🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૮૯: સવાલ હૃદયમાં રહેલી કરુણાની ધારાનો છે!

આગળના ભાગમાં આપણે જોયું કે બાજની દલીલ સાંભળી રાજા મુશ્કેલીમાં મૂકાઈ ગયા.

કબૂતર આપું તો જીવ-હત્યા થાય ને ન આપું તો બાજ ભૂખ્યો મરે! હવે કરવું શું?

હ​વે આગળ,

આજ્ઞા


રાજાને એકાએક વિચાર આવ્યો,

  • હું મારું જ માંસ આપી દઉં તો કેમ?
    કબૂતર પણ બચી જશે અને બાજ પક્ષીની ભૂખ પણ શાંત થશે.

રાજા,

હું બીજા કોઇનું માંસ તો તને આપી શકું નહિ, પણ મારું માંસ આપી શકીશ.
બોલ તું તૈયાર છે ?

બાજ પક્ષી,

હા… મને ચાલશે.
પણ શરત માત્ર એટલી કે કબૂતર જેટલું જ માંસ મારે જોઇએ.
એથી જરાય ઓછું ન ચાલે, એ માટે તમારે ત્રાજવું મંગાવવું પડશે.

  • રાજાએ ત્રાજવું મંગાવી એક પલ્લામાં કબૂતર રાખ્યું અને બીજી બાજુ પોતાનું માંસ કાપીને નાખવા તૈયાર થયા.
  • રાજાએ છરી હાથમાં લીધી.

આપણા જેવા કદાચ વિચારે,

એક કબૂતરને બચાવવા આટલું બલિદાન ?
આમ કરવાની જરૂર શી ?

  • દુનિયામાં લાખો-કરોડો કબૂતરોને બાજ પક્ષીઓ આમેય મારી જ રહ્યા છે. એક કબૂતર ભલે વધારે મરે. એમાં શો ફરક પડવાનો છે ?
  • સવાલ ફરક પડવાનો નથી, સવાલ હૃદયમાં રહેલી કરુણાની ધારાનો છે!

આપણે કહેશું

એક કબૂતર જવા દો. બાકી આખી દુનિયાના જીવો પર દયા કરો ને ! દયા પાત્ર ઘણાય જીવો છે.

અહીં આપણે એ સમજ​વાનું છે કે જે માણસ પોતાની સામે જ રહેલા એક જીવ પર દયા કરતો નથી, તે દૂર રહેલા જીવો પર શી રીતે દયા કરી શકશે ?

  • એની દયા તો દંભનો જ પર્યાય માત્ર હશે ! માત્ર મનની ચાલાકી હશે !
  • વળી, આખી સૃષ્ટિ એક-બીજા સાથે સંકળાયેલી છે, એકની હત્યામાં સર્વ જીવોની હત્યા છે.
  • એકની રક્ષામાં સર્વની રક્ષા છે બધા જ જીવો એક જ સૂર્યના કિરણો છે. એક જ ફૂલની પાંખડીઓ છે. એક જ હાંડીના ચોખા છે. એક જ ડાળના પંખી છે. એક જ જહાજના મુસાફરો છે. એક જ સમુદ્રના બિંદુઓ છે. એક જ સંગીતના સ્વરો છે. એમાંથી એકની પણ ઉપેક્ષા થઇ શકે નહિ.

જ્યારે આપણી ચેતના વિરાટ બને છે, વિશ્વચેતના બને છે ત્યારે એકેક જીવો પ્રત્યે કરુણા પ્રગટે છે, પ્રેમની ધારા વહે છે.

  • છરીથી રાજાએ પોતાના સાથળમાં રહેલું માંસ કાપીને ત્રાજવામાં રાખ્યું.
  • કહેવામાં આ જેટલું સરળ છે, તેટલું કરવામાં નથી! એક કાંટો વાગી જાય તોય ચીસ નીકળી જાય ત્યાં છરીની વેદના કેટલી હશે? એ કલ્પના કરી જોઇએ.
  • પણ હૃદય જ્યારે બીજા પ્રત્યે પ્રેમથી ઊભરાય છે, ત્યારે આવું દુઃખ પણ દુ:ખ નથી લાગતું, સુખ લાગે છે.
  • બીજાને જો થોડુંકેય સુખ મળતું હોય તો કરુણાપૂર્ણ હૃદય પોતાના પર અનેક દુઃખો ઝીલી લેવા તત્પર બની જતું હોય છે.

રાજા તો કાપી-કાપીને માંસના ટૂકડા ત્રાજવામાં મૂકવા માંડ્યો…

  • પણ આશ્ચર્ય ! હજુ કબૂતરનું પલ્લું નીચું જ હતું ! આટલું વજનદાર કબૂતર ક્યારેય જોયું નહોતું.
  • બંને સાથળનું માંસ કાપ્યા પછી હવે શું કાપવું?
  • રાજાએ વિચાર્યું, હવે કાપવાથી નહિ ચાલે. મારે આખાને આખા ત્રાજવામાં બેસી જવું પડશે.

  • ને… રાજા ત્રાજવામાં બેસી ગયો.

  • ચારેય બાજુ હાહાકાર થઇ ગયો.

રાજા સાથે પૌષધ કરનારા તથા સામંતો, સેનાપતિઓ વગેરે કહેવા લાગ્યા,

રાજન ! બસ કરો… બસ કરો… એક કબૂતર માટે આપ બલિદાન કાં આપો ? આપના વિના રાજ્ય નધણિયાતું થઈ જશે.
આપના જીવનમાં સેંકડોનાં જીવન છે.
આપના મૃત્યુમાં સેંકડોનાં મૃત્યુ છે.
આ કબૂતર પણ કોઇ દેવમાયા લાગે છે.
નહિતો આટલું વજન હોય શાનું ?
મનુષ્યભાષામાં બોલે શાનું ?
આપ વિચારો અને આ કૃત્યથી પાછા ફરો.

  • બધા લોકો આ પ્રમાણે બોલતા હતા ત્યાં જ પ્રકાશનું એક જબરદસ્ત વર્તુળ પેદા થયું. એ તેજોવર્તુળમાં એક દેદીપ્યમાન દેવ પ્રગટ થયો.

  • રાજા આશ્ચર્ય ચકિત થઈ ગયો.
    ન હતું કબૂતર ! ન હતો બાજ !
    ન હતું ત્રાજવું ! ન હતું રાજાનું કપાયેલું શરીર !
    રાજા આરામથી પૌષધશાળામાં બેઠો હતો. જાણે કશું બન્યું જ નથી !

પેલો દેવ કહેવા લાગ્યો,

હે રાજન ! આપની ધાર્મિકતાની - દયાની પ્રશંસા મેં ઇશાનેન્દ્ર પાસેથી સાંભળી ત્યારે મને પરીક્ષા કરવાનું મન થયું.
હું ઇશાન દેવલોકનો દેવ છું.
આપને જોયા પછી ખાતરી થઇ છે કે બીજાને બચાવવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા લોકો પણ વિશ્વમાં હોય છે.
પોતાની રક્ષા માટે બીજાનો ભોગ લેનારા તો ઘણા જોયા, પણ બીજાની રક્ષા માટે પોતાનો ભોગ આપનારા મેં પહેલીવાર જોયા.
હે નૃપતિ ! આપને આટલું બધું કષ્ટ આપ્યું - તે માટે હું દિલગીર છું.

  • આમ કહીને તે તેજોમય દેવ અદ્રશ્ય થઇ ગયો.

ત્યાર પછી રાજાએ દીક્ષા લીધી.

  • વીશસ્થાનક તપની આરાધના સાથે વિશ્વના સર્વ જીવોના ઉદ્ધારની ભાવના ભાવી તીર્થકર નામકર્મ બાંધ્યું…
  • અને આખરે રાજા શ્રી શાંતિનાથ પ્રભુ નામે ૧૬મા તીર્થકર બન્યા.

અહિંસાધર્મ અને સંયમધર્મ પછી તપધર્મ બતાવ્યો છે.

  • ધ્યેય તરીકે અહિંસા બતાવી, તેને સિદ્ધ કર​વા માટે સંયમ બતાવ્યું એ સંયમને વિશુદ્ધ બનાવ​વા માટે તપ છે.
  • પ્રભુએ ભુતકાળના કર્મોની નિર્જરા માટે તપ કર​વાનું કહ્યું છે.
  • ઇચ્છાના નિરોધને શાસ્ત્રમાં તપ કહ્યો છે

જ્યારે આપણને ઇચ્છાઓનો અંત લાવ​વો છે એ લક્ષ્ય જ કેળ​વાયું નથી.

  • આપણે આપણી શક્તિનો ઉપયોગ ઇચ્છાની પૂર્તિ કરવામાં જ કરીએ છીએ અને ઇચ્છાપૂર્તિને જ આપણે ઇચ્છાઓનો અંત માની લીધો છે.
  • પરંતુ તેના લીધે ઇચ્છાઓ કદી શાંત થતી નથી.

ખરેખર તો ઇચ્છાઓને સફળ બનાવ​વા પ્રયત્ન ન કરીએ તો, બળતણ ન મળ​વાથી જેમ અગ્નિ શાંત થાય છે તેમ ઇચ્છાઓ પણ શમી જાય છે અને અંતે વિનાશ પામે છે. અને એ જ તપ બને છે.

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો