ભાગ ૨૬ (૪/૪): નવકાર અક્ષરધ્યાન પ્રયોગ
જૈન શાસ્ત્ર પ્રમાણે દ્રવ્ય પ્રાણાયામ કરતા ભાવ પ્રાણાયામનું મહત્ત્વ છે કેમ કે ગાથાના પાદને બદલે પ્રાણવાયુના લેવા મુકવાની ગણતરીમાં મન પડે, તો ગાથા-પાદ ઉપર મન લાગે નહીં એટલે કે ભાવ પ્રાણાયામ સાધવો હોય તો દ્રવ્ય પ્રાણાયામ પર જોર ન દેવાય નહિતર દ્રવ્ય પ્રાણ એ બાહ્ય ચીજ હોવાથી બાહ્ય ભાવમાં ભૂલા પડી જવાનું થાય ત્યારે શ્રી નવકાર સ્મરણ એ આંતરિક વસ્તુ છે, આત્મહિતની વસ્તુ છે, એમાં શુદ્ધ હ્રદયે લીન બનવામાં આંતર ભાવ સધાય છે.
-
પહેલાં શ્વાસોશ્વાસની ગતિ વ્યવસ્થિત કરવા માટે જ્યાં કાન ઉપર બીજા અવાજ ના આવે તેવા સ્થાને આંખ ધ્યાનસ્થ રાખીને ટટાર બેસી હાથ જોડીને એકદમ ઝપાટાબંધ શ્વાસ બહાર કાઢવો અને તરત જ પાછો શ્વાસ અંદર ખેંચવો એવું ૫-૭ વાર કરવું, પછી વ્યવસ્થિત રીતે શ્વાસ અને ઉચ્છવાસ ધીમે ધીમે ચાલશે.
- એ પછી ધ્યાનસ્થ આંખથી અંદરમાં નાભિ અથવા હ્રદય ઉપર નજર કરવી અને નાભિ કે હ્રદયને ધેરા લીલા રંગના કમળ જેવું દેખવું. તેમાં વચ્ચે કર્ણિકા અને તેની આસપાસ ૪ દિશા અને ૪ ખૂણામાં એમ ૮ પાંખડી જોવી.
-
હવે આ ૯ સ્થાનમાં નવકારના નવ પદનો એક એક અક્ષર અનુક્રમથી ઉપસાવવાનો છે. પેલા લીલા કમળમાં આ અક્ષર સળગતી ટ્યુબલાઇટ અથવા ચમકદાર મોતીની જેમ ચમક્તા સફેદ ઉપસાવવાના.
- પહેલાં શ્વાસ એકી સાથે જોશથી બહાર કાઢી નાખી પછી શ્વાસ અંદર લેતાં, પહેલાં કર્ણિકામાં ‘નમો અરિહંતાણં’ પદના અક્ષર પછી અક્ષર શ્વાસની ધારા સાથે ઉપસાવવાના.
-
અર્થાત શ્વાસ ધીરે ધીરે લેવાનું ચાલુ રાખી: “ન….મો….અ….રિ….હં….તા….ણં” ધારવું.
- આ એટલા સમય સુધી કે શ્વાસ લેવાનું ચાલુ છે.
-
તે છેલ્લો “ણં” અક્ષર ધરાય ત્યાં શ્વાસ લેવાનો પૂરો થાય. કદાચ “ણં” બોલ્યા પછી શ્વાસ હજી સહેલાઇથી વધુ લઇ શકાય તો “ણં” નો ટંકાર એટલો લંબાવવો.
-
અક્ષરની ધારણા એ રીતે, કે વચલી કર્ણિકામાં ક્રમસર એકેક સફેદ અક્ષર જાણે અંદર છૂપાયેલો અદ્રશ્ય હતો, તે હવે ઉપસતો આવે ને દ્રશ્ય બને. એ વખતે કમળની આઠ પાંખડીઓ કોરી ઘેરી લીલી પડી હોય.
- એ પછી તરત જ શ્વાસ ધીરે ધીરે બહાર કાઢતાં ઉપરની પાંખડીમાં ‘ન….મો….સિ….દ્ધા….ણં’ એમ અક્ષર ક્રમશ ઉપસતા આવે.
-
આ અક્ષરો ઉપસાઇ જાય અને શ્વાસ બહાર કાઢવાનું પુરું થાય, કદાચ અક્ષર વહેલા પૂરા થઇ જાય તો છેલ્લા “ણં” પર ઠહેરી શ્વાસ કાઢવાનું પુરું કરાય, પણ તે ચાલુ ગતિ એ જ શ્વાસને બહાર નીકળવા દેવાનો.
- એ પછી તરત જ જમણી બાજુની વચલી પાંખડી પર નજર લઇ જઇ શ્વાસ અંદર લેવાનું શરૂ કરાય, અને સાથે ક્રમશ:
- ‘ન….મો…. આ….ય….રિ….યા….ણં’ અક્ષર એક પછી એક ઉપસતા આવે.
- પછી શ્વાસ મૂકતા જતાં ચોથા પદનો ક્રમસર એકેક અક્ષર જોવાનો.
-
એવું સિદ્ધચક્રના ગટાના ક્રમે કમળની બાકીની પાંખડીઓમાં અક્ષર ધારણા કરવી.
- આ રીતે એક પદ શ્વાસ લેતાં, ને એક પદ શ્વાસ ઉપસતો જોવાનો, ને દરેક શ્વાસ કે ઉચ્છવાસનું કાર્ય તે તે પદના છેલ્લા અક્ષરે પૂર્ણ થાય.
- એમ એક નવકાર પૂર્ણ થયે તરત જ બીજો નવકાર, એ પૂર્ણ થયે તરત જ ત્રીજો નવકાર…
-
એમાં રોજ અભ્યાસ વધતાં શ્વાસ ઉચ્છવાસની ગતિ ધીમી ધીમી થતી આવે.
- અહીં નવકારની સંખ્યા વધવાનો લોભ નથી કરવાનો પરંતુ તેના એકેક અક્ષર ઉપર સ્થિરતા વધારવાની છે, તે પણ નિયમિત શ્વાસ કે ઉચ્છવાસ સાથે.
વધુ માહિતી માટે નીચે આપેલ VIDEO જુવો.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶