ભાગ ૧૭ B: જાપ અને વિચાર
-
આપણે કોઇ મહેમાનને આમંત્રણ આપ્યુ હોય, તે આપણા ધરે પધારે ત્યારે, આપણે તેની આગતા-સ્વાગતાની જગ્યાએ આપણે આપણા અન્ય કામમાં રહીએ, તો મહેમાન ને કેવું લાગે?
-
તે જ રીતે, જાપ કરતી વખતે, અસદ્દ વિચારો આવતા હોય અને આપણે શ્રી નવકાર મંત્રનો જાપ કરીએ, એટલે કે પરમાત્માને આપણા ધરે આમંત્રણ આપ્યું, મેલા-ગંદા મનના ઓરડામાં ઉતારો આપ્યો…
જે તે વિચારો કરવામાં આવે તો આમંત્રિત પરમાત્માનું અપમાન નથી થતું?
-
શાસ્ત્ર પ્રમાણે એક મિનિટમાં મનમાં ૪૮-૫૫ વિચારો આવતા હોય છે, મન વ્યગ્ર થાય ત્યારે વિચારોના ઉભરાઓ ઠલવાય છે. આ વિચારોમાં ક્રોધનો, ઇર્ષાનો, ભયનો, લોભનો એકાદ ભાવ કેવું વિષ ઉત્પન્ન કરે છે તે આપણે આગલા દષ્ટાંતમાં જોયું હતું. દરેક દુર્ભાવ પ્રતિક્ષણનું આંતર મૃત્યુ છે.
-
મનને ચંચળ એવા વાંદરાની ઉપમા આપવામાં આવે તો પણ અપૂર્ણ છે અને જો વાયુની ઉપમા આપીએ તો પણ ટુંકી જ પુરવાર થાય.
-
મનમાં જે જે ભાવો આવતા હોય, તે ગમે અને ભોગવતા ના હોવા છતા તેનું ફળ કેવું હોય તે માટે શાસ્ત્રમાં દષ્ટાંત આવે છે તે જોઇએ.
શાસ્ત્રમાં તંદુલિયા મત્સ્યનું દષ્ટાંત:
-
તંદુલિયા મત્સ્ય ચોખાના દાણા જેવડો હોય છે, મોટા માછલાની આંખમાં એ જન્મે છે, તેનું આયુષ્ય ફક્ત ૪૮ મિનીટનું જ હોય છે. આ તંદુલિયા મત્સ્યની દેખીતી કોઇ પ્રવૃતિ દુષ્ટ હોતી નથી પણ એનો ભાવ દુષ્ટ હોય છે, તે મોટા માછલાની આંખમાં બેઠા બેઠા જોતુ હોય કે, આ મોટા માછલાનું મુખ ખુલ્લું છે અને તેમાંથી પાણીની સાથે નાના માછલા પણ વહી જાય છે, જો હું તેની જગ્યાએ હોઉં તો એક પણ માછલાને જવા ના દઉં, બધાને ખાઇ જાઉં! તે ભોગવી શકે કંઇ નહીં પણ વિચારે કેટલું! તેના આ વિચાર તેને ૭મી નરકમાં લઇ જાય છે.
- તેથી જ કહેવાય છે કે, ભાવમાં તાકાત છે, એ બધુ હલાવી શકે, તંદુલિયો મત્સ્ય એક પણ માછલાને મારતો નથી પણ મારવાના વિચારથી ૭મી નરકે જાય છે, આપણે પણ જે વસ્તુ ગમે, પસંદ પડે તેને ભોગવવાની ઇચ્છા છે જ!
- કોઇનો બંગલો જોઇને, કોઇની ગાડી જોઇને આપણને ગમે અને આપણને ના મળે તો પણ આપણને ભોગવટ્ટાનું પાપ લાગે જ!
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶