ભાગ:૧૯: કઇ રીતે જાણવું કે આપણું નવકાર સ્મરણ ફળ્યું?
કોઇ એવું માને છે કે, ધંધામાં લાભ, લોકમાં યશ, સારું મકાન…વગેરે પ્રાપ્ત થાય અને તે શ્રી નવકાર મંત્રની સાધના કરતા હોય તો તેને એમ થાય છે કે મને શ્રી નવકાર મંત્રની સાધના ફળી.
પણ સવાલ એ છે કે આપણે નવકારના ફળ તરીકે આવા બાહ્ય સિદ્ધિને જ માનવું?
- માત્ર બાહ્ય ફળ એટલે કે ભૌતિક સુખ શ્રી નવકાર મંત્રની સાધનાથી મળે એ માનવામાં કેટલીકવાર એવું બને કે પૂર્વનાં કોઇ આપણા તેવાં અંતરાયકર્મ હોય તો શ્રી નવકાર મંત્રની સાધના કરવા છતા બાહ્ય ફળ ના મળે.
- તીવ્ર અંતરાયના ઉદયે કાર્ય ન બની આવતા નવકાર પરની શ્રદ્ધા ડગવા માંડે કે નવકાર ગણ્યા પણ કાર્ય ન થયું.
પણ શું માત્ર આ ભૌતિક (મિથ્યા) સુખ માટે જ આપણે શ્રી નવકાર મંત્ર ગણવાનો છે?
- ના, શ્રી નવકાર મંત્રનું ફળ તો એવું માનવું કે જે નવકારનાં આલંબને અવશ્ય બની આવે.
તો એવા ક્યા ફળ છે જે શ્રી નવકાર મંત્રના આલંબને અવશ્ય બની આવે?
- આનો જવાબ નવકારના પદોની અંદર જ સ્પષ્ટ મળે છે. “એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો.” આ પાંચ નમસ્કાર સમસ્ત પાપોનો અત્યંત નાશ કરનારા છે.
- અર્થાત પાંચ પરમેષ્ઠિને નમસ્કાર એ સમસ્ત પાપોનો નાશ કરનાર છે.
તો એ “પાપ” ક્યા?
- જે પાપકર્મ અશુભકર્મ બંધાવે એ પાપ.
- અશુભ કર્મ બંધાવનારાં પાપ છે: મિથ્યાત્વ, રાગ-દ્વેષાદિ કષાયો, અવિરતિ, પ્રમાદ અને હિંસાદિ પાપ-વિચાર-વાણી-વર્તાવ.
- આ સમસ્ત પાપોનો નાશ એ શ્રી નવકાર મંત્રની સાધનાનું ફળ છે.
જ્યારે શ્રી નવકાર મંત્ર પોતે જ આ ફળ બતાવે છે
- તો પછી આપણે એ જ ફળની આકાંક્ષા રાખીએ કે બીજા કોઇ ફળની? અલબત નમસ્કારથી બીજાં લૌકિક ફળ મળે છે ખરાં, પરંતુ એ ઇચ્છવા માંગવા જેવી વસ્તુ નથી.
- ઇચ્છવા-માંગવા જેવી વસ્તુ આ મિથ્યાત્વ રાગ-દ્વેષાદિનો નાશ છે. માટે પંચપરમેષ્ઠિ નમસ્કારનું એ જ ખરેખરું ફળ માની એની જ કામના-ઝંખના આકાંક્ષા રાખવાની.
- ધનના ઢગલા કે મોટા રાજ્પાટની સિદ્ધિ મળે કિન્તુ જો આ મિથ્યાત્વાદિ પાપ રહેવાના જ હોય, તો અહીં ઉન્માદ અશાંતિ અને પરલોકે નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ સિવાય બીજું શું જોવા મળે?
બ્રહ્મદત્ત ચક્રવર્તી પાસે છ ખંડનું અને ત્રિપૃષ્ઠ વાસુદેવ પાસે ત્રણ ખંડનું સામ્રાજ્ય હતું, પરંતુ રાગાદિ પાપો જાલિમ ઊભા હતાં, તો મરીને એ સાતમી નરકે ગયા. આવી નરકે લઇ જનારી સિદ્ધિ-સમૃદ્ધિને સાચી સિદ્ધિ-સમૃદ્ધિ શાની કહેવાય? માટે જ, મિથ્યાત્વ-રાગાદિ પાપ નાશને જ સાચી સિદ્ધિ-સમૃદ્ધિ માની નમસ્કારના ફળમાં એ પાપનાશ જ ઇચ્છવાનો છે.
-
શ્રી નમસ્કાર-મહામંત્રનો પ્રભાવ અચિંત્ય છે, અદ્ભુત છે, મહા-આપત્તિઓનું નિવારણ શ્રી નવકાર મંત્રથી જ થાય છે.
-
માટે આપણે એ વિચારવું જ રહ્યુ કે શ્રી નવકારમંત્રનો જાપ આપણે ભૌતિક સુખ માટે તો નથી કરી રહ્યા ને?…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶