🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૭૭: ત્રણ-ત્રણ લાખ સોનામહોરનું નુકશાન થાય અને ભટ્ટા જેવી શાંત રહે, એ કલ્પી શકાય ખરું?

આગળના ભાગમાં આપણે જોયું કે ભટ્ટાના પતિના નૈસર્ગિક પ્રેમથી ભટ્ટા અત્યંત પ્રભાવિત બની ગઇ.

 • હવે ભટ્ટાએ નક્કી કરી લીધું હતું, ગુસ્સો કદી કરવો નહિ. પતિ પર કદી હુકમો છોડવા નહિ. ઊલટું પતિની દરેક આજ્ઞા પ્રેમપૂર્વક સ્વીકારવી.

 • હવે ભટ્ટા અત્યંત ક્ષમાશીલ બની ગઇ હતી.

હ​વે આગળ,

પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન


એક વખતે કસોટીનો પ્રસંગ આવી ચડ્યો.

 • વાત એમ બની કે ભટ્ટાને ત્યાં બે સાધુ મહારાજ વહોરવા આવ્યા… પણ એમણે રોટલી-શાક વગેરે કાંઇ ન માગતાં લક્ષપાક તેલ માંગ્યું. કારણમાં જણાવ્યું કે અમારા એક સાધુ મહારાજ ગામ બહાર કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા હતા ત્યારે અચાનક જ આગથી દાઝી ગયા છે. તેમના ઉપચાર માટે લક્ષપાક તેલની જરૂર છે.

 • સાધુ મહારાજની સેવાનો આવો સુંદર મોકો ક્યાંથી? ભટ્ટાએ દાસી પાસેથી લક્ષપાક તેલનો ઘડો મંગાવ્યો. દાસી લેવા અંદર ગઈ,

ધડાક​… અવાજ થયો…

 • ભટ્ટાએ જોયું કે દાસીના હાથમાંથી લક્ષપાક તેલનો ઘડો પડી ગયો હતો. ફૂટી ગયો હતો. તેલ નીચે ઢોળાઇ ગયું હતુ.
 • દાસી ગભરાઇ ગઇ, એને થયું કે આજે શેઠાણીની કમાન છટકી સમજો.

પણ ભટ્ટાએ કહ્યું,

તું ચિંતા ન કર. એ તો હોય.
ફૂટી જાય.
માણસ પણ ક્ષણમાં મરી જાય તો બિચારો માટીનો ઘડો ફૂટે તેમાં નવાઇ શી ?
જા, બીજો ઘડો લઇ આવ, પણ સંભાળીને લાવજે.

દાસી ફરી અંદર ગઈ!

 • ધડામ… ફરી અવાજ આવ્યો. ફરી ઘડો ફૂટ્યો હતો.
 • ભટ્ટાને સમજાયું નહિ, આવી કુશળ દાસી આવું કેમ કરે છે ? એના હાથે નાનકડી ચીજ પણ ક્યારેય પડતી કે ફૂટતી કદી જોઇ નથી. આજે આમ કેમ ?
 • પણ હોય.. ક્યારેક ફૂટી પણ જાય, બીજી વાર પણ ફૂટે.
 • ભટ્ટાએ ફરીથી ત્રીજી વાર દાસીને ત્રીજો ઘડો અત્યંત કાળજીપૂર્વક લાવવા કહ્યું.
 • પણ રે, ત્રીજી વખત પણ એ જ ભૂલનું પુનરાવર્તન !

હવે ભટ્ટાનો ક્રોધ ઝાલ્યો રહે ખરો ?

 • લક્ષપાક તેલ સામાન્ય ન હતુ.
 • એક ઘડાની કિંમત એક લાખ સોનામહોર થાય.
 • ત્રણ-ત્રણ લાખ સોનામહોરનું નુકશાન થાય અને ભટ્ટા જેવી શાંત રહે, એ કલ્પી શકાય ખરું?
 • પણ એ હકીકત હતી કે ભટ્ટા શાંત, સંપૂર્ણ શાંત રહી.
 • દાસી પર સહેજ પણ ગુસ્સો ન આવ્યો,

પણ ભટ્ટાને પોતાની જાતને જ ઠપકો આપવાનું મન થયું,

રે જીવ ! સાધુ ભગવંત ઘેર આવે અને દાસીને હુકમ કરે છે?
પોતે જ ઘડો લાવે તો શું વાંધો છે ?
શું શેઠાણીપણું જતું રહેવાનું છે ?

હવે ચોથીવાર ભટ્ટા પોતે જ ઘડો લેવા ગઇ.

 • સાવધાનીપૂર્વક લાવી અને મુનિ ભગવંતને વહોરાવ્યું.
 • ભટ્ટાને થયું, જોયું? માણસ સાવધાનીપૂર્વક લાવે તો ઘડો થોડો ફૂટે ? ભટ્ટાનો ઘડો ક્યાં ફૂટયો ? (ખરેખર તો શીલના પ્રભાવથી ઘડો ફૂટ્યો નહોતો.)

વહોરવા આવનાર મુનિ ભગવંતે ભટ્ટાને કહ્યું,

બેન ! તમારા ત્રણ-ત્રણ ઘડા તૂટી ગયા,
તમને અમારા નિમિત્તે કેટલું નુકશાન થયું ?
પણ​ હવે દાસી પર ગુસ્સો નહિ કરતા.

 • અરે ગુરુદેવ ! આ શું બોલ્યા ? નુકશાન ? શાનું નુકશાન ?

 • આપની સેવા માટે જે કરવું પડે તેમાં લાભ જ લાભ છે.
 • આપ દાસી પર ગુસ્સો કરવાની ના પાડો છો, પણ હું આમેય ગુસ્સો કરવાની જ નથી. ગુસ્સાનું ફળ મેં અનુભવ્યું છે. હવે ગુસ્સો શાની કરું ? આગમાં એકવાર દાઝયા પછી બીજી વાર એમાં કોણ હાથ નાખે ?

 • ભટ્ટાનું આ વાક્ય પૂરું થતાં જ તેની બાજુમાં એક દેદીપ્યમાન તેજોવર્તુળ પેદા થયું.
 • ભટ્ટાએ જોયું તો એક તેજસ્વી દેવ ઊભો હતો.

હાથ જોડીને તેણે ભટ્ટાને કહ્યું,

ભટ્ટા ! તું ખરેખર ભાગ્યશાળી છે.
તારી ક્ષમા અદભૂત છે !
તારી શાંતિ અનુપમ છે !
ઇન્દ્ર મહારાજાએ સુધર્માસભામાં તારી ક્ષમાની પ્રશંસા કરેલી એટલે મને પરીક્ષા કરવાનું મન થયું.
સાચે જ ઇન્દ્ર જેવી પ્રશંસા કરી તેવી જ, અરે, તેથી પણ વધુ ક્ષમા મેં તારામાં જોઇ.
તારા લક્ષપાકના ત્રણ ઘડા મેં જ ફોડ્યા હતા.
હવે, બોલ. તારે શું જોઇએ ?
હું તારા પર પ્રસન્ન છું.

ભટ્ટાએ કોઇ પણ વસ્તુની ઇચ્છા દર્શાવી નહિ.

 • આથી દેવ વધુ ખુશ થયો.
 • ત્રણેય ઘડા પૂર્વવત કરી આપ્યા અને સુવર્ણમુદ્રાઓની વૃષ્ટિ કરીને દેવ સ્વસ્થાને ગયો.
 • પેલા મુનિ ભગવંતોએ લક્ષપાક તેલથી દાઝેલા મુનિનો ઉપચાર કર્યો, મુનિ સ્વસ્થ થયા, ભટ્ટા રાજી થઇ.

આમ​, ક્રોધને છોડી ક્ષમા અપનાવ​વાથી શું પરિણામ આવે છે તે આપણે જોયું.

 • આમ​, અચ્યુંકારી ભટ્ટાએ માત્ર પોતાના પતિમંત્રીના દોષો જોવા માંડ્યા તો ક્ષમાદિ ગુણ ન આવ્યો અને તેથી જ અંતે પાપીઓના હાથમાં પકડાઇ, શરીરના લોહી નિચોવ​વાની ઘોર પીડા વેઠ​વી પડી અને એ જ અચ્યુંકારી ભટ્ટા પછીથી સામાની ભૂલમાં પણ સ્વદોષદર્શન કર​વા વાળી થઇ તો ઇંદ્રથી પ્રશંસિત બની.

હ​વે પછીના ભાગમાં આપણે સ્વદોષદર્શનમાં શા લાભ છે ? તેમજ મૃગાવતીજીનું દ્રષ્ટાંત જોઇશું….
શેર કર​વા નીચે ક્લિક કરો