ભાગ ૧૮: “જાપ” ક્રિયા નિરર્થક અને યાંત્રિક લાગે છે?
જેમને જાપનો અનુભવ નથી તેમને “જાપ” ક્રિયા નિરર્થક અને યાંત્રિક લાગે છે તેથી તેઓ તેનો તિરસ્કાર કરે છે અને કહે છે, “ચોક્કસ શબ્દો વારંવાર ગણવાથી શો લાભ!”
- પણ સાચી વાત એ છે કે, શું આપણો સર્વ સમય યુકિતપૂર્ણ વિચારધારામાં જાય છે? મોટા ભાગના માનવીઓનો ભાગ્યે જ થોડો સમય કોઇ એકાદ વિષય ઉપર વ્યવસ્થિત વિચાર કરવામાં જતો હશે!
- આપણી જાગૃતિના ધણા કલાકો નિરર્થક વિચારોમાં, ઇન્દ્રિયાનુભવમાં, સ્મૃતિના વેર વિખેર અંશોમાં, પુસ્તકો કે છાપાની નકામી વિગતોમાં, ટી.વી ની સિરિયલો જોવામાં કે વોટ્સ એપના મેસેજ જોવામાં વહી જાય છે.
તો શુ કરીએ કે જેથી આપણો સમય નિરર્થક ન જતા સાર્થક બને? એ વાત સાચી છે કે મનુષ્યનું મન નિરર્થક નથી રહી શક્તું, તેમાં કોઇ ને કોઇ પ્રકારના વિચારો અવશ્ય આવવાના જ. તેથી ચારિત્ર ભ્રષ્ટ કરનાર વિચારોના સ્થાને ચારિત્ર વર્ધક વિચારોને સ્થાન આપવામાં આવે તો મનની ક્રિયા પણ ચાલતી રહેશે તથા તેના ઉપર શુભ પ્રભાવ પણ પડતો રહેશે.
શ્રી નમસ્કાર મહામંત્રનો મન ઉપર પ્રભાવ:
- માનવ મગજમાં જ્ઞાનવાહી અને ક્રિયાવાહી એમ બે પ્રકારની નાડીઓ હોય છે.
- જ્ઞાનવાહી: જ્ઞાન વિકાસ માટે.
- ક્રિયાવાહી: ચારિત્રના વિકાસ માટે.
- મનુષ્યનું ચારિત્ર તેના સ્થાયી ભાવો જેવા પ્રકારના હોય તેવા જ પ્રકારનું હોય છે. જો સ્થાયી ભાવો નિયંત્રિત ન હોય અથવા જેના મનમાં ઉચ્ચ આદર્શો પ્રત્યે શ્રદ્ધા ના હોય તેનું વ્યક્તિત્વ અને ચારિત્ર બંને સારા હોતા નથી (એટલે કે જ્ઞાનવાહી અને ક્રિયાવાહી નાડીઓનો યોગ્ય વિકાસ થયેલ હોતો નથી.)
- દ્રઢ અને સુંદર ચારિત્ર બનાવવા (એટલે કે જ્ઞાન વાહી અને ક્રિયાવાહી ના યોગ્ય વિકાસ) માટે એ આવશ્યક છે કે માણસના મનમાં ઉચ્ચ આદર્શો તરફ શ્રદ્ધાસ્પદ સ્થાયી ભાવ થવો જોઇએ.
- વ્યક્તિના મનમાં જ્યાં સુધી કોઇ સુંદર આદર્શ અથવા કોઇ મહાન વ્યક્તિ તરફ શ્રદ્ધા અને પ્રેમનો સ્થાયી ભાવ નથી હોતો ત્યાં સુધી દુરાચારથી દુર થઇને સદાચારમાં તેની પ્રવૃતિ થઇ શકતી નથી.
- શ્રી નમસ્કાર મંત્ર એક ઉચ્ચ અને પવિત્ર આદર્શ છે કે તેનાથી સુદઢ એવા સ્થાયી ભાવની ઉત્ત્પતિ થાય છે. જેમ જેમ શ્રી નમસ્કાર મંત્રનો મન ઉપર વારંવાર પ્રભાવ પડશે તેમ તેમ સ્થાયી ભાવોમાં સુધારો થશે. સ્થાયી ભાવો માનવના ચારિત્રના વિકાસમાં સહાયક થશે.
- ઉચ્ચ આદર્શને મેળવીને વિવેક અને આચરણને દ્રઢ કરવાથી જ માનસિક વિકાસ અને સહજ પાશવિક પ્રવૃતિઓને દુર કરી શકાય છે.
- અચેતન મન અને અવચેતન મન ઉપર સુંદર સ્થાયી ભાવનો સંસ્કાર નાખે છે જેથી અચેતન મનમાં વાસનાઓને એકત્રીત થવાનો અવસર રહેતો નથી. નૈતિક ભાવનાઓ ઉદય થાય છે.
- સંતોષની ભાવના ને જાગૃત કરે છે.
- સમસ્ત સુખોનું કેન્દ્ર છે.
- એક બાજુ પ્રાણ અને શરીરને તો બીજી બાજુ બુદ્ધિ અને આત્માને સુધારનાર છે. તેથી જ શ્રી નમસ્કાર મહામંત્ર વડે આત્મા સમગ્રપણે શુદ્ધ થાય છે.
આપણે વારંવાર જે નામનું ઉચ્ચારણ કરીએ છીએ તેના “ભાવો” આપણામાં સ્ફુરે છે અને જાપ દ્રારા સંકલ્પ વિકલ્પમાં દોડતુ મન ફરી ફરીને ભગવાનના નામમાં આવે છે અને આપણામાં એકાગ્રતા પ્રગટે છે, પ્રસન્નતા પ્રગટે છે, આત્મસાત્ બની જાય છે, આત્માને પ્રકાશ તથા પોષણ પ્રાપ્ત થાય છે અને અંતે આત્માને ઇશ્વરમય બનાવે છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶