🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

દિવસ-૧: શ્રી શસ્ત્રપરિજ્ઞા અધ્યયન

વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૧ !

  • આધાર: શ્રી શસ્ત્રપરિજ્ઞા અધ્યયન (અધ્યયન-૧)

વ્યાખ્યાતા:

  • મુનિરાજ શ્રી તીર્થપ્રેમવિજયજી મ. સા.

આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:


  • રાષ્ટ્રની સંરચના વખતે જેમ સંચાલક એટલે કે વડાપ્રધાન વિ. અને સંચાલનપદ્ધતિ એટલે કે સંવિધાનનો નિર્ણય થાય તો જ રાષ્ટ્ર-રચનાની પ્રક્રિયા સંપૂર્ણ ગણાય, તેમ શાસનના સંચાલક અર્થાત્ ગણધર અને સંચાલનપદ્ધતિ અર્થાત્ દ્વાદશાંગીની રચના પૂર્ણ થતાં શાસનસ્થાપનાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
  • આ રીતે દ્વાદશાંગી એ જૈનશાસનનું સંવિધાન છે.

શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ વિભાગના પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં જીવનું અસ્તિત્વ પુરવાર કરેલ છે.

  • કેમ કે, જીવત્વની સિદ્ધિ એ દાર્શનિક જગતનો સૌથી પેચીદો પ્રશ્ન છે.
  • તેના ઉપર જ મોક્ષમાર્ગ અને મોક્ષ નો પૂરો મદાર છે.
  • જીવતત્વના સત્ય નિર્ણય પછી જ નવતત્વના આગળના આઠ તત્વને જાણવાનો અર્થ સરે છે. અન્યથા આઠ તત્વનો આખો સિદ્ધાંત નિરર્થક છે.

વર્તમાનકાળમાં સાધુને,

  • શ્રી દશવૈકાલિક સૂત્રના અભ્યાસ દ્વારા જીવ-અજીવનું જ્ઞાન ન થાય ત્યાં સુધી વડીદીક્ષા પ્રાપ્ત નથી થતી.

આના પરથી એટલું જાણવું જોઈએ કે,

  • દીકરો ઉંબરો વટાવે એટલે, વ્યવસાયમાં પ્રવેશે અને દીકરી આંગણું છોડે એટલે, સાસરે જાય તે પહેલાં અવશ્ય તેમને જીવવિચારની સમજણ તો હોવી જોઈએ…

જૈનધર્મનું ફળ ભલે મોક્ષ છે પણ તેનું મૂળ છે અહિંસા…

  • આપણી અંદર રહેલા વિષય- કષાય એ ભાવશસ્ત્ર છે, અને અણુબોમ્બ કરતાંય વધુ ઘાતક છે.
  • આપણી રહેણી-કરણી… પહેરણ-ઓઢણ… બોલ-ચાલ… હાવ-ભાવ… વિચાર- વાણી- વર્તન અન્યને વિષય કષાય જગાડે તો એ અન્યની અને પોતાની ભાવ હિંસા છે.

"સુઅં મે આઉસં! તેણ ભગવયા એવમક્ખાયં"


  • શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ સૂત્રમાં શ્રી સુધર્માસ્વામીજી જંબુ સ્વામીને આયુષ્માન એવું સંબોધન કરે છે.
  • પોતાના આશ્રિતો-સંતાનો માટે કેવું સંબોધન હોવું જોઇએ તે અહીંથી શીખી શકાય છે. આશ્રિતો માટે થનાર આયુષ્માન સંબોધન આશ્રિત ને દીર્ઘ આયુષી બનાવે છે.
  • જ્યારે તેમની માટે નકામો, નાલાયક, નવરો વિ. સંબોધન તેમને તેવા બનવા પ્રેરે છે.

what you speak out, turns out…
તમે જેવું બોલો છો તેવું થાય છે.

  • શ્રી સુધર્માસ્વામીજીના પાસે શાસનના sole rights હોવા છતાં તેઓ પોતાની રીતે મનઘડંત વાતો નહીં પણ પ્રભુ પાસે શ્રવણ કરેલી વાતોને પ્રભુના નામે રજૂ કરે છે.

જૈનશાસન સમર્પણપ્રધાન છે. તેમાં મનઘડંત વાતો કે મનમાનીનું કોઈ સ્થાન નથી.

  • શ્રી સુધર્માસ્વામીજીના ગૂંથેલા શબ્દોનું મળવું એટલે પ્રભુના શ્રીમુખે આવેલા તત્વની live commentary…

"ઇહમેગેસિમ્ ણો સણ્ણા ભવઇ..........
કોહં આસી? કે વા ઇઓ ચુએ પેચ્ચા ભવિસ્સામિ?"


  • જગતના મોટા ભાગના જીવો ને એ જ સાન ભાન નથી કે હું ક્યાંથી આવ્યો છું…કોણ છું… ક્યાં જવાનો છું…?

શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી યોગશાસ્ત્ર વિ. ગ્રંથોમાં હરેક સાધક આત્માને ધર્મજાગરિકા કરવાની પ્રેરણા છે.

  • હરેક સાધક self introspection, Self interrogation દ્વારા જાત ને રિમાન્ડ પર લે કે, કરવા જેવું હું શું નથી કરતો અને ના કરવા જેવું શું કરી રહ્યો છું…
  • જે સાધક પોતાને આવા પ્રશ્નો કરે, તે જીવનમાં બેફામ પાપો અથવા બેદરકારી આચરી શકે ખરો??? ન જ આચરી શકે…

  • IAS,IPS,CA,CS,IIT ના પ્રશ્ન ઉકેલવા હજુ સહેલા છે પરંતુ હું કોણ છું??? શા માટે છું??? આવા પાયાના પ્રશ્નો ઉકેલવા વધુ કઠણ છે…

કોણ છું
શા કાજ છું
પ્રશ્નમાં તારાજ છું…!

  • શ્રી આચારાંગજીમાં આત્મનિરીક્ષણ માટે વિવશ કરી દે તેવા અનેક વિચારપ્રેરક સૂત્રો છે તેથી હુલામણા નામે તેને વિચારાંગ સૂત્ર પણ કહી શકીએ…

"પણયા વીરા મહાવીહિમ્"


  • ૯૦ વર્ષ પહેલાં દાંડીકૂચમાં ગાંધીજીએ ખેડેલો માર્ગ જો ઐતિહાસિક અને ગાંધીવાદીઓ માટે પૂજનીય ગણાય તો, ૨૫૦૦ વર્ષ પૂર્વે પ્રભુવીર અને ત્યારબાદ ગુરૂ ગૌતમસ્વામી, ગુરુ સુધર્માસ્વામી દ્વારા ખુંદાયેલો મોક્ષ માર્ગ આપણને પ્રાપ્ત થયો એ પરમપૂજનીય અને અહોભાવની ઘટના છે.
  • અહિંસા અને સત્યના પૂજારી ગણાતા મહાત્મા ગાંધી એ પ્રભુ મહાવીર પાસે અહિંસા અને સત્યની બાબતમાં ઘૂંટણીયે ચાલતા બચ્ચાથી વધુ ન ગણાય.
  • મહાત્મા ગાંધીજી પાસે જો સત્યના પ્રયોગો હતા તો ભગવાન મહાવીર તો સ્વયં સત્યની પ્રયોગશાળા હતા.

પ્રમાદમાં સમય વેડફાય ત્યારે વિચારીએ કે,

  • આ મહામાર્ગ વજ્રસ્વામીજી, હેમચંદ્રાચાર્યજી જેવા સ્વાધ્યાયરસિકો દ્વારા ખુંદાયેલો છે.
  • રસનાની આસક્તિ મનમાં જાગતાં જ વિચારીએ કે આ મહામાર્ગ અનેક વર્ધમાન તપના તપસ્વીઓ દ્વારા ખુંદાયેલો છે.
  • સંસાર તરફ મન ઢળે કે તરત વિચારીએ કે આ મહામાર્ગ પરમ ત્યાગી એવા ગુરૂ ભગવંતો દ્વારા ખેડાયેલો છે…
  • આ મહામાર્ગ પરમાત્માના મુખે ગવાયેલા આનંદ- કામદેવ જેવા અનેક શ્રાવકો,
  • વસ્તુપાળ- તેજપાલ જેવા શાસન સેનાની, કુમારપાળ જેવા ભક્તો દ્વારા ખેડાયેલો છે.

આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.

આચારાંગ વાચનાસત્રનાં બધા અમૃત-અંશો વાંચ​વા અહિં ક્લિક કરો




શેર કર​વા નીચે ક્લિક કરો