ભાગ ૭૬: આત્મા સુધરે તો આપથી, નહિ તો સગા બાપથી પણ નહિ
આગળનાં ભાગમાં આપણે જોયું કે ભટ્ટા ગુસ્સામા આવી આગળ-પાછળનો કોઇ જ વિચાર કર્યા વિના મધરાતે અંધારામા નગરમાં નીકળે છે…
- અને ત્યાર બાદ ભટ્ટા, પલ્લીપતિ તેમજ બર્બર દ્વારા દેવામા આવતા વિવિધ દુ:ખોનો સામનો કરે છે….
- પણ ભટ્ટાને હૃદયમાં વિશ્વાસ હતો કે દરેક રાતના અંતે પ્રભાત આવે જ છે.
હવે આગળ,
પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન
- ખરેખર ભટ્ટાની આશા ફળી, એક દિવસ ભટ્ટાનો ભાઇ ઇન્દ્રદત્ત વેપાર માટે ત્યાં આવી ચુક્યો.
- ભટ્ટા તરફ તેની નજર ચડી.
- જો કે ભટ્ટા ખૂબ જ દુર્બળ થઇ ગયેલી હોવાથી ભટ્ટાને તરત જ ઓળખી શક્યો નહિ,
પણ થોડી જ વારમાં તેને લાઇટ થઇ,
ઓહ ! આ તો મારી જ બેન !
કેટલાય વખતથી ખોવાઈ ગયેલી… !
શોધવા માટે આકાશ-પાતાળ એક કરેલા, પણ ક્યાંય મળી નહિ,
અમે તો આશા જ છોડી દીધી.
શોધવાના પ્રયત્નો પણ લગભગ છોડી દીધા.
પણ કુદરતનું ગણિત અકળ હોય છે, જ્યાં તમારા પ્રયાસ છૂટી જાય છે, ત્યાં જ તમને ઘણીવાર ઇષ્ટની પ્રાપ્તિ થઇ જતી હોય છે.
ભટ્ટાનો ભાઇ ભટ્ટા પાસે આવી પહોંચ્યોં.
- ભટ્ટાએ કરુણ કથની કહી સંભળાવી અને બંને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા.
- તેઓનું રુદન હર્ષ-શોકથી મિશ્રિત હતું, દુ:ખ પડ્યું તેનું દુઃખ હતું, મિલન થયું તેનો આનંદ હતો.
ભટ્ટાનો ભાઇ તેને પિતાજીની પાસે લઇ ગયો.
- ભટ્ટાના પતિને આ સમાચાર મળતાં જ તેઓ ભટ્ટાને લેવા આવ્યા.
- ભટ્ટાને તો એમ કે હવે મારા પતિ મારી સામું પણ નહિ જુએ, મારા જેવી ક્રોધમુખી - કાળમુખી - જ્વાળામુખીને કોણ બોલાવે?
-
પણ ભટ્ટાનો પતિનો ભટ્ટા પર અનહદ પ્રેમ હતો, અકૃત્રિમ સ્નેહ હતો. જયાં સ્નેહ હોય છે ત્યાં દોષો હોય તો પણ દેખાતા નથી. પ્રેમ જ એવું અંજન છે, જે આંખમાં આંજો તો પ્રેમ-પાત્રના દોષો કદી દેખાય જ નહિ. આ જ પ્રેમનો વ્યાપ વધતો જાય, આખા વિશ્વ પર પ્રેમ ફેલાઇ જાય તો કોઇના પણ દોષો દેખાય ખરા ? કોઈના પર પણ ગુસ્સો આવે ખરો?
- ભટ્ટા અનુભવે શીખી કે ગુસ્સો કરવો એ કોઈ ડહાપણનું કામ નથી.
- ગુસ્સો કરવાથી બીજા ને નુકશાનું થાય કે ન થાય, પણ ગુસ્સો કરનારને પોતાને તો નુકશાન થાય જ થાય.
- સાપ અને વીછીના ઝેર કરતાં પણ ગુસ્સાનું ઝેર ખતરનાક છે.
- સાપ કે વીછીમાં રહેલું ઝેર તેને પોતાને મારતું નથી, જ્યારે ક્રોધનું ઝેર સંધરનારને પોતાને જ ખતમ કરી નાખે છે. પોતાને નુકશાન કરે એવો સોદો કયો ડાહ્યો વેપારી કરે?
ભટ્ટાને ક્રોધના કડવા વિપાક અનુભવવા મળ્યા હતા.
- જો કે આવા વિપાકો થયા ન હોત તો ભટ્ટા કદાચ કદી પણ શીખી શકત નહિ કે ક્રોધ ખતરનાક છે.
- જીવનભર ભટ્ટા ક્રોધમુખી રહેત.
-
એનું સમગ્ર જીવન ક્રોધની આગમાં ખાખ બની જાત.
- બીજા માણસો આપણને ક્રોધ ન કરવા માટે લાખ ઉપદેશ આપે, પણ કદાચ આપણો ક્રોધ નહિ જાય.
- પણ આપણે સ્વયં જ્યારે અનુભવીએ કે ગુસ્સાથી મને જ નુકશાન થઈ રહ્યું છે, ક્રોધ એ તો આગ છે. બીજાને તો બાળતાં બાળશે, પણ જ્યાં ઉત્પન્ન થયેલી હશે ત્યાં લાકડાને તો સૌ પ્રથમ બાળશે.
- જો આપણે સ્વયં આ રીતે જોઇએ અને અનુભવીએ તો ગુસ્સાનો ત્યાગ કરવો અઘરો નથી.
આત્મા સુધરે તો આપથી,
નહિ તો સગા બાપથી પણ નહિ.
- ભટ્ટાના પતિ તેને લેવા આવ્યા, તેમના આવા નૈસર્ગિક પ્રેમથી ભટ્ટા અત્યંત પ્રભાવિત બની ગઇ.
- હવે ભટ્ટાએ નક્કી કરી લીધું હતું, ગુસ્સો કદી કરવો નહિ. પતિ પર કદી હુકમો છોડવા નહિ. ઊલટું પતિની દરેક આજ્ઞા પ્રેમપૂર્વક સ્વીકારવી.
હવે ભટ્ટા અત્યંત ક્ષમાશીલ બની ગઇ હતી.
- ભટ્ટાના સ્વભાવમાં આવેલા પરિવર્તનથી બધા આશ્ચર્ય સાથે આનંદ અનુભવવા લાગ્યા.
- હવે ઘરના વાતાવરણમાં પરિવર્તન આવ્યું, પહેલાં ઘરના નોકરો ભટ્ટાથી થરથર ધ્રુજતા, ભટ્ટાને જોતા જ ક્યાંક આડા-અવળા થઇ જવા પ્રયત્ન કરતા, કદાચ કામ કરવું પડે તો પરાણે કરતા…હવે તેઓ ભટ્ટાના કહ્યા વિના જ સુંદર રીતે કામ કરવા લાગ્યા, ભટ્ટા સાથે નિખાલસતાથી વાતો કરવા લાગ્યા.
- માત્ર નોકરો જ નહિ, સ્નેહી-સ્વજનોમાં પણ આ રીતે જ પરિવર્તન આવી ગયું, પહેલાં તેઓ કદી ભટ્ટાની નજરે ચડતા નહિ, ચડી જાય તો ઝટપટ ભાગવા મથતા, પણ હવે ભટ્ટાને જોઇ રહી હતી કે બધા તેને પ્રેમપૂર્વક ચાહી રહ્યા છે.
-
પહેલાં ભટ્ટા માનતી કે ક્રોધ તો જોઇએ જ, ક્રોધ વિના તો બધા માથે ચઢી બેસે. સાવ ઠંડા-ઠંડા બેસી રહીએ તો લોકો આપણા માથા પર ૨સ્તો બનાવી લે.
- અંગારા ધગધગતા હોય છે ત્યાં સુધી કોઇ તેને અડવાની હિંમત પણ નથી કરતું, પણ એ જયારે બુઝાઇને રાખ બની જાય છે ત્યારે નાની બેબલી પણ તેના પર પગ મૂકીને ચાલી જાય છે, ક્રોધ વગરનો માણસ તો રાખ જેવો છે. એ બધાને પોતાના પર પગ મૂકવા હાથે કરીને આમંત્રણ આપે છે, ક્રોધ વગરનો માણસ તો સાવ નપુંસક છે, એને કોઇ સાંભળતું નથી, એનો કોઇ પ્રભાવ પડતો નથી.
આપણે તો જીવવું તો “દાદા” થઇને જીવવું, રાખ બનીને શા માટે ?
ધગધગતા અંગારા બનીને જીવવું !
કોઇ અડી તો જુએ !
- આ હતી ભટ્ટાની માન્યતા.
પણ હવે ભટ્ટાને સમજાયું હતું કે તેની એ માન્યતા તદ્દન ખોટી હતી.
- ક્રોધથી કામ થતું હતું, તેના કરતાં ક્ષમાથી કઇ ગણું વધારે થઇ જતું હતું, તે પણ કોઇ જ પ્રયત્ન વિના! કરનાર પણ આનંદથી કામ કરતા, પ્રેમપૂર્વક રહેતા.
- હવે ભટ્ટાને સમજાયું હતું કે ક્રોધથી મારું કામ થાય છે - એવું જે તે માનતી - તે નર્યો ભ્રમ હતો, ક્રોધથી નહિ, પણ પુણ્યોદયથી તેનું કામ થતું.
- પુણ્ય ન હોય તો માત્ર ક્રોધથી કાંઇ ન વળે, પણ તે વખતે ભટ્ટાને પુણ્યોદય દેખાતો નહિ, તે ક્રોધને જ સફળતા આપનાર માનતી.
- હવે ભટ્ટાને સ્પષ્ટ સમજણ મળી હતી. ક્રોધની હેયતા બરાબર સમજાઇ હતી, આથી જ ક્ષમાના મધુર ફળો પણ તેને પ્રત્યક્ષ મળવા લાગ્યા.
એક વખત કસોટીનો પ્રસંગ આવી ચડ્યો તે વિશે વધુ માહિતી આવતા ભાગમાં જોઇએ…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶