🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૧: શ્રી ન​વકારમંત્ર ચૌદપૂર્વનો સાર

શ્રીનવકાર મહામંત્ર ચૌદપૂર્વનો સાર છે એનો અર્થ એ કે નવકારનો વિસ્તાર તે ચૌદપૂર્વ.

ચૌદપૂર્વનું અગાધજ્ઞાન માત્ર નવપદોમાં (નવકારના) કેમ સમાવી શકાય?

એ શંકાનું સમાધાન નીચેની કથામાં મળી રહેશે.

  • ચાર ગોઠીયા મિત્રો હતા. તેઓ ભણવા માટે કાશી ગયા. ત્યાં બાર વર્ષ રહીને દરેકે એક એક શાસ્ત્રમાં નિપુણતા-માસ્ટરી મેળવી.
  • એકે આયુર્વેદમાં, બીજાએ ધર્મશાસ્ત્રમાં, ત્રીજાએ નીતિશાસ્ત્રમાં, અને ચોથાએ કામશાસ્ત્રમાં.

  • ચારે મિત્રોએ વિચાર કર્યો કે આપણે આપણું જ્ઞાન જગત આગળ મૂકીએ અને ધન મેળવીએ.
  • એ માટે ચારે એ નિર્ણય કર્યો કે દરેકે પોતપોતાના વિષય પર લાખ લાખ શ્લોક પ્રમાણ ગ્રંથ લખ​વો.
  • નિર્ણય મુજબ રાત-દિવસ જહેમત ઉઠાવી તેઓએ ગ્રંથો તૈયાર કર્યા. પરંતુ જ્યાં સુધી એની કદર કરનાર ન મળે ત્યાં સુધી એ ગ્રંથોની કિંમત શું?
  • તેઓની નજર જિતશત્રુ રાજા તરફ ગઈ. તે રાજા વિઘાપ્રિય હતો. તેની પાસે આપણી કદર થશે એમ વિચારી ચારે પંડિતો ગ્રંથોના થોકડા ઉપાડી - જિતશત્રુ રાજાના દરબારે પહોંચ્યા. રાજાએ આગમનનું કારણ પૂછ્યું. પંડિતોએ સઘળી હકીકત જણાવીને કહ્યું કે, આપ અમારા ગ્રંથો સાંભળી જરૂર અમારી કદર કરશો.
  • આ સાંભળી વિદ્વાન રાજા સમજી ગયો કે એક એક વિષય ઉપર લાખ લાખ શ્લોકો રચ્યા છે એટલે વિષયને વિસ્તારવાની શક્તિ તો આ પંડિતોમાં અજબ છે, પરંતુ એનો સંક્ષેપ કરવાની શક્તિ-કળા જોઉં તો ખબર પડે કે પંડિતોને પોતપોતાના વિષયનું જ્ઞાન કેટલું સંગીન છે.

  • રાજા: “રાજય કારભારના અનેક કામોમાં હું ચાર લાખ શ્લોક ક્યારે સાંભળું માટે કંઈક સંક્ષેપ કરો. તો વળી હું વિચાર કરું.”
  • પંડિતો: “અમે એનું અર્ધું કરી નાખીએ.”
  • રાજા: “તોય બે લાખ શ્લોક સાંભળવાનો સમય મને ક્યાંથી?”
  • પંડિતો: “સારું, દસ-દસ હજાર કરીએ”
  • રાજા: “એ પણ ઘણું વધારે કહેવાય.”
  • પંડિતો: “એક એક હજારમાં અમે એનો સાર લખી નાખીએ.” રાજાએ વિચાર્યું કે એક લાખને એક હજારમાં ઉતારવાની શક્તિ છે. તો હજી જોઉં કે કેટલો સંક્ષેપ કરી શકે છે..
  • રાજા: “હજી કાંઈક ઓછું કરો.”
  • પંડિતો: “સો સો શ્લોકો”
  • રાજા: “હજી ઓછું કરો.”
  • પંડિતો: “દશ, દશ શ્લોકમાં એનો સાર આપીએ.”
  • રાજા: “તોય ચાલીસ શ્લોકો થાય એટલું બધું યાદ ન રાખી શકે.”
  • પંડિતો: “ઠીક ત્યારે એક એક શ્લોકમાં અમારા ગ્રન્થનો નિષ્કર્ષ આપી દઈએ.”
  • રાજા: “બહુ સરસ પણ આટલી મહેનત કરીને તમે જે ગ્રંથો બનાવ્યા. તેનો નિષ્કર્ષ તમે મને આપો તે હું કંઠસ્થ રાખી શકું તો સારું. ચાર શ્લોક યાદ રાખવા ભારે પડે. માટે તમે જો એક એક પાદમાં એને સંકોચી શકો તો મારે એક શ્લોક યાદ રાખવો પડે. તે હું સહેલાઈથી યાદ રાખી શકું.”
  • પંડિતો: ઠીક, અમે એક શ્લોકમાં અમારા ગ્રંથોનું તત્ત્વ તમને આપીએ છીએ. તે સાંભળો. ત્યાંને ત્યાં જ એક એક પાદમાં પોતાના ગ્રંથોનું રહસ્ય બોલી ગયા:

जीर्णे भोजनमात्रेयः कपिलः प्राणिषुदया ।
बृहस्पतिरविश्वासः पाञ्चालः स्त्रीषु मार्दवम् ॥

  • આયુર્વેદશાસ્ત્ર​ના પારગામી આત્રેય નામના પંડિતે પહેલા પાદમાં આયુર્વેદશાસ્ત્ર​નો સાર બતાવ્યો કે આરોગ્ય માટે પહેલાંનું ભોજન પચ્યા પછી નવું ભોજન કરવું.
  • ધર્મશાસ્ત્ર​ના વિશારદ પંડિત કપિલે બીજા પાદમાં ધર્મનો સાર પ્રાણીદયા બતાવી.
  • અર્થશાસ્ત્ર​માં નિષ્ણાત પંડિત બૃહસ્પતિએ ત્રીજા પાદમાં અર્થશાસ્ત્ર​નો સાર બતાવ્યો કે ધનના વિષયમાં કોઈનો વિશ્વાસ ન કરવો.
  • ચોથા પાંચાલ નામના પંડિત પણ ચોથા પાદમાં કામશાસ્ત્રનો ટુંકમાં સાર બતાવ્યો.

  • લાખો શ્લોકોનો સંક્ષેપ જેમ એક શ્લોક-ચાર પાદમાં થઈ શક્યો.
  • તેમ ચૌદપૂર્વનો સંક્ષેપ નવપદમાં થઈ શકે છે.
  • જેમ લાખો મણ ગુલાબમાંથી અત્તર કાઢ્યું હોય છે,
  • એનું એક ટીપું આખા હોલને મઘમઘતો કરી દે છે.
  • કારણ મણો બંધ ગુલાબનું સત્ત્વ એ એક ટીપામાં છે.
  • તેમ શ્રી નવકાર એ ચૌદપૂર્વનું અત્તર છે.
  • એમાં આપણને દ્રઢ વિશ્વાસ-શ્રદ્ધા જોઇએ.



શેર કર​વા નીચે ક્લિક કરો