ભાગ ૧૦: શ્રી નમસ્કાર મહામંત્રનો નિયમિત જાપ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવો?
આગળના ભાગમાં આપણે ભાવ વગર દ્રવ્ય નમસ્કાર થાય તો તેનું ફળ કેવું હોય? એ વિશે શ્રીકૃષ્ણનું દ્રષ્ટાંત જોયું…
શ્રી નમસ્કાર મહામંત્રનો નિયમિત જાપ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવો?
જાપનું સ્થળ
- તીર્થંકર ભગવાનનું કલ્યાણક જે સ્થળે થયું હોય ત્યાં અને જ્યાં સ્થિરતા કરી હોય તે (શુભ પરમાણુમય) ક્ષેત્રમાં શક્ય હોય તો કરવો.
- તીર્થ સ્થાનોમાં
- અશોકવૃક્ષ-શાલવૃક્ષ આદિ ઉત્તમવૃક્ષ નીચે.
- નદી કિનારે.
- પવિત્ર-શાંત-એકાંત જગ્યાએ
- જાપની જગ્યા નિયત અને પવિત્ર હોવી જોઈએ.
જાપનો સમય:
- વહેલી સવારે બ્રહ્મમુહૂર્ત સૂર્યોદય પહેલાં ૪ ઘડી (૧ કલાક ૩૬ મિનિટ) પૂર્વે જાગૃત થઈ જાપ કરવો ઉત્તમ છે.
- જાપનો સમય એક જ રાખવો જોઈએ.
- સૌથી શ્રેષ્ઠ જાપનો સમય સવારે છ વાગે, બપોરે બાર વાગે અને સાંજે છ વાગે જ્ઞાની ભગવંતોએ નિર્દેશ્યો છે.
- તે કદાચ ન સધાય તો ૨૪-૨૪ મિનિટ આગળ પાછળની છે તેમાંથી નિયત કરવો.
જાપની દિશા:
- પૂર્વ યા ઉત્તર દિશા સન્મુખ બેસીને
જાપ કઇ રીતે કરવો?:
- શુદ્ધ થઈને
- શ્વેત વસ્ત્રો પહેરીને
- સાનુકૂળ ભૂમિતલ પ્રમાર્જીને
- શ્વેત કટાસણું પાથરીને
- ચિત્તને ‘શિવમસ્તુ સર્વ જગતઃ’ ની ભાવના વડે વાસિત કરીને
- દ્રષ્ટિને નાસિકા અગ્રે સ્થાપીને
- ધીરે, ધીરે તેનો પ્રત્યેક અક્ષર આખા શરીરમાં ફરી વળે તેવી રીતે આપણે શ્રી નવકારનો જાપ કરવો જોઈએ.
- જાપ સમયે શરીર હાલવું ન જોઈએ. કમ્મર વળી જવી ન જોઈએ.
- જાપ પૂરો થાય તે પછી ઓછામાં ઓછી પાંચેક મિનિટ સુધી આંખો બંધ કરીને તે સ્થળમાં બેસી રહેવું જોઈએ. એમ કરવાથી જાપજન્ય સત્ત્વની સ્પર્શનાનો અદભુત યોગ સધાય છે અને ક્યારેક ભાવસમાધિની અણમોલ પળ જડી જાય છે.
- જાપ માટેનાં ઉપકરણોને પૂરેપૂરા બહુમાનપૂર્વક પવિત્ર જગ્યામાં રાખવાં જોઈએ.
- જીભ એકલી જ નહીં પરંતુ મન બરાબર શ્રી નવકાર ગણતા શીખી જાય તે તરફ આપણું લક્ષ્ય રહેવુ જોઇએ. મન શ્રી નવકારમાં પરોવાય છે એટલે બધી ઇન્દ્રિયો પણ તેમાં ઓતપ્રોત થાય છે.
જાપની સંખ્યા:
- માળાની સંખ્યા પણ ચોક્કસ રાખવી જોઈએ. એટલે કે પાંચ માળા ગણવાના નિયમવાળો પુણ્યશાળી આત્મા છ ગણી શકે પણ પાંચથી ઓછી તો નહી જ.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶