ભાગ ૫૪: 'અહં ને મમ' એ મોહરાજાનો મંત્ર છે, એ જગતને અંધ બનાવનારો છે. 'અહં' એટલે અહંકાર, અને 'મમ' એટલે તૃષ્ણા...
આગળનાં ભાગોમાં આપણે નિશ્ચય અને વ્યવહાર વિશે જોયું…
૨૨A. અહંકાર
- ઉપાધ્યાયજી મહારાજ શ્રી જ્ઞાનસારમાં કહે છે…
“અહં ને મમ” એ મોહરાજાનો મંત્ર છે, એ જગતને અંધ બનાવનારો છે. “અહં” એટલે અહંકાર, અને “મમ” એટલે તૃષ્ણા…આ બેના હિસાબે જીવ અંધ બની પાપો કરે છે, અને એનાથી જન્મ-મ૨ણની લાંબી પરંપરા સર્જાય છે !
- તેથી મૂળમાં અહંકાર અને તૃષ્ણા પર કાપ મૂકવો જોઈએ.
- માણસને કોઈ મારતું હોય તો તે અહંકાર છે. એ માન કષાય છે.
- જગતમાં જાણે ચાર કષાયોને જીવોએ વહેંચી લીધા છે !
- દેવતાએ લોભ લીધો
- નારકે ક્રોધ રાખ્યો
- તિર્યંચે માયા રાખી
- ને માનવે માન પકડ્યું !
અહંકારને તોડવા માટેના ઉપાયો:
અરિહંતની વિશેષતાઓ વિચારવી…
- પરમાત્માની જે વિશેષતાઓ છે તે ખ્યાલમાં ન આવે ત્યાં સુધી અહંકાર ન ખશે…
- એટલે આપણે પરમાત્માની સમૃધ્ધિ કેવી !
- ઇન્દ્ર જેવા ચામર ઢાળે !
- પ્રભુના અતિશય કેવા !
- ૩૫ અતિશયવાળી સર્વજ્ઞતાપુર્વકની વાણીથી વશીકરણ કરવાની શકિત અપરંપાર !
- દોષનું નામ નહીં અને ગુણનો પાર નહીં !
- પ્રભુએ આગળ આગળ પગલું ક્યાં માંડવાનું? એની ચિંતા દેવો કરીને મલિન ધરતી પર પ્રભુના પગ ન પડવા દેવા, પગ નીચે સુવર્ણ કમળ સ્થાપે !
- આ અલૌકિક સમૃધ્ધિ નજર સામે રહે તો આની આગળ કઇ સમૃધ્ધિ આપણને અહંકારના શિખરે ચડાવી શકે?
કર્મના અપમાન વિચારવા:
- માણસ રોતો હોય કે હસતો હોય તે માનના યોગે. પરંતુ એમાં એ જોતો નથી કે કર્મ માન ક્યાં રાખે છે?
- સવારથી સાંજ સુધી આપણે ઘણી ઇચ્છાઓ કરીએ છીએ પરંતુ કર્મ એમાંની ઘણી ઇચ્છાઓનું અપમાન કરે છે…
- પરંતુ આપણને તો કોઇ બીજી વ્યકિતએ કરેલા અપમાન યાદ રહી જાય છે… પણ કર્મે કરેલા અપમાન… અનહદ છતાં તે આપણને યાદ પણ આવતા નથી…
- એક વ્યક્તિના અપમાનમાં આપણને ગુસ્સો આવે છે અને વેર બાંધીએ છીએ અને કર્મના અનહદ અપમાન તો ગણ્યા પણ ગણાય નહીં… તો પણ આપણે તેના વિશે વિચારતા પણ નથી… આ કેવી આપણી કઢંગી દશા !
- જો કર્મના અપમાન તરફ ધ્યાન દેવાય તો આપણે માન અને અહંકાર મુકી દેતા જરા પણ વાર ન લાગે માન મુકીએ એટલે ગુણો આવે અને દોષોનો ત્યાગ થાય… આત્માની ઉન્નતિ થાય…
અહંને બળીને ખાખ થઇ જાય તેવો ઉપાય છે - “ર”.
- “ર” અગ્નિબીજ કહેવાય છે. યોગીઓ ઘણીવાર “ર” ના રટણથી કે ધ્યાનથી અગ્નિ ઉત્પન્ન કરી શકે છે એટલે કે અહં પર “ર” (રેફ) મૂકી દેવાથી અર્હં પદ થઇ જશે અને ઉઠતા-બેસતા એનું રટણ કરવાથી, જાપ કરવાથી અહં બળી જશે અને અહં બળી જતા શુદ્ધ નમ: ની પ્રાપ્તિ થશે.
- અને જેને નમ: કરશું તે અરિહંત પદ, સિદ્ધ પદ વગેરેની પ્રાપ્તિ શુદ્ધ નમ: પદ કરાવશે.
- આપણું હ્રદય અહંકારથી જ્યાં ખાલી થયું ત્યાં અર્હંનો પ્રકાશ પ્રગટ્યો સમજો.
- આપણા હ્રદયમાં સળગતો અહંકારનો દિવો ઓલવી નાખીએ તો પરમાત્માની ચાંદની આપણા હ્રદયમાં જળકશે. સ્વને અહંકારશૂન્ય બનાવવું એ જ સમર્પણભાવ છે. એ જ સાધનાનું રહસ્ય છે.
પ્રભુદર્શન બીજી કોઇ વ્યક્તિ કરાવી શકે?
- ભોજન જાતે કરવું પડે છે. આપણા તરફથી બીજું કોઇ ભોજન કરી શકે નહીં તેવી જ રીતે સમર્પણભાવ આપણે કેળવવો પડે, બીજો કેળવે તે ન ચાલે. આપણે સમર્પણ કેળવીશું તો પ્રભુ અવશ્ય દર્શન આપશે જ.
- પ્રભુના દર્શન કરતા જો “હું” ની વિદાય થઇ જાય તો પ્રભુ અંદર પ્રવેશી શકે…
જે ખાલી બને છે તે જ ભરાય છે.
-
એક ઝેન ગુરૂ હતા, તેની પાસે એક સાધક સાધના માટે આવ્યો. ગુરૂ એ જોયું કે સાધકનો અહં પ્રબળ છે અને હ્રદય ખાલી ન હોય તો સાધના કેવી રીતે પ્રવેશી શકે? એટલે તેણે સાધકને કહ્યું,
પહેલા ચા તો પી! કિટલીમાથી ગુરૂ પોતે ચા પીરસવા લાગ્યા. કપ ભરાય ગયો. રકાબી ભરાવા લાગી. રકાબી ભરાય ગયા પછીય ગુરૂ ચા રેડવા લાગ્યા, જે જાજમ ઉપર રેલાવા લાગી.
-
સાધક કહે
ગુરૂજી, હવે તો ચા જાજમ પર ઢોળાય છે
-
ગુરૂએ કહ્યું,
તુ સમજ્યો?, કપ રકાબી ભરાયા પછી ચા નાખો તો એ ક્યાં જાય? તેમ તારૂ હ્રદય અહંકારથી ભરાયેલું છે…. હું સાધના મૂકું ક્યા?
- પ્રભુને અલગ રાખીને આપણે આત્મા મેળવવા માંગતા હોઇએ તો એ કોઇ કાળે નહીં બની શકે.
- ભગવાનને કાઢીને માત્ર આત્મા રાખવા ગયા તો માત્ર અહંકાર જ રહેશે. જેને આપણે આત્મા માનવાની ભૂલ કરશું.
- પણ જો પ્રભુને પકડી રાખશું તો આત્મ દર્શન થશે જ. પ્રભુ પોતે જ એક દિવસ કહેશે,
તું અને હું કંઇ અલગ નથી, આપણે બંને એક જ છીએ.
હવે પછીના ભાગમાં આપણે ભરત અને બાહુબલીનું અહંકાર અને અભિમાનનું દ્રષ્ટાંત જોઇશુ…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶