથી કરતો….
પણ આ જગ્યાએ માણસ હોય તો? નથી લાગતું કે દીવો માણસથી વધારે સમજદાર છે? - દીવા પાસેથી જો આટલું શીખી લઇએ તો કેટલું સારું!
“અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું” એમ આપણે શા માટે કહીએ છીએ?
- કારણ કે ગમે તેવો મોટો માણસ હોય, પણ એથીય વિશેષ મોટો માણસ આ દુનિયામાં મળી જ રહેવાનો.
- શેરના માથે સવા શેર હોય જ !
- રાવણ જેવા મોટા માણસનો પણ અહંકાર નથી રહ્યો તો બીજા કોનો રહેવાનો?
- એક રીતે એ સારું જ છે. જેથી કોઇ માણસ પોતાને મળેલી વિશિષ્ટ શક્તિઓથી અત્યંત છકી ન જાય! કુદરત એ રીતે બધાને નિયંત્રિત કરે છે, સમતુલા બનાવી રાખે છે ! જો એમ ન હોય તો માણસ કોઇનેય ગાંઠે નહિ !
ગઈ કાલનું દ્રષ્ટાંત આગળ...
ક્ષણવારમાં રાજાના અહંકારનો હિમાલય ઓગળી ગયો.
- અરેરે… મેં નકામો સમૃદ્ધિનો ગર્વ કર્યો. ક્યાં આ ઇન્દ્રની સાગર જેવી સમૃદ્ધિ ને ક્યાં મારી બિંદુ જેવી સમૃદ્ધિ ? કદાચ બિંદુ જેવી પણ નહિ! આટલી સમૃદ્ધિ હોવા છતાં ઇન્દ્રમાં નમ્રતા કેટલી છે? એ ભગવાનના દરેક અભિષેક વખતે બળદનું રૂપ લઈ અભિષેક કરે છે. ને જાણે ભગવાનન એ કહે છે, ભગવન! હું તો બળદીયો છું! બુદ્ધિ વગરનો બળદીયો! ઈન્દ્રની આવી નમતા અને મારો આવો અહંકાર? સાચે જ અધૂરો ઘડો છલકાય છે!
પૂરા સો છલકે નહિ છલકે સો અદ્ધા
ઘોડા સો ભૂકે નહિ ભૂકે સો ગદ્ધા॥
- રાજાનું અહંકાર પરનું ચિંતન આગળ ચાલ્યું. રાજયમાં પણ એને અહંકારનું પોષણ જ દેખાયું. શું પડ્યું છે આ રાજ્યમાં? અહંકારના પોષણ સિવાય રાજ્ય સિંહાસનમાં બીજું કયું સુખ છે? બધા લોકોને સમાન રીતે બે હાથ છે, બે પગ છે, બે આંખ છે, એક માથું છે. બધા મૂઠી ધાન જ ખાય છે. રાજા પણ કાંઇ એથી વધુ નથી ખાતો. બધા એક જોડી જ કપડા પહેરે છે. રાજા કાંઇ વધુ નથી પહેરતો. બધાને છ ફૂટની જ જમીન જોઇએ છે. રાજા કાંઇ વધુ નથી વાપરી શકતો. તો પછી રાજા બનવામાં સુખ શું? ઊંડાણથી જોવા જઈએ તો સુખ તો નહિ, પણ દુ:ખ જ છે.
સતત ક્રૂર વિચારોમાં રહેવું !
યુદ્ધો કરવા !
સામ-દામ, દંડ, ભેદ આદિના વિચારોમાં રમ્યા કરવું !
સદા ટેન્શન લઇને ફરવું! યુદ્ધ કરવા સજ્જ રહેવું !
કાવા-દાવા અને ખટપટો કર્યા જ કરવી !
લોકો તરફ થી નિંદા સહવી !
સતત ચોકીદારોની વચ્ચે રહેવું !
મુક્તપણે ફરી ન શકવું !
નિર્ભયપણે ખાઇ ન શકવું !
શાંતિથી ઊંઘ કે ભોજન લઈ ન શકવા ! આમાં સુખ છે ક્યાં?
-
વિવેકદૃષ્ટિ જ્યાં સુધી બિડાયેલી હોય છે ત્યાં સુધી આમાં પણ સુખ લાગે છે, પણ વિવેકદૃષ્ટિનો ઊઘાડ થતાં જ અહંકાર ઊભી પૂંછડીએ ભાગી છૂટે છે. અહંકાર ભાગતાં જ સુખની માન્યતાઓ પણ બદલાઇ જાય છે, સાચા અને નકલી સુખની પરખ થઇ જાય છે.
- આમ , રાજાનો અહંકાર ઓગળી ગયો હતો. વિવેકદૃષ્ટિનો ઉન્મેષ થઈ ગયો હતો અને સુખના સમીકરણો બદલાઈ ગયા હતા,
-
રાજાએ વિચાર્યું શા માટે અહંકારનો ભાર લઈને દુઃખી જીવન જીવવું? શા માટે અહંકારને અળગો મૂકી પ્રભુ ચરણોમાં જીવન સમર્પિત ન કરવું? સંસારમાં છું ત્યાં સુધી ડગલે-પગલે અહંકારને ચોટ લાગ્યા જ કરવાની, પણ સંયમ-જીવનમાં ચોટની કોઇ જ સંભાવના નથી. કારણ કે ત્યાં અહંકાર જ નથી.
- રાજાએ વિચારને ત્યારે ને ત્યારે જ અમલમાં મૂકી દીધો. વસ્ત્રો આભૂષણો ઊતારી, કેશનું લોંચ કરી પ્રભુ સમક્ષ દીક્ષા લીધી. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કર્યું.
- રાજાને સાધુ બનેલો જોઇ ઇન્દ્ર મહારાજા તેમના ચરણોમાં ઝૂકી પડ્યા અને કહેવા લાગ્યા
હે મહાત્મન !
તમે કમાલ કરી !
તમે હવે જીતી ગયા, હું હારી ગયો. તમારા સમૃદ્ધિના ગર્વને તોડવા જ મેં આ મારી ઋદ્ધિ બતાવી હતી.
પણ મહાત્મન ! આપે આંતર સમૃદ્ધિ બતાવીને મને જીતી લીધો છે. હું લાખ શિર પટકું, તો પણ આ જન્મમાં તમારા જેવો સાધુ બની શકું તેમ નથી.
- ઇન્દ્ર મહારાજાની આવી સ્તુતિથી પણ મૂનિને(રાજાને) હવે અહંકાર આવ્યો નહિ. કારણ કે અહીં આવ્યા પછી પણ જો અહંકાર થાય તો ફરક શું પડ્યો? અહીં તો અહંકાર-મુક્ત જીવન જીવવાનું છે.
-
બધું જ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. અહંકાર કરવાનો હવે કોઇ અધિકાર ન્હોતો.
- આ ઘટના આપણને એક જ વાત સમજાવે છે કે આપણામાં રહેલા અને આપણને જ હેરાન કરતા અવળચંડા અહંકારને આપણે ઓળખવો જોઇએ. અહંકારની જંજીરમાંથી છૂટીએ એટલે જીવન સુખથી છલકાઈ જાય.
હવે પછીનાં ભાગમાં આપણે શાલિભદ્રના વૈભવ વિશે જોઇશું….
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶