ભાગ ૧૬A: નવકારમંત્રના આરાધકે ઉત્તમ ફળ મેળવવા કઇ ભાવના ભાવવી?
આગળના ભાગમાં આપણે શું શ્રી નવકારમંત્રથી રોગો દુર થાય? એ વિશે જોયું…
નવકારમંત્રના આરાધકે ઉત્તમ ફળ મેળવવા કઇ ભાવના ભાવવી?
મૈત્રીભાવ:
- સર્વ જીવો સાથે મૈત્રીભાવ નહીં કેળવનાર આત્મા માત્ર પોતાનો જ વિચાર, પોતાની સુખ-સગવડનો વિચાર તેમજ પોતાના દુ:ખોની ગુંચમાંથી ઉંચો નથી આવતો, પરિણામે, દુનિયાની સઘળી સારી ચીજો પ્રતિ મમતા, તૃષ્ણા, મેળવવાની લાલસા હૈયામાં તીવ્ર ખળભળાટ ઉભો કરે છે અને કોઇ બીજાને ઉત્તમ ચીજો મળે તો તેની ઇર્ષ્યા થાય છે.
- પણ મૈત્રીભાવના વિકાસથી પોતાની જાતને સુખી કરવાના વિચાર ગૌણ બની દુનિયાના અન્ય લોકો પણ સુખી થાય એ વિચાર અતૃપ્તિ અને ઇર્ષ્યાની આગમાંથી બચાવે છે.
પ્રમોદભાવ:
- મને જેમ સુખ વહાલું છે તેમ બીજાઓ ને પણ આ સુખ મળવાથી કેટલી શાંતિ થતી હશે, બીજા જીવોની સુખી અવસ્થા જોઇ આપણે પણ આનંદિત થઇએ.
- ગુણિયલ જીવોના ગુણોની અનુમોદના સતત વધવાથી આપણામાં ગુણાનુરાગ પ્રબળ થાય છે.
કરુણા:
- મૈત્રીભાવમાંથી જગતના પ્રાણી માત્રના દુ:ખો દુર થાઓ, યથાશક્ય રીતે દુનિયાના જીવો ના દુ:ખને દુર કરવાના પ્રયત્નો તથા આપણાથી તેઓને દુ:ખ ન થાય તેવો પુરુષાર્થ કરવા રુપે કરુણાભાવના આપણા જીવનમાં અપનાવવી જોઇએ.
- કરુણાના વિકાસ માટે પરોપકાર, સ્વાર્થત્યાગ, દયા, ઉદારતા, આદિ ગુણોના વિકાસની ખાસ જરુર છે.
કરુણાના ૨ ભેદ છે:
- દ્રવ્ય કરુણા:
- આહાર, વસ્ત્ર, દવા આદિથી તાત્કાલિક રાહત પહોંચાડવી.
- ભાવ કરુણા:
- દુખિયા જીવો ના દુ:ખોને ઉપજાવનાર વિષમ પાપકર્મોના બંધનમાંથી તેઓ મુક્ત થાય એ માટેની ભાવના અને એને અનુરુપ ઉપદેશ સમજાવટ આદિ દ્રારા પાપ પ્રવૃતિમાંથી બચાવી સન્માર્ગે ચઢાવા, જેથી તેઓ ના દુ:ખ નો કાયમી નાશ થાય.
- જીવ માત્ર પ્રત્યે દ્રવ્ય કરુણા ક્યારેય પણ ભાવ કરુણા વગરની ના થવી જોઇએ.
- દ્રવ્ય કરુણા:
માધ્યસ્થભાવ:
- જગતના જીવોમાં કેટલાક મૂઢ જીવો એવા પણ હોય છે કે જેમને પોતાના દુર્ગણોનું ભાન ન હોય - ભાન હોય છતાં કદાચ તે દુર્ગુણોની પકકડમાંથી છૂટે તેવા ન હોય.
- એવા જીવોને જોઈ સહજ રીતે મનમાં રોષ પ્રગટે તે રોષ ન પ્રગટવા દેવો અને જીવ કર્માધીન છે.
- એ બિચારો કર્મસત્તાથી જકડાયેલ છે.
- બિચારાને સદબુદ્ધિ થાઓ, એનાં દુષ્કર્મોનો નાશ થાઓ એવી જાતની વિચારણાથી સાધનાપંથે ચાલનારા પુણ્યાત્મા બીજાના દુર્ગુણોની પંચાતથી પોતાનું ગુમાવતા નથી.
- આ જાતની મનોવૃત્તિની કેળવણી તેનું નામ માધ્યસ્થ ભાવના.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶