ભાગ ૫૬: આવતી કાલે ભગવાન શ્રી મહાવીરદેવ પધારવાના છે. સ્વાગત માટે જબરદસ્ત તૈયારી કરો.
આગળના ભાગમાં આપણે ભરત અને બાહુબલીનું અહંકાર અને અભિમાનનું દ્રષ્ટાંત જોયું…
૨૨C. અહંકાર
અહંકાર વિશે આપણે બીજું દ્રષ્ટાંત જોઇએ:
-
જગતના સર્વ સંઘર્ષ અને દુઃખોનું મૂળ અહંકારમાં છે! દરેક માણસમાં એવી રાઈ ભરેલી હોય છે કે હું જ મોટો છું. પોતાની મોટાઇ સિદ્ધ કરવા એ અનેક સંઘર્ષોમાં ઊતરી પડે છે અને અનેક આપત્તિઓને આમંત્રણ આપી બેસે છે. અહંકારને આગળના દરવાજેથી કાઢશું તો પાછળના દરવાજેથી આવી જશે. પાછળના દરવાજેથી આવેલો અહંકાર એવો બુરખો ઓઢીને આવતો હોય છે કે એ અહંકાર લાગતો જ નથી.
- આગળનો દરવાજો છે, સંસારનો!
- પાછળનો દરવાજો છે, ધર્મનો!
રૂપ, ઐશ્વર્ય વગેરેનો અહંકાર સંસારનો છે જ્યારે તપ, જ્ઞાન, નમ્રતા વગેરેનો અહંકાર ધર્મનો છે.
- હા… ઘણાને નમ્રતાનો પણ અહંકાર હોય છે કે મારા જેવો કોઇ નમ્ર નથી!
- અહંકાર પોતે જ જયારે નમ્રતાનો બુરખો ઓઢીને આવે ત્યારે ઓળખવો કેટલો મુશ્કેલ બની જાય?
આવો જ અહંકાર દશાર્ણનગરના રાજા દશાર્ણભદ્રમાં આવેલ.
- જ્યારે રાજાને સમાચાર મળ્યા કે પ્રભુ શ્રી મહાવીરદેવ આવતી કાલે સવારે ચંપાનગરીથી અહીં આવવાના છે ત્યારે રાજાના મનમાં એવો વિચાર આવ્યો કે પ્રભુનું એવું સામૈયું કરું… એવું સામૈયું કરું… જેવું કોઇએ ન કર્યું હોય! બસ ખલાસ !
-
અહંકાર પાછલા દરવાજેથી આવી ગયો, આ તો ધર્મ કાર્ય છે. અહીં ક્યાં કાંઈ ખોટું કરું છું? માણસ આવા ખ્યાલમાં રહેતો હોય છે એટલે અહંકાર નો ખ્યાલ જ નથી આવતો.
- રાજાએ સેવકોને હુકમ કર્યો
આવતી કાલે ભગવાન શ્રી મહાવીરદેવ પધારવાના છે. સ્વાગત માટે જબરદસ્ત તૈયારી કરો. ગલી-ગલીમાં જલ છંટકાવ કરો. ફૂલો બિછાવો. રાજમાર્ગ પર ઠેર-ઠેર રત્નજડિત સુવર્ણ સ્તંભો ઊભા કરો. તે પર રત્નમય દર્પણોથી શોભતી માળાઓ લગાવો.
-
બીજે દિવસે બધું જ તૈયાર થઇ ગયું. આખી નગરી ઇન્દ્રપુરી જેવી લાગવા માંડી. આખું વાતાવરણ સુગંધથી મહેકી ઊઠયું. આવનાર માણસ ભ્રમમાં પડી જાય: હું મૃત્યુલોકમાં છું કે સ્વર્ગલોકમાં ! એવું વાતાવરણ જામ્યું.
-
રાજા સુંદર વસ્ત્રો આભૂષણો પહેરી, પુષ્પમાળાઓ લગાવી હાથીની અંબાડી પર બેઠા! રાજાની બંને બાજુ ચામર વીંઝાઇ રહ્યા હતા. રાજા ઉપર સફેદ છત્ર હતું. રાજા પોતાની જાતને ઇન્દ્રતુલ્ય માનવા લાગ્યો.
-
રાજાનો અહંકાર ગર્જી ઊઠ્યો: ભગવાનનું સામૈયું આજે જે રીતે કર્યું છે તેવી રીતે કોઇએ નહિ કર્યું હોય!
-
આપણને પણ ઘણી વખત એવો વિચાર આવે છે કે આપણે જેવું તપ કર્યું તેવું કોઇએ નહિ કર્યું હોય!
-
આપણે જેવો સંધ કઢાવ્યો, એના જેવો ઠાઠ બીજે ક્યાંય નહીં હોય !
-
આપણે જે પ્રતિષ્ઠા કરાવી એનું તો શબ્દોમાં વર્ણન ન થાય!
-
આપણે જે ઉપધાન કરાવ્યા, લોકો એને આજેય યાદ કરે છે!
-
આપણે જે જમણ કર્યું હતું તેની વ્યવસ્થા અને તે વાનગીઓનો સ્વાદ લોકો આજેય ભૂલ્યા નથી!
-
-
અહીં પ્રશ્ન એ છે કે આ બધા અનુષ્ઠાનો શાસન પ્રભાવના માટે કર્યા હતા કે સ્વપ્રભાવના માટે?
- શાસન પ્રભાવનાના રૂડા નામ નીચે અહંકારનો પરિતોષ નથી થતો ને? ક્યારેક મનને આવા પ્રશ્નો પૂછવા જોઇએ, મનના અપાર રહસ્યો - મનની અનેક ગૂઢ ચાલબાજી પ્રગટ થશે.
-
આપણે પોતે પણ છક્ક થઇ જઇશું, ખરેખર આપણે આવા છીએ? ધર્મના નામે અહંકારને જ પોષી રહ્યો છીએ? આ ધર્મ છે કે અહંકારના ફુંફાડા છે?
- આનો અર્થ એમ નથી કે આપણે શાસન પ્રભાવનાના કામ ન કરવા. અર્થ ફક્ત એટલો જ છે કે ઊંડાણથી આત્મ-નિરીક્ષણ કરવું. વળી પાછું સંઘ, પ્રતિષ્ઠા, ઉપધાન વગેરે કશામાં લાભ લેવો નથી, નાહકે અહંકાર આવી જાય - એમ માનીને એનાથી દૂર રહેવું એ પણ એક મનની ચાલબાજી થઇ. આમેય મન આપણું લોભી છે. એને આવા કોઇક બહાના જ જોઇએ છે. એ કોઇ પણ રૂપાળું બહાનું આગળ કરી પોતાનું ધાર્યું કરી લે છે.
રાજા ઠાઠમાઠ થી ભગવાન પાસે ગયા પણ ત્યાં જે દેશ્ય જોવા મળ્યું તેનાથી રાજાની આંખો પહોળી થઈ ગઈ.
- ઈન્દ્ર મહારાજાનું જળમય વિમાન ધીરે ધીરે નીચે ઊતરી રહ્યું હતું. સ્ફટિક જેવા નિર્મળ જળમાં સુંદર કમળો ખીલેલા હતાં, હંસ અને સારસોના સુંદર અવાજો રેલાઈ રહ્યા હતા.
- કલ્પવૃક્ષ અને કલ્પલતાઓ પરથી ફૂલો ખરી રહ્યા હતા. શું મનોહક એ દેશ્ય હતું! રાજાએ પોતાની જીંદગીમાં કદી આવું દૃશ્ય જોયું નહોતું.
- વિમાન પરથી દેવાંગનાઓ નો ટેકો લઇ ઈન્દ્ર ઐરાવણ હાથી ૫૨ બેઠા.
- શું એ અદભુત હાથી! આઠ -આઠ તો એ ના દંતશૂળ! આઠ સૂંઢો! એકેક સુંઢમાં કમળ ! એકેક કમળમાં બત્રીસ પાંખડીઓ ! શું મનોગ્રાહી દેશ્ય! શું અપાર સમૃદ્ધિ! રાજાને લાગ્યુ કે મારી સમૃદ્ધિ એની આગળ તણખલાથી પણ તુચ્છ હતી!
- ક્યાં સૂર્ય ? ક્યાં દીવો ?
- ક્યાં દરિયો ? ક્યાં કુવો ?
- રાજાના અહંકારને જબરદસ્ત ચોટ લાગી. અહંકારનો પારો ધડાક દઈને નીચે ઊતરી પડ્યો.
હવે પછીનાં ભાગમાં આપણે રાજા દશાર્ણભદ્રનું દ્રષ્ટાંત આગળ જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶