ભાગ ૧૭A: આપણા અંદરના પરિણામ કેવા છે એના પર જ લાભ અને નુકશાન થાય છે
આગળના ભાગમાં આપણે ધર્મની આરાધના કેવી કરવી જેથી જાપ નુ ઉત્તમ ફળ મળે એ વિશે જોયું…
એક સામાન્ય ફરીયાદ એ હોય છે કે જ્યારે આપણે નવકારનો જાપ કરીએ છીએ, ત્યારે એક અથવા બીજા વિચાર આવવા માંડે છે.
- આપણે વિચારની અચિંત્ય શક્તિથી અજાણ છીએ.
- દુષિત થયેલો આહાર આપણે ખાતા નથી,
- ગટરનું ગંદુ પાણી આપણે પીતા નથી,
- પરંતુ અસદ્દ વિચારોને આપણે આવવા જ દઇએ છીએ.
- પ્રત્યેક અસદ્દ વિચાર ભાવમૃત્યુનું કારણ છે.
ચિત્તની તાકાત માટે શાસ્ત્રમાં શ્રી પ્રસન્નચંદ્રરાજર્ષિનું દષ્ટાંત આવે છે જેમાં મૂનિ સૂર્ય સામે સ્થિર દ્રષ્ટિ રાખીને દોઢ પગે કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા છે, તે વખતે શ્રેણિકમહારાજાની સવારીની આગળ સુમુખ અને દુર્મુખ નામના ૨ સેવકો જઇ રહ્યા છે.
-
સુમુખ: અહો! ધન્ય છે મહાત્માને જેમણે રાજ્ય અને ભોગ સુખોનો ત્યાગ કરી કષ્ટમય જીવન સ્વીકાર્યુ છે, કેવું ઉત્તમ જીવન છે!
- દુર્મુખ: આ રાજાએ શું સારુ કર્યું? નાના બાળકને ગાદીએ બેસાડી દિક્ષા લીધી છે અને હવે મંત્રીઓના મનમાં રાજ્યની લાલસા ઉભી થઇ છે તે માટે યુદ્ધની તૈયારી શરુ કરી છે.
- આ સાંભળી મૂનિના મનમાં વિચાર આવ્યો,
મંત્રીઓ નમક હરામ નિકળ્યા, હજુ હું જીવતો છું, મારી શક્તિનો પરચો બતાવી દઉં… મૂનિએ મનથી (વિચારથી) યુદ્ધ શરુ કર્યું, ભયંકર યુદ્ધ ચાલી રહ્યુ છે…
- શ્રેણિક મહારાજા ની નજર મૂનિ ઉપર ત્યારે પડે છે એટલે મૂનિને ત્રણ પ્રદક્ષિણા આપી ભાવથી વંદન કરી, આગળ વધે છે, ત્યારે વીર પ્રભુ પાસે જઇ પુછે છે
હે ભગવંત!, મૂનિ શુભ ધ્યાનમાં રમે છે તો તેમની કઇ ગતિ થશે?
- પરમાત્મા એ કહ્યુ:
હમણાં કાળધર્મ પામે તો સાતમી નરકમાં જાય…
- એ સાંભળી શ્રેણિક મહારાજા વિચારમાં પડી ગયા…
મૂનિની બાહ્ય અવસ્થા કેવી છે?
કાયોત્સર્ગમાં સ્થિર છે પણ મન અત્યારે અસ્થિર બન્યુ છે.
આપણે પણ કોઇ પણ ક્રિયા કરતા હોય, પૂજા, સામાયિક, શ્રી નવકાર મંત્રની સાધના, તે સમયે આપણું મન ક્યાં હોય? આપણા ભાવો કેવા હોય? તેના પરથી જ ગતિ નક્કી થાય છે. એટલે કે, આંતરિક પરિણતિને વિશુદ્ધ બનાવ્યા વિના આત્માનું કલ્યાણ શક્ય નથી.
- મૂનિના મનમાં હજુ યુદ્ધ ચાલ્યા કરે છે પણ હવે શસ્ત્રો ખુટ્યા એટલે વિચાર્યુ કે હજુ માથે મુગટ તો છે ને! એમ વિચારી મુગટ ઉતારવા માથે હાથ મુક્યો… જેવો હાથ મુક્યો, પોતે તો મુંડિત છે, સાધુ છે, એવું ભાન થયું, તીવ્ર પસ્તાવો શરુ થયો. તેની વિચારધારા પલટાણી,
મેં કેવું દુષ્ટ ચિંતન કર્યું, કેટલા જીવો નો સંહાર કર્યો? કોઇ પણ જીવને મનથી દુ:ખ નહીં પહોંચાડવાની મેં પ્રતિજ્ઞા કરી છે, ધિક્કાર છે મને! કેવા અધમ કક્ષાના વિચારો કર્યા!
આ બાજુ
- શ્રેણિક મહારાજા પરમાત્માને ફરી પૂછે છે,
ભગવંત! મૂનિની અત્યારે કઇ ગતિ થાય?
- પરમાત્મા એ કહ્યુ:
મૂનિ આ સમયે કાળધર્મ પામે તો સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય…
એટલામાં દેવદુંદુભિ સંભળાઇ.
- શ્રેણિક મહારાજા પરમાત્માને પૂછે છે,
ભગવંત! આ શું?
- પરમાત્મા એ કહ્યુ:
પ્રસન્નચંદ્રરાજર્ષિને કેવળજ્ઞાન થયું.
- શ્રેણિક મહારાજાને અત્યંત આશ્ચર્ય થયું, આવુ કેવી રીતે બન્યું? પરમાત્માએ જેવું બન્યુ હતું તેવું સંપુર્ણ રીતે જણાવ્યું.
આ દષ્ટાંત પરથી આપણે એ સમજવાનું છે કે, આપણા અંદરના પરિણામ કેવા છે એના પર જ લાભ અને નુકશાન થાય છે. અંતરમાં વિપરીત પરિણામ હોય તો એ ક્રિયાઓ નકામી છે. જો વેપારી માત્ર વકરો જુવે પણ કેટલો નફો થયો તે ના વિચારે તો એને દેવાળું જ કાઢવું પડે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶