ભાગ ૮૮: ક્યાં જવું ? દુકાને જવું કે વ્યાખ્યાને ? તપ કરવું કે ખાવું? સંસાર સંભાળવો કે ધર્મ ?
આગળના ભાગમાં આપણે જોયું કે અહિંસાના વિષયમાં ઘણા એવું માને છે કે જીવ મરે તો જ હિંસા પણ તે સાચું નથી…
હવે આગળ,
આજ્ઞા
શાંતિનાથ ભગવાનના દસમા ભવની આ વાત છે.
- સમક્તિ પામ્યા પછીના ભવની ગણતરી થાય તે મુજબ શાંતિનાથ ભગવાનના જીવે પ્રથમ શ્રીષેણના ભવમાં સમક્તિ મેળવ્યું હતું.
- પુંડિરિકિણી નગરમાં ઘનરથ રાજાને બે રાણીઓ હતી. એકનું નામ પ્રિયમતી અને બીજીનું નામ મનોરમા.
- આમ તો બે શોકયો પણ તેમનો પ્રેમ જોઈએ તો સગી બે બેનો.
- સમય જતાં બંને ગર્ભવતી થઈ અને બંનેએ પુત્રનો જન્મ આપ્યો.
- પ્રિયમતીએ જે પુત્રને જન્મ આપ્યો તેનું નામ રાજાએ મેઘરથ પાડ્યું અને મનોરમાના પુત્રનું નામ રાજાએ દઢરથ પાડયું.
- મેઘરથ અને દઢરથનોે પ્રેમ બળદેવ વાસુદેવ જેવો. એક બીજાથી એક બીજા જુદા ન પડે.
- થોડા સમય થયો ત્યાં તો ઘનરથ રાજાએ સંયમ લીધું અને સર્વ રાજ્યનો ભાર મેઘરથને સોંપ્યો. આ ઘનરથ જિનેશ્વર ભગવંત થયા.
મેઘરથનું રાજ્ય મોટું હતું
- રિદ્ધિ સિદ્ધિનો પાર ન હતો.
- દેવાંગનાઓ સરખી રાણીઓ તેના અંતઃપુરમાં હતી.
- મેઘરથને કાંઈ કમી ન હતી છતાં મેઘરથને ન હતો પ્રેમ રાજ્ય ઉપર, ન હતો સ્ત્રીઓ ઉપર કે ન હતો દુનિયાના રંગ રાગ ઉપર.
મેઘરથની રાજ્યસભા એટલે ધર્મસભા.
- ત્યાં રોજ પૂણ્ય પાપના ભેદ ઉકેલાય, કર્મના સંબંધનો વિચાર થાય અને પૂર્વજન્મના સંસ્કારોની અગત્યતા સમજાવાય.
- મેઘરથે એવી સુંદર છાપ પાડી હતી કે રાજ્યસભામાં તો રાજાઓ ભેગા થાય પણ મેઘરથ પૌષધ લે ત્યાં પણ રાજાઓની ઠઠ રહેતી, સામંતોની ઠઠ રહેતી.
- તે પણ બધા મેઘરથ સાથે પૌષધ લેતા અને મેઘરથની વાણી સાંભળતા.
સ્વર્ગના દેવ ઇન્દ્રએ દેવોની સભામાં પૃથ્વી પરના રાજા મેઘરથની બહાદુરી અને દયાળુપણાની ખૂબ પ્રશંસા કરી.
- એમણે કહ્યું કે રાજા મેઘરથ પોતાના શરણે આવેલાને રક્ષણ આપવા માટે પોતાના પ્રાણ આપતાં પણ અચકાય નહિ.
- બે દેવોએ ઇંદ્રની વાતનો વિરોધ કર્યો તેથી ઇંદ્રએ તેમને પૃથ્વી પર જઈને જાતે જ જોઈ લેવા જણાવ્યું.
- તેઓએ વેશપલટો કરી એકે કબૂતરનું તથા બીજાએ શિકારી બાજ પક્ષીનું રૂપ લીધું.
મહાવિદેહની પુંડરીકિણી નગરીનો રાજા મેઘરથ પૌષધશાળામાં પૌષધ લઇને બેઠો હતો.
- રાજા હોવા છતાં ધર્મ-નિયમોનું ચુસ્તપણે પાલન કરતો.
- પૌષધમાં આશ્ચર્યજનક ઘટના બની.
એક કબૂતરે આવીને રાજાનું શરણું લીધું,
બચાવો… બચાવો… ઓ મહારાજા !
મને બચાવો. હું આપના શરણમાં છું. આપ શરણાગત વત્સલ છો.
- આમ બોલતું એક કબૂતર રાજાના ચરણોમાં આવી પડ્યું.
- કબૂતરો તો ઘણા જોયા હતા, પણ આમ માણસની ભાષામાં બોલતું કબૂતર રાજાએ પહેલીવાર જોયું.
ભયથી ધ્રુજતા કબૂતરને રાજાએ કહ્યું,
તું ભય ન પામ.
હવે કોઇની તાકાત નથી કે તને મારી શકે.
તું મારા શરણે છે.
શરણાગતનું રક્ષણ જીવના જોખમે પણ કરવું - એ અમ ક્ષત્રિયોનો ધર્મ છે.
- આમ રાજા બોલી જ રહ્યો હતો ત્યાં જ ફટ… ફટ… પાંખો ફફડાવતું બાજ પક્ષી આવી પહોંચ્યું.
અને મનુષ્યની ભાષામાં બોલવા માંડ્યું,
રાજન ! એ કબૂતર મને આપી દો.
મને બહુ ભૂખ લાગી છે.
રાજા,
એ કબૂતર તને નહિ મળે. એ મારા શરણમાં છે.
બાજ પક્ષી,
પણ મારી ભૂખનું શું ?
મારા પર દયા નહિ કરવાની ?
આ તમારો દયાધર્મ કેવો ?
કબૂતરની દયા ખાતર બાજને ભૂખ્યો મારવો… એમાં દયા ક્યાં રહી ? તમે જ વિચારો! (બાજે દલીલબાજી કરી.)
રાજા,
તને ભૂખ લાગી હોય તો ઘણાય ચણ મળી શકશે.
બાજ પક્ષી,
અરે, રાજન !
શું આપને ખ્યાલ નથી કે બાજ માંસાહારી છે?
અમારે ચણથી શું કામ?
અમને તો માંસ જોઇએ માંસ !
તાજું માંસ ! બીજું કાંઇ હું ન જાણું.
મને મારું કબૂતર પાછું આપો અથવા તાજું માંસ આપો.
- રાજા મુશ્કેલીમાં મૂકાઈ ગયા. શું કરવું ? આ બાજુ વાઘ ને આ બાજુ નદી! અહીં જાઉં તો વાઘ ફાડી ખાય ને ત્યાં જાઉં તો નદી તાણી જાય!
- કબૂતર આપું તો જીવ-હત્યા થાય ને ન આપું તો બાજ ભૂખ્યો મરે! હવે કરવું શું?
- કબૂતર તો કોઇ હિસાબે ન આપવું - એ દ્રઢ સંકલ્પ હતો. તો શું બીજા કોઇનું માંસ આપી દેવું ? નહિ.. એ કદી નહિ બને. એવો વિચાર પણ થઇ શકે નહિ. માંસ કોઈને માર્યા વિના મળી શકે નહિ. આ કબૂતરને મારો કે બીજા કોઇને મારો… હિંસા બંને સ્થાને સમાન છે.
હવે શું કરવું?
આપણા જીવનમાં પણ ઘણીવાર આવા સંકટો ઊભા થતા હશે ત્યારે આપણે વિચારતા હશું,
હવે શું કરવું? ક્યાં જવું ? દુકાને જવું કે વ્યાખ્યાને ? તપ કરવું કે ખાવું? સંસાર સંભાળવો કે ધર્મ ?
- આવા મૂંઝવણમાં મૂકી દેતા પ્રશ્નો ઘણીવાર જાગતા હોય છે ને? ભરત ચક્રવર્તીની સમક્ષ આવો જ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો ને? અત્યારે ક્યાં જાઉં? ચક્રરત્નની પૂજા કરું કે પિતાજીને કેવળજ્ઞાન થયું છે ત્યાં જાઉં? ભરત તો વિવેકી હતા અને તેમણે કેવળજ્ઞાનને પ્રધાનતા આપી. આપણે શું કરીએ?
રાજા માટે પ્રશ્ન તો આનાથી પણ વિકટ હતો.
- પણ મન જો ધર્મને સંપૂર્ણ સમર્પિત હોય તો બધાના ઉકેલ મળી રહે છે.
-
હવે પછીના ભાગમાં આપણે જોઇએ કે રાજાને કઇ યુકિત સુઝી ?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶