ભાગ ૮૭: દુઃખનો પ્રતીકાર કરવાથી કે દીનતાપૂર્વક દુઃખ વેઠવાથી સંસાર વધે છે અને દીનતા વગર દુઃખ વેઠી લેવાથી સંસાર કપાય છે. શું કરવું છે ?
આગળના ભાગમાં આપણે જોયું કે પરમાત્માના શાસનની હિંસા અને અહિંસાનું સ્વરૂપ સમુદ્રના ઉંડાણ જેવું છે અને જાણ્યું કે, રથયાત્રામાં હાથી-ધોડા ઉપર બેસવું એ શું હિંસા છે ? તેમજ મહાપૂજામાં લાખો ફૂલોનો થતો શણગાર એ શું હિંસા છે ?
હવે આગળ,
આજ્ઞા
અહિંસાના વિષયમાં ઘણા એવું માને છે કે જીવ મરે તો જ હિંસા, પણ પ્રાણ ૧૦ પ્રકારે છે.
- પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય.
- આમાંથી કોઇ એકને પણ હાનિ પહોંચે તો હિંસાનું પાપ લાગે.
- જેમકે કોઇના મનને ઠેસ પહોંચાડીએ તો મન નામના પ્રાણની હિંસા થઇ.
એકબાજુ ઘરના લોકોને - માતા, પિતા, ભાઇ, બહેન, પત્ની, સંતાન વગેરેને દુ:ખ પહોંચાડે અને બીજી બાજુ જીવદયા કરે તો એ ચાલે?
- આપણને દુ:ખ થાય તો વાંધો નહીં પણ બીજાને મનદુ:ખ થાય એવુ નથી કરવું એ સાચી અનુકંપા.
- મને જેમ સુખ ગમે છે અને દુ:ખ નથી ગમતુ તેમ દરેક જીવોને સુખ ગમે છે, દુ:ખ કોઇને ગમતુ નથી. માટે, મારે કોઇને પણ દુ:ખ આપવું નથી.
- બીજાનું દુ:ખ ટાળવું એ આપણા હાથની વાત નથી, પરંતુ બીજાને આપણા તરફથી દુ:ખ ન આપવું એ આપણા હાથની વાત છે.
દુઃખનો પ્રતિકાર કરવાથી કે દીનતાપૂર્વક દુઃખ વેઠવાથી સંસાર વધે છે અને દીનતા વગર દુઃખ વેઠી લેવાથી સંસાર કપાય છે.
- સહન નથી થતું એમ કહીને પ્રતિકાર કરવોે કે સંસાર પૂરો કરવા સહનશીલતા કેળવી લેવી?
- દુ:ખ ન આપવુ એ જેમ ભગવાનની આજ્ઞા છે તેમ કોઇએ પણ આપેલું દુ:ખ વેઠી લેવું એ પણ ભગવાનની આજ્ઞા છે પણ તે આપણને ગમતી નથી કારણ કે આપણે આપણી જાતને નિર્દોષ માનીએ છીએ. અહીં ગૌતમબુદ્ધનું એક દ્રષ્ટાંત આપણે જોઇએ.
ગૌતમબુદ્ધના ભિક્ષુઓ જ્યારે ભિક્ષાએ જવા નિકળ્યા ત્યારે ગૌતમબુદ્ધ:
હે ભિક્ષુઓ ! તમે જે ક્ષેત્રમાં ભિક્ષાએ જાઓ છો ત્યાં તમને કોઇ ભિક્ષા નહીં આપે તો ?
ભિક્ષુઓ:
કાંઇ વાંધો નહીં, તિરસ્કાર તો નહીં કરે ને ?
ગૌતમબુદ્ધ:
તિરસ્કાર કરશે તો?
ભિક્ષુઓ:
મારશે તો નહીં ને?
ગૌતમબુદ્ધ:
મારશે તો?
ભિક્ષુઓ:
મારી તો નહીં નાખે ને?
ગૌતમબુદ્ધ:
મારી નાખશે તો?
ભિક્ષુઓ:
ભલે મારી નાંખે. આત્માને તો નહીં જ હણે ને?
- ત્યારે ગૌતમબુદ્ધ પ્રસન્ન થઇ ને કહે છે, જો આટલી તૈયારી હોય તો ખુશી થી જાઓ.
ગૌતમબુદ્ધના અનુયાયીમાં જો આટલી ક્ષમતા હોય તો આપણે તો શ્રી મહાવીર પ્રભુના અનુયાયી છીએ ને!
- ભગવાનની આજ્ઞા પાડવા માટે ગમે તેવુ દુ:ખ વેઠવું પડે તો તેમાં જરાય પાછીપાની નથી કરવી એવો આપણો દ્રઢ નિર્ધાર હોય જ ને ! આ થઇ તિતિક્ષા.
અનુકંપા અને તિતિક્ષા
- આ બે પરિણામ ભેગા થાય તો સાચો અમારિધર્મ આવે.
- એકલી અનુકંપાથી નિસ્તાર નથી, જેની તિતિક્ષા કાચી તે અનુકંપા સાચવી ન શકે.
- જેને દુ:ખ સહન કરવાની વૃતિ ન હોય તેને બીજાને દુ:ખી બનાવ્યે જ છૂટકો થવાનો.
- બીજાનું દુ:ખ ટાળવા માટે જાતે દુ:ખ ભોગવી લેવા સિવાય બીજો કોઇ ઉપાય નથી.
જે સહનશીલ બને તે બીજાનું દુ:ખ મજેથી ટાળી શકે.
આવતા ભાગમાં આપણે શ્રી શાંતિનાથ ભગવાનના જીવે પારેવાને અભયદાન કઇ રીતે આપ્યું તે જોઇએ…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶