ભાગ ૭૪: અતિશય પ્રેમ જ બાળક માટે ઝેર બની જતો હોય છે
આગળના ભાગમાં આપણે જોયું કે
- પરિવાર, અચ્યુંકારી ભટ્ટા પર પ્રેમની અતિવૃષ્ટિ કરી રહ્યો હતો તેના પરિણામ સ્વરૂપ ભટ્ટા અહંકારી અને સ્વકેન્દ્રી બની ગઇ હતી..
- તેને એમ જ લાગવા માંડ્યું કે આખી દુનિયા તેના માટે જ બની છે. વિશ્વ આખુંય તેની આસપાસ ચક્કર લગાવે છે, કેન્દ્રમાં તે જ છે…
હવે આગળ,
પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન
ભટ્ટા ભણી-ગણીને મોટી થઈ ત્યારે તેનું રૂપ સોળે કળાએ ખીલી ઊઠયું.
- તે એટલી રૂપાળી હતી કે બહાર નીકળતી, ત્યારે યુવકો તેની સામે ટગર-ટગર જોઈ રહેતા.
- બધા તેની સાથે વાતો કરવા ઉત્સુક રહેતા, પણ તે તો હતી વટનો કટકો !
- તેના પિતાજીએ તો નક્કી જ કરેલું, જે ભટ્ટાની બધી વાત માનવા તૈયાર હોય, ભટ્ટાનું કહ્યું કરનાર હોય, તેની જ સાથે ભટ્ટાને પરણાવવી !
અતિશય પ્રેમ કેટલો ખતરનાક હોય છે?
- માતા-પિતા એમ માનતા હોય છે કે, ખૂબ જ પ્રેમ કરીને તેઓ બાળકનું પુષ્કળ હિત કરે છે, એને જરાય તકલીફ પડવા દેતા નથી.
- પણ આવા મા-બાપ ભૂલી જતા હોય છે કે, અતિશય પ્રેમ જ બાળક માટે ઝેર બની જતો હોય છે, આથી સંતાનો બગડી જતા હોય છે.
- જે બાળક નાનપણમાં કોઇ જ દુઃખ વેઠ્યું નથી હોતું, તે મોટો થઇને દુઃખથી ડરતો જ રહેવાનો !
- થોડાક દુઃખની કલ્પના માત્રથી તે ધ્રુજી ઊઠવાનો ! જીવનથી હતાશ થઈ જવાનો !
જંગલના ઝાડ અને બગીચાના ઝાડ વચ્ચે તફાવત શું ?
-
ભયંકર વાવાઝોડું આવે તોય જંગલી ઝાડ અડીખમ રહે છે, ને બગીચાના પપૈયા વગેરેના ઝાડો પડી જાય છે, આમ કેમ થાય છે ?
-
જંગલના ઝાડોએ પાણીની શોધમાં પોતાના મૂળ ઊંડે સુધી જવા દીધા હોય છે, જ્યારે પપૈયા વગેરેના ઝાડને તો માળી રોજ પાણી પાય છે, વિના તકલીફે પાણી મળતું રહે છે, આથી મૂળીયા ઉપર જ રહે છે. પરિણામે, જરાક વાવાઝોડું અને પપૈયું ધરાશાયી !
-
દુઃખ અને તકલીફો વચ્ચે ઉછરેલા સંતાનો જંગલના વડ વગેરે ઝાડ જેવાં હોય છે, અત્યંત લાડકોડમાં ઊછરેલા સંતાનો પપૈયા જેવાં હોય છે, પણ બાળક પ્રત્યેના મોહમાં ઘેલા બનેલા માતા-પિતાઓને આ વાત ક્યાંથી સમજાય ?
એક વખતે નગરના મંત્રીની નજર ભટ્ટા પર પડી ગઈ.
-
ભટ્ટા એમના મનમાં વસી ગઇ, ભટ્ટાના પિતાજી પાસે તેનું માગું મૂક્યું, મંત્રી જેવો જમાઇ મળે પછી કોણ ના પાડે ?
-
પણ તોય ભટ્ટાના પિતાજી જરાય ઉતાવળા ન થયા…
ભટ્ટાના પિતાએ મંત્રીને સ્પષ્ટ કહી દીધું,
હું તો મારી લાડકીને એની સાથે જ પરણાવવા માંગુ છું,
જે એની બધી આજ્ઞા માને,
એનું કહ્યું કરે.
બોલો, તમે તૈયાર છો ?
-
મંત્રીશ્વર ભટ્ટા પાછળ એટલા મુગ્ધ બનેલા હતા કે, આવી વાત પણ સ્વીકારી લીધી, જે સામાન્ય રીતે કોઇ પણ મર્દ પુરુષ સ્વીકારે નહિ. રંગેચંગે ભટ્ટાના લગ્ન થયા.
- થોડા દિવસો તો સારી રીતે પસાર થયા.
- એક-બે વાર ભટ્ટાના પતિ રાત્રે મોડા આવ્યા.
- ભટ્ટાને લાગ્યું કે હવે મારે મારો વટહુકમ બજાવવો જોઇએ.
અને વળતે જ દહાડે ભટ્ટાએ ધડાકો કરી દીધો
- જો તમારે મારો પ્રેમ જોઇતો હોય તો સૂર્યાસ્ત પહેલાં ઘેર આવી જવું.
- જો આ વચનનો ભંગ થયો છે તો પરિણામ સારું નહિ આવે.
ભટ્ટાના પતિએ નીચી મૂંડીએ વાત સ્વીકારી લીધી. વાસનાના ગુલામે સ્ત્રીના ગુલામ થઇને જ રહેવું પડે !
- વળી, તેના પતિ તો શરતથી બંધાયેલા હતા. એટલે તેની વાત માન્ચે જ છૂટકો હતો !
- હવે રોજ તેઓ સૂર્યાસ્ત પહેલાં જ ઘેર આવી જવા લાગ્યા. ભટ્ટા મનોમન ખુશ થવા લાગતી !
- ભટ્ટાનો અહં પુષ્ટ બનતો રહ્યો.
- મનોમન ભટ્ટા પોતાના વટને વખાણતી
વાહ ! હું કેવી ?
આખું નગર જે મંત્રીને સલામ ભરે, તે માણસ મારી રજેરજ આજ્ઞા સ્વીકારે,
હું કેવી પ્રભાવશાળી ?
રાજા પણ જેની સાથે મંત્રણા કરે, જેની વાત સ્વીકારે, એ મંત્રીને હું ટચલી આંગળીએ નચાવું.
કોણ કહે છે કે હું અબળા છું ?
મને અબળા કહેનારા જ નબળા છે.
તેઓએ હજુ મારી અંદર છુપાયેલી કળા જાણી નથી.
બાકી, જેઓ સ્ત્રીઓની કળા જાણે, તેઓ અમને કદી “અબળા” નહિ કહે.
એક દિવસ સૂર્યાસ્ત થયો છતાં તેના પતિ ન આવ્યા.
વધુ આવતા ભાગમાં…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶